ખરાબ એન્જિન : ઇન્ડિગો અને ગો એરની ૬૫ ફ્લાઇટ રદ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ખરાબ એન્જિન : ઇન્ડિગો અને ગો એરની ૬૫ ફ્લાઇટ રદ

ખરાબ એન્જિન : ઇન્ડિગો અને ગો એરની ૬૫ ફ્લાઇટ રદ

 | 3:54 am IST

નવી દિલ્હી, તા.૧૩

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ઇન્ડિગો અને ગો એરના ૧૧ વિમાનને ઉડાન ભરવાની પરવાનગી રદ કરી નાખ્યાના એક દિવસ બાદ મંગળવારે ઇન્ડિગો અને ગો એર એરલાઇન્સે ૬૫ ફ્લાઇટ રદ કરવાની ફરજ પડતાં દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે અંધાધૂંધી સર્જાઇ હતી. ઇન્ડિગોએ ૪૭ અને ગો એરે ૧૮ ફ્લાઇટ રદ કરી હતી. સોમવારે ડીજીસીએએ આ બંને એરલાઇન્સના એરબસ એ૩૨૦ નીઓ એરક્રાફટમાં ખામીયુક્ત પ્રાત એન્ડ વ્હિટની એન્જિન હોવાનું શોધી કાઢયા બાદ તેમને ઉડાડવાની પરવાનગી પાછી ખેંચી લીધી હતી. ઇન્ડિગોના ૮ અને ગો એરના ૩ વિમાનને ગ્રાઉન્ડ પર ઉતારી દેવાયાં છે. ઇન્ડિગોના ૩ વિમાન એન્જિનમાં સર્જાયેલી ખામીના કારણે ફેબ્રુઆરીથી ગ્રાઉન્ડ પર છે.

મંગળવારે અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચેન્નઇ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લુરૂ, પટના, શ્રીનગર, ભુવનેશ્વર, અમૃતસર, ગુવાહાટી અને અન્ય શહેરોમાં જતી ફ્લાઇટો રદ થતાં સેંકડો પ્રવાસીઓ અટવાઇ પડયાં હતાં. સોમવારે અમદાવાદથી લખનઉ જતી ઇન્ડિગોની ફ્લાઇટ ઉડાન ભર્યાની ૪૦ મિનિટ બાદ એન્જિન ખોટકાઇ જતાં પરત ફરી હતી. ત્યારબાદ ડીજીસીએએ આ આકરુંં પગલું લીધું હતું. ડીજીસીએએ જણાવ્યું હતું કે, પીડબ્લ્યૂ ૧૧૦૦ એન્જિન ધરાવતા એ૩૨૦ નિયો વિમાનોની ઉડાન ભરવાની પરવાનગી તાત્કાલિક અસરથી પાછી ખેંચવામાં આવે છે.

ઇન્ડિગોએ તેના પ્રવાસીઓને અન્ય ફ્લાઇટમાં જવા અથવા ફુલ રિફંડના વિકલ્પ આપ્યા હતા. જ્યારે ગો એરે પ્રવાસીઓને અન્ય ફ્લાઇટોમાં સમાવ્યા હતા.

બંને એરલાઈન્સ માર્કેટનો અડધો ભાગ કવર કરે છે 

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઈન્ડિગો યાત્રીઓની દૃષ્ટીએ દેશની સૌથી મોટી એરલાઈન્સ છે. જાન્યુઆરી ૨૦૧૮માં કંપનીનો માર્કેટ શેર ૩૯.૭ ટકા હતો. લો કોસ્ટ એરલાઈન્સની દૃષ્ટિએ ઈન્ડિગો એશિયાની સૌથી મોટી એરલાઈન્સ છે. ઈન્ડિગો દેશ અને વિદેશમાં ૫૦ શહેરો માટે પોતાની સેવાઓ આપે છે. બીજી તરફ ગો એરનો માર્કેટ શેર ૧૦ ટકા છે. આમ બંને એરલાઈન્સ પ્રવાસીઓની દૃષ્ટિએ કુલ માર્ટેકનો અડધો હિસ્સો ધરાવે છે. ઈન્ડિગો દ્વારા વિવિધ શહેરો વચ્ચે દરરોજ ૧,૦૦૦ જેટલી ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવે છે. આ ઉપરાંત ગો એર દ્વારા પણ ૨૭૦ની આસપાસ ફ્લાઈટ ઓપરેટ કરાય છે. આમ બંને એરલાઈન્સ દ્વારા દરરોજ ૧,૩૦૦ની આસપાસ ફ્લાઈટ ઓપરેટ કરાતી હોવાથી લોકોને મોટી હાલાકી પડી શકે છે. બીજી તરફ કેટલીક એરલાઈન્સ આ હાલાકીનો લાભ લઈને લોકો પાસેથી મનફાવતી ફી વસૂલી શકે છે.

યુરોપિયન સિવિલ એવિયેશન રેગ્યુલેટરે પણ A-૩૨૦ નીઓ એન્જિન પર મૂક્યો છે પ્રતિબંધ 

યુરોપિયન સિવિલ એવિયેશન રેગ્યુલેટરે પણ થોડા સમય પહેલાં જ એ-૩૨૦ નીઓ પ્લેનના ઉડ્ડયન અંગે કેટલાક સૂચનો જારી કરવામાં આવ્યા હતા. ખાસ કરીને હવામાં ઉડાણ દરમિયાન એન્જિન બંધ થઈ જવાની ઘટનાઓને પગલે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. એ-૩૨૦ નીઓ ફેમિલીના પ્લેન્સને યુરોપમાં ટેકઓફ કરવાની પરવાનગી આપવામાં આવી નથી.

જેમના એન્જિન હવામાં બંધ થઈ ગયા હોય તે વિમાનો ફરી ઉડાડી શકાશે નહીં  

મુંબઈ : યુરોપમાં રેગ્યુલેટર દ્વારા કડક પગલાં ભરાયા તે પછી ભારતમાં ઇન્ડિગોએ તેના ત્રણ એ૩૨૦ નીઓ વિમાનોને અગાઉ ગ્રાઉન્ડ કર્યા હતા. હવે આ વિમાનોના એન્જિન દુરસ્ત કરવામાં આવે તો પણ તેમને ફરી ઉડાડી શકાશે નહીં. ગોએરના એક વિમાનનું એન્જિન હવામાં હતું ત્યારે જ બંધ થઈ જવાને કારણે તે હવે ફરી ઊડી શકશે નહીં. આમ બંને એેરલાઇન્સના કુલ ૧૪ વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે.

તો શું મુસાફરો જોખમ સાથે સફર કરી રહ્યા હતાં? શું એ જિંદગી સાથેની રમત હતી? 

મામલો શું છે?

A-૩૨૦ એરક્રાફ્ટ યુરોપિયન એરક્રાફ્ટ મેન્યુફેક્ચરર એર બસે બનાવ્યું છે. આને અમેરિકન એરોસ્પેસ કંપની પ્રેટ એન્ડ વ્હિટની (PW) મદદ કરે છે. એરક્રાફ્ટમાં ટર્બોફેન એન્જિન લાગેલું છે. છેલ્લા કેટલાંક મહિનામાં ઘણી વખત એન્જિન ફેલ થયું છે. જોકે બે એન્જિનવાળાં વિમાન એક એન્જિનની તાકાતથી પણ ઉડાન ભરી શકે છે.  જ્યારે છેલ્લા ૧૮ મહિનાની વાત કરીએ તો ઇન્ડિગોનું સરેરાશ દર અઠવાડિયે એક ઉડાન એન્જિનની ખરાબીનો ભોગ બન્યું છે. વિશેષજ્ઞાોના કહેવા પ્રમાણે આ નિષ્ફળતા એક પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ છે. આ એરક્રાફ્ટમાં સફર કરનાર મુસાફરો આ જોખમથી અજાણ હતા.

જોખમ : ૧૨ માર્ચના ઇન્ડિગોની અમદાવાદથી લખનઉ જતી A-૩૨૦ ફ્લાઇટ એકલી ફ્લાઇટ નહોતી જેના એન્જિને ઉડાન દરમિયાન કામ કરવાનું બંધ કરી દીધું હોય. આ અગાઉ પાંચ માર્ચના ઇન્ડિગોની A-૩૨૦ ફ્લાઇટ મુંબઈથી ટેક ઓફ કરવામાં નિષ્ફળ રહી હતી. ૨૪ ફેબ્રુઆરીના ગો-એરની છ-૩૨૦ ફ્લાઇટનું એન્જિન લેહથી ઉડાન ભર્યા બાદ બંધ થઈ ગયું.

જિંદગી : અનેક વખત એન્જિન ફેલ થયાં તો પણ આ ઘટનાઓને ગંભીરતાથી લેવામાં ન આવી. છેલ્લાં ૩૦ વર્ષમાં ટેક્નિકને કારણે એન્જિન ફેલ થવાની ઘટનાઓ દુર્લભ થઈ ગઈ છે. મલ્ટિ એન્જિન એરક્રાફ્ટમાં આખા વર્ષમાં આવી ૨૫ ઘટનાઓ જ સામે આવી છે. એટલે કે ૧૦ લાખ ઉડાનમાંથી ફક્ત એક જ એન્જિન ફેલ્યોરની ઘટના બની છે.

આ પહેલાં પણ ચેતવણી આપી હતી : ડીજીસીએનો લૂલો બચાવ

ડીજીસીએના એક અધિકારીએ જણાવ્યું કે, આ પહેલાં પણ બંને એરલાઈન્સને ચેતવણી આપવામાં આવી હતી. બંને એરલાઈન્સની કેટલીક ફ્લાઈટમાં ખામી જણાઈ હતી. કંપનીઓએ આ આદેશની અવગણના કરી હોય તેમ જણાઈ રહ્યું છે. હવે ગંભીર તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, એરબસ દ્વારા નીઓ શ્રેણીના કુલ ૧૧૩ વિમાનોની દુનિયાભરમાં ડિલિવરી કરવામાં આવી હતી. આ વિમાનોમાંથી ૪૫ ભારત મોકલાયા હતા જે તમામ વિમાનો ઈન્ડિગો અને ગો એર પાસે છે.

પ્રવાસીઓને અન્ય ફ્લાઇટ અથવા ફુલ રિફંડના વિકલ્પ : ઇન્ડિગો

ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું હતું કે, અમે અમારા અસરગ્રસ્ત પ્રવાસીઓને કોઈપણ વધારાના ચાર્જ વિના અન્ય ફ્લાઇટ પસંદ કરવા અથવા ફુલ રિફંડના વિકલ્પ આપ્યા હતા. અમે જાણીએ છીએ કે અમારા કેટલાક પ્રવાસીઓને અગવડ પડી છે પરંતુ અમારી પાસે એક શહેર માટે એક કરતાં વધુ ફ્લાઇટ ઉપલબ્ધ હોવાથી અમે તેમને અન્ય ફ્લાઇટની સુવિધા આપી રહ્યાં છીએ. બીજી બાજુ સિવિલ એવિયેશન પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું કે, લોકોની સુરક્ષા મુદ્દે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.

આટલા વિમાનો જમીન પર

ઇન્ડિગો એરલાઇન્સ

૦૮     વિમાન જમીન પર ઉતારી દેવાયા

૪૭     ફ્લાઇટ રદ કરાઇ

ગો એર એરલાઇન્સ

૦૩     વિમાન જમીન પર ઉતારી દેવાયા

૧૮     ફ્લાઇટ રદ.