અયોધ્યા વિવાદનો મધ્યસ્થી દ્વારા સંતોષકારક ઉકેલ આવશે ખરો? - Sandesh
  • Home
  • Columnist
  • અયોધ્યા વિવાદનો મધ્યસ્થી દ્વારા સંતોષકારક ઉકેલ આવશે ખરો?

અયોધ્યા વિવાદનો મધ્યસ્થી દ્વારા સંતોષકારક ઉકેલ આવશે ખરો?

 | 2:45 am IST

ઓવર વ્યૂ

અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદ વિવાદનો ઉકેલ સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ પછી મધ્યસ્થી દ્વારા સંતોષકારક રીતે આવી શકશે ખરો? તેવો સવાલ આજકાલ ચોરે અને ચૌટે ચર્ચાઈ રહ્યો છે. જો કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો કાનૂની જવાબ હા છે. અલ્હાબાદ હાઇકોર્ટનાં ચુકાદાને આધાર બનાવીને ત્રણ મધ્યસ્થીઓની પેનલને આ કેસ સોંપવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ કોઈ કાનૂની અવરોધો કે પ્રતિબંધો નથી. જો કે ત્રણ પૈકી એક મધ્યસ્થી તરીકે શ્રી શ્રી રવિશંકરને સામેલ કરવાનો કોર્ટનો નિર્ણય કેટલાકને આંખનાં કણાની જેમ ખૂંચી રહ્યો છે તે જુદી વાત છે. કેટલાક લોકોએ નબળા કાનૂની આધારનો મુદ્દો ઉઠાવીને વિરોધના સૂરમાં કહ્યું છે કે કોર્ટનાં માનવા મુજબ આ પ્રકારની મધ્યસ્થીનો કાયદેસર કોઈ આધાર નથી.

દીવાની કેસો મધ્યસ્થી માટે મોકલી શકાય છે

બાબરી મસ્જિદ ટાઇટલનો કેસ જ્યારે મધ્યસ્થીને સોંપવામાં આવે ત્યારે કેટલાક ગહન પ્રશ્નો ઉદ્ભવે તે સહજ છે. મધ્યસ્થી એ કોર્ટ બહાર સમાધાનની એવી પ્રોસેસ છે કે જ્યાં પક્ષકારોને તેમનાં વેરઝેર અને દુશ્મનાવટ છોડીને પ્રતિકુળતા વિના તેમનાં મતભેદો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટે બંધનકર્તા સમાધાન કરવા પ્રોત્સાહિત કરાય છે. સામાન્ય રીતે જોઈએ તો તમામ સિવિલ કેસ એટલે કે દીવાની કેસો મધ્યસ્થી માટે મોકલી શકાય છે અને તેનો ઉકેલ લાવવાની કામગીરી ઠરેલ અને પરિપકવ તેમજ કુશળ મધ્યસ્થીઓનાં હાથમાં સોંપવામાં આવે છે. જો કે કેસના પક્ષકારો વિવાદો સર્જ્યા વિના સાનુકુળ રીતે તેમના મતભેદોને કોરાણે મૂકીને સમાધાન માટે સંમત થતા નથી તે માટે કોઈ કારણો હોતા નથી.

વિવાદો ઉકેલવાની સફળતાનો આધાર કેસનાં પક્ષકારોની ઇચ્છાશક્તિ પર

ભારતમાં મોટાભાગે લગ્નવિષયક કેસોમાં અને પારિવારિક વિવાદો ઉકેલવા માટે ન્યાયતંત્રમાં મધ્યસ્થીનો સહારો લેવામાં આવે છે. રાજ્યો વચ્ચેની સરહદોનાં વિવાદો પણ ભૂતકાળમાં મધ્યસ્થીઓની પેનલ દ્વારા ઉકેલવામાં આવ્યા હતા જેમાં હાલની પેનલમાં જેમને સ્થાન અપાયું છે તેવા કુશળ મધ્યસ્થી શ્રીરામ પાંચુનો પણ સમાવેશ કરાયો હતો. તાજેતરમાં નિવૃત્ત થયેલા સુપ્રીમ કોર્ટનાં જજ કુરિયન જોસેફ પણ મધ્યસ્થી દ્વારા વિવાદો ઉકેલવાનાં આગ્રહી હતા, પછી તે લગ્નવિષયક વિવાદો હોય કે કોર્પોરેટ વિવાદો હોય. જો કે મધ્યસ્થી દ્વારા વિવાદો ઉકેલવાની સફળતાનો આધાર કેસનાં પક્ષકારો તેમનાં ગમા અણગમા છોડીને કે કંઈક વસ્તુનો ત્યાગ કરીને બે ડગલાં આગળ વધવા માગે છે કે કેમ તેના પર રહેલો હોય છે. આવો ત્યાગ કરાવવામાં મધ્યસ્થીની કુશળતા પણ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.

આ પ્રકારનાં વિવાદો શું મધ્યસ્થી દ્વારા ઉકેલી શકાય ખરા?

જો કે અયોધ્યા રામમંદિર અને બાબરી મસ્જિદ જેવા રિપ્રેઝન્ટેટિવ સૂટ (પ્રતિનિધિત્વવાળો દાવો) કે જ્યાં તમામ પક્ષકારો કેસને લગતી પ્રોપર્ટી પરનો દાવો તેમના વ્યક્તિગત ઉપયોગ માટે કે પોતાનાં અંગત લાભ માટે કરતા નથી પણ બહોળા સમુદાય અને વ્યાપક જનહિત માટે કરે છે ત્યાં એવો પ્રશ્ન ઉઠાવી શકાય કે આ પ્રકારનાં વિવાદો શું મધ્યસ્થી દ્વારા ઉકેલી શકાય ખરા? મોટાભાગનાં રિપ્રેઝન્ટેટિવ સૂટમાં જે વ્યક્તિ અરજી ફાઇલ કરે કે કેસ કરે તે વ્યક્તિઓનાં સમૂહ વતી કાનૂની કે વાસ્તવિક દાવા કરતા હોય છે. આવી વ્યક્તિઓને મધ્યસ્થી દ્વારા વિવાદ ઉકેલવાનું કહેવામાં આવે ત્યારે તે કંઈક જુદી ભાવનાઓ સર્જે છે. આવા કિસ્સામાં અરજી કરનાર વ્યક્તિને ફક્ત કાનૂની દલીલો કરવાને બદલે જેમનું પ્રતિનિધિત્વ કરતા હોય તેનાં પ્રવક્તા બનવા અને મધ્યસ્થીનાં હિતોનું જતન કરવા પણ ફરજ પાડવામાં આવે છે. આવા સંજોગોમાં પક્ષકારોની ભૂમિકાનો વ્યાપ વિસ્તરે છે અને પક્ષકારોની ઇચ્છા હોય કે ન હોય તેમ છતાં તેમણે કેટલાંક નિર્ણયો લેવા પડે છે.

પક્ષકારો જે તે ગ્રૂપ વતી સમાધાન કરી શકશે કે કેમ તે પેચીદો પ્રશ્ન

બાબરી મસ્જિદ ટાઇટલના કેસમાં એમ. સિદ્દીકી અને મહંત સુરેશ દાસ તેમજ અન્યોનાં નામ હોવા છતાં ખરેખર તો આ વિવાદ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદિત જમીનની માલિકીનો છે. આમાં જે તે ગ્રૂૂપનાં પક્ષકારો અને કાયદેસરનાં પ્રતિનિધિઓ કોર્ટમાં જે કંઈ કાનૂની પ્રશ્નો કે મુદ્દાઓ ઉઠાવતા હોય છે તેઓ કોર્ટની બહાર આવા પ્રશ્નો ઉઠાવીને કે તેની કાયદેસરતાનાં પ્રશ્નો ઉઠાવીને જે તે ગ્રૂપ વતી સમાધાન કરી શકશે કે કેમ તે પેચીદો પ્રશ્ન છે. તેઓ કોઈએ ચૂંટેલા પ્રતિનિધિઓ નથી કે કાયદાની કોઈ પ્રોસેસ દ્વારા તેમની નિયુક્તિ કરાઈ નથી કે જેના દ્વારા તેમને કાનૂની માન્યતા આપી શકાય. તેઓ જે સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરે છે તે સમુદાય દ્વારા તેમણે કરેલું સમાધાન સ્વીકાર્ય રાખવામાં આવશે કે કેમ તેવું કોઈ પક્ષકારો પાસે કોઈ યોગ્ય મિકેનિઝમ નથી.

કોર્ટનો ઇરાદો શુભ પણ સૌહાર્દપૂર્ણ ઉકેલ આવશે તેમ કહેવું મુશ્કેલ

જો કે બાબરી મસ્જિદ વિવાદનો મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવામાં આવે અને કોર્ટ બહાર સૌહાર્દપૂર્ણ સમાધાન કરવામાં આવે તેવો સુપ્રીમ કોર્ટનો ઇરાદો શુભ છે. આને કારણે પક્ષકારો તેમને પસંદ હોય કે ન હોય તેમ છતાં એવી પેચીદી સ્થિતિમાં મુકાયા છે કે શરૂઆતથી જ મધ્યસ્થીનો વિરોધ કરતાં હોવા છતાં તેમણે વિવાદનો સમાધાનકારી ઉકેલ લાવવાનો છે. મધ્યસ્થી એ વિવાદનાં મુખ્ય પક્ષકારો સુધી જ મર્યાદિત છે અને મધ્યસ્થીઓ દ્વારા શુભ ઇરાદાથી તેનો ઉકેલ લાવવા પ્રયાસો કરાયા છે તેવું માની લઈએ તો પણ તેની કાયદેસરતાનાં પ્રશ્નો ઉઠાવ્યા વિના વિવાદનો સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવામાં આવશે કે કેમ તેમ કહેવું મુશ્કેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;