અયોધ્યામાં ભવ્ય રામમંદિરનાં નિર્માણ માટે ભાજપ પ્રતિબદ્ધ : અમિત શાહ - Sandesh
 • Home
 • India
 • અયોધ્યામાં ભવ્ય રામમંદિરનાં નિર્માણ માટે ભાજપ પ્રતિબદ્ધ : અમિત શાહ

અયોધ્યામાં ભવ્ય રામમંદિરનાં નિર્માણ માટે ભાજપ પ્રતિબદ્ધ : અમિત શાહ

 | 12:30 am IST

। નવી દિલ્હી ।

આગામી લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના ઘડી કાઢવા શુક્રવારે દિલ્હીનાં રામલીલા મેદાન ખાતે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો પ્રારંભ થયો હતો. પાર્ટીના ૧૨,૦૦૦ જેટલા નેતા અને કાર્યકરોને સંબોધન કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણી યુદ્ધ છે. કાર્યકર્તાઓ તૈયારીમાં લાગી જાય. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વૈચારિક યુદ્ધની ચૂંટણી છે. બે વિચારધારા સામસામે ઊભી છે. ૨૦૧૯નાં આ યુદ્ધનું પરિણામ સદીઓ સુધી અસર કરશે, તેથી તે જીતવું અત્યંત મહત્ત્વનું છે.

પોતાનાં સંબોધનમાં રામમંદિરનો ઉલ્લેખ કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, અમે ચૂંટણી ઢંઢેરામાં રામમંદિરનિર્માણનું વચન આપ્યું હતું. અમે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનાં નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ. અમે તે જ સ્થળે રામમંદિરનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ છીએ. રામમંદિરનાં નિર્માણની અમારી ફરજ છે અને અમે તેની સાથે બંધાયેલા છીએ. હાલ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને અમે ઇચ્છીએ છીએ કે, જેમ બને તેમ ઝડપથી આ કેસની સુનાવણી પૂરી થાય. ભાજપે વચન આપ્યું છે કે બંધારણીય રીતે રામમંદિરનું નિર્માણ થાય પરંતુ કોંગ્રેસ તેમાં અવરોધ સર્જી રહી છે.

ચોરોને ચોકીદાર જ પકડી લાવશે : અમિત શાહ

ભાજપઅધ્યક્ષે જણાવ્યું હતું કે, નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા આ તમામને કોંગ્રેસનાં શાસનમાં લોન અપાઈ હતી, તે સમયે તેમને નાસવાની ફરજ પડી નહોતી પરંતુ જેવા ચોકીદાર સત્તામાં આવ્યા કે તેઓ નાસી છૂટયા. આ તમામ ચોરોને ચોકીદાર જ પકડી લાવશે. ચોકીદાર કોઈ ચોરને છોડશે નહીં. આપણી પાસે હવે એવા કડક કાયદા છે કે તે તમામને પાછા લવાશે.

રાફેલ મુદ્દે રાહુલ ગાંધી પુરાવા વિના ભ્રષ્ટાચારના આરોપ મૂકી રહ્યા છે : અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર

અમિત શાહે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના કેસમાં જામીન પર છૂટેલા રાહુલ ગાંધી મોદી સરકાર સામે લાંચના પાયાવિહોણા આરોપ મૂકી રહ્યા છે પરંતુ જનતા તેમના કરતાં ડાહી છે, તેઓ કોઈપણ પુરાવા વિના રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના આરોપ મૂકી રહ્યા છે.

મહાગઠબંધન પર કહ્યું, પીએમ મોદીને પરાજિત કરવા અશક્ય

અમિત શાહે પ્રસ્તાવિત વિપક્ષી મહાગઠબંધન પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસની સામે બધા એકજૂથ થતા હતા, હવે બધા ભાજપ સામે એકજૂથ થઈ રહ્યા છે. શા માટે? કારણ કે તેઓ જાણે છે કે, પીએમ મોદીને પરાજિત કરવા અશક્ય છે. મોદીની સ્વીકૃતિનું આ પ્રમાણ છે. આ ચૂંટણી પીએમ મોદી વિરુદ્ધ ચહેરા વિનાનાં મહાગઠબંધન વચ્ચે લડાશે. ઉત્તર પ્રદેશમાં ભાજપ ૭૩ નહીં પરંતુ ૭૪ બેઠક જીતશે.

શું કહ્યું અમિત શાહે કારોબારીમાં

 1. ગરીબ સવર્ણ અનામતની માગ પૂરી કરી.
 2. ૨૦૧૯માં ૨૦૧૪નું પુનરાવર્તન, વિકાસ જારી રાખવા આ ચૂંટણી મહત્ત્વની.
 3. કોંગ્રેસ ૭૦ વર્ષ સુધી ગરીબોની અવગણના કરતી રહી.
 4. ૨૦૧૪ સુધી ૬૦ કરોડ લોકોનાં બેન્કમાં ખાતાં પણ નહોતાં.
 5. ૨૦૨૨ સુધીમાં દરેક ભારતીયને ઘરનું ઘર અપાશે.
 6. આયુષમાન ભારત યોજનાથી ૫૦ કરોડને લાભ.
 7. અમે સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા ઉરી જેવા આતંકી હુમલાઓનો બદલો લીધો.
 8. અમે બુલેટથી બુલેટ અટકાવી, મોદીરાજમાં આતંકી હુમલા ઘટયા.
 9. દેશની સુરક્ષાની ચિંતા ન હોવાથી કોંગ્રેસ ઘૂસણખોરોને સમર્થન આપી રહી છે.
 10. ૧૯૮૪નાં શીખવિરોધી રમખાણો કોંગ્રેસે ભડકાવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન