"અમદાવાદની ગુફા"ના સર્જક બીવી દોશીને મળ્યો આર્કિટેક્ચરનો નોબેલ - Sandesh
  • Home
  • Gujarat
  • “અમદાવાદની ગુફા”ના સર્જક બીવી દોશીને મળ્યો આર્કિટેક્ચરનો નોબેલ

“અમદાવાદની ગુફા”ના સર્જક બીવી દોશીને મળ્યો આર્કિટેક્ચરનો નોબેલ

 | 1:40 pm IST

ભારત અને ગુજરાત માટે ગર્વની વાત છે. “અમદાવાદની ગુફા” જેવા અનેક પ્રખ્યાત સ્થાપત્યોના સર્જક અને આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓમાં “બી.વી.દોશી” તરીકે જાણીતા બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચરના સર્વોચ્ચ સન્માન એવા નોબેલ પ્રાઈઝ સમકક્ષ ગણાતાં પ્રાઈઝર (Pritzker) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર, સમાજસેવામાં મેગ્સેસે એવોર્ડ અને પત્રકારત્વમાં પુલિત્ઝર પ્રાઈઝની માફક આર્કિટેક્ચર વિશ્વમાં પ્રાઈઝર પુરસ્કારની ગણના પણ ભારે ઊંચી માનવામાં આવે છે

90 વર્ષીય બાલકૃષ્ણ દોશી નાવિન્યસભર અને ઉપયોગી તેમજ નૈસર્ગિક સ્પર્શ ધરાવતી ડિઝાઈન માટે જગવિખ્યાત છે. જેમણે મુંબઈની જેજ સ્કુલ ઓફ આર્કિટેક્ચરમાંથી અભ્યાસ કર્યો છે. જે પછી તેઓ પ્રસિદ્ધ આર્કિટેક્ટ લા કોબુર્ત્ઝિયર જેવા જીનિયસના આસિસ્ટન્ટ તરીકે ચંદીગઢ શહેરના નિર્માણમાં યોગદાન આપી ચૂકેલા દોશીસાહેબ ઓછી કિંમતના છતાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા મકાનોની ડિઝાઈન માટે ભારે પ્રસિધ્ધિ પામ્યા હતા.

બીવી દોશીએ 1955માં પોતાનો સ્ટુડિયો વાસ્તુ-શિલ્પ બનાવ્યો અને ઈન્ડિયન ઇન્સિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના ડિઝાઈન કેમ્પસમાં લુઈ ખાન અને અનંત રાજે સાથે કામ કર્યું હતું.

અમદાવાદની ગૂફા

આઝાદી પછી વિકાસના માર્ગે આગેકૂચ કરી રહેલાં ભારતમાં શહેરીકરણનો દૌર આરંભાઈ રહ્યો હતો ત્યારે વિવિધતાસભર દેશની સાંસ્કૃતિક ધરોહરને પ્રતિબિંબિત કરે તેમજ આવશ્યકતાઓની પૂર્તિ પણ કરે તેવી દોશીસાહેબની ડિઝાઈન આજે દેશભરમાં પ્રચલિત છે. તેમને મળેલું પ્રાઈઝર એવોર્ડ 1979થી અપાય છે, પરંતુ આર્કિટેક્ચરનો આ સર્વોચ્ચ ખિતાબ મેળવનાર બી.વી. દોશી સર્વપ્રથમ ભારતીય છે. જેના માટે રાષ્ટ્રપતિ કોવિન્દે પણ શુભેચ્છા પાઠવી છે.

બીવી દોશીને ઇન્સ્ટીટ્યૂશન બિલ્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ અમદાવાદ સ્થિત સ્કૂલ ઑફ પ્લાનિંગ અને સ્કૂલ ઑફ આર્કિટેક્ચરના પહેલા ફાઉન્ડર ડાયરેક્ટર છે, સેન્ટર ફોર એનવાયરનમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજીના પહેલા ફાઉન્ડર ડીન, વિઝ્યુઅલ આરટ સેન્ટરના પહેલા ફાઉન્ડર મેમ્બર અને કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સના પહેલા ફાઉન્ડર ડાયરેક્ટર છે.

સર્વોચ્ય સન્માન મળતાં દોશીએ કહ્યું કે, આર્કિટેક્ચરલ સ્પિરિટના સપના અને ફિલોસોફી એક ખજાનો તૈયાર કરવાના પ્રયત્નોમાં લાગ્યાં હોય છે, મારું કામ જ મારી જીંદગીનું વિસ્તરણ છે. આ સમ્માન માટે હું મારા ગુરુ લી કોર્બુઝિયરનો ઋણી છું. તેમની ટેક્નિકથી ઘણું બધું સીખવા મળ્યું છે. દોશી એક સામાન્ય સુથારના પરિવારમાંથી આવે છે અને માત્ર એક જ સાક્ષાત્કારમાં તેમણે સૌથી પહેલા તેમના દાદાનું ઘર બનાવ્યું હતું. જ્યાં અત્યારે તેમનું જોઇન્ટ ફેમિલી રહે છે. એક વખત તો દોશીએ પોતાના સ્થાપત્યોની સરખામણી ભારતીય ભોજન સાથે કરી હતી.