ખરાબ અનુભવે જીવનની સચોટ શીખ આપી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • ખરાબ અનુભવે જીવનની સચોટ શીખ આપી

ખરાબ અનુભવે જીવનની સચોટ શીખ આપી

 | 2:00 am IST

મૈત્રી દવે

વર્ષ ૨૦૦૩ મારા ઘરે સૂંવાળી વણાઇ રહી હતી, કંકોત્રી તો લગભગ બધી જ અપાઇ ગઇ હશે, બસ થોડાઘણાં સંબંધીઓ એવા રહી ગયા હતા જેને કંકોત્રી આપવાની બાકી હતી, તેમને પણ કંકોત્રી પહોંચાડવાનું કાર્ય મારા ભાઇએ હરખભેર ઉપાડી લીધું હતું. આ વાત મારા લગ્ન સમયની છે. લગભગ બધી જ તૈયારીઓ આટોપી લેવાઇ હતી. ઘરમાં લગ્નનો માહોલ ચારેકોર છવાયેલો હતો, બધા આવી આવીને મને કહી જતાં કે છાયા લગ્ન બાદ અમને ભૂલી ન જતી હોં, હું હસીને ઉત્તર વાળતી કે એમ તે કોઇને ભૂલતી હઇશ? આ માહોલમાં એક કામ યાદ આવતાં હું અને મારી મિત્ર બહાર ગયા, ત્યારે અચાનક શેરીના નાકે જ એક બાઇક આવ્યું અને બાઇકસવારે તેને બરાબર અમારી સામે લાવીને ઊભું રાખી દીધું, હું તે બાઇક સવારને તરત ઓળખી ગઇ, તે હિરેન હતો, કોલેજમાં મારી પાછળ પડી ગયો હતો, મેં અનેકવાર ના કહી છતાં મને પજવતો રહેતો, એ દિવસે પણ તેણે બાઇક સામે રાખીને મને પુછયું કેમ છાયા મને ના કહીને તું બીજા કોઇને પરણવા જઇ રહી છે. મંે હિરેનને સમજાવવા પ્રયત્ન કર્યો કે મને તારા માટે કોઇ લાગણી નથી.  તું આ વાત સમજી જા, એવું કહેતાં કહેતાં અચાનક મારી ઉપર જાણે કોઇએ એક આગની જ્વાળા નાંખી હોય એવો ભાસ થયો, તે સમયે બળતરાના કારણે શું મારી સાથે થયું તેનું કોઇ ભાન નહોતું બસ મારી મિત્ર નેહલની બે બૂમો સંભળાઇ અને હું મૂર્છિત બની ગઇ.

બીજે દિવસે જ્યારે હોસ્પિટલમાં ભાન આવ્યું ત્યારે મેં મારા માતા-પિતા અને મારા ભાવિ પતિને મારી સામે ઊભેલા જોયા. તે દિવસે જાણવા મળ્યું કે એક છાયા નામની છોકરી હતી જે ખૂબ સુંદર લાગતી, પણ હવે તેના ચહેરા સામે જોઇને લોકો ડરી જાય છે, કારણ કે એસિડ એટેકના કારણે છાયાની સુંદરતા મરી પરવારી છે, તે દિવસે મારા ચાર દિવસ બાદ થનારા લગ્ન પણ તૂટી ગયા, કારણ કે છોકરાને લાગ્યું કે એસિડ એટેક પાછળ ક્યાંક હું જ જવાબદાર હઇશ, એટલું જ નહીં હજી કાલે જ મને ભૂલી નહીં જવાનું કહેનારા મારા સગાં સંબંધીઓ પણ જાણે હું પરગ્રહવાસી હોઉં તે રીતે મારી સામે જોતાં અને વર્તન પણ એવું જ કરતાં. તે સમય મારા માટે ખૂબ મુશ્કેલીઓથી ભરેલો હતો, મારી અંદરનો બધો ઉમંગ મરી ગયો હતો , તેમજ મારા માતા-પિતાના ચહેરા ઉપરની ચિંતા સ્પષ્ટ દેખાઇ આવતી કે આ કદરૂપી છોકરીનું ભવિષ્ય શું? મારી સારવાર બાદ મને થોડા દિવસમાં ઘરે લાવી દેવામાં આવી હતી, મને બીજી કોઇ તકલીફ નહોતી બસ એસિડના કારણે સુંદર દેખાતી છાયા હવે કદરૂપી લાગવા માંડી હતી. આમને આમ સમય પસાર થતો ગયો, મારા ઘરે લોકો આવતા, મને દયાભરી નજરે જોતા અને થોડી વાતો કરી ચાલ્યા જતા. અરે અમુક લોકો તો એવા હતા કે મારો ચહેરો જોઇને જાણે ઉબકો આવ્યો હોય તેવું મોઢું કરતા તો અમુક એવા હતા જે પોતાના બાળકો મને જોઇને ડરી ન જાય તે માટે મારાથી તેમને દૂર રાખતાં. આ બધું જ સહન કરવું મારા માટે ખૂબ મુશ્કેલીભર્યું હતું, પણ હા આ બધા જ અનુભવમાંથી એક વાત મેં જરૂર ગ્રહણ કરી કે જો હું મારી જાત માટે નહીં લડું તો હું હંમેશાં ઓશીયાળી બનીને રહી જઇશ.

આ વાતને આજે ૧૪ વર્ષ થઇ ચૂક્યા છે. આ ૧૪ વર્ષમાં ઘણા અનુભવમાંથી હું પસાર થઇ ચૂકી છું, આ ખરાબ અનુભવમાંથી મને પોતાને ઘણી શીખ મળી છે. એસિડ એટેક બાદ થોડાં સમય પછી જ્યારે હું સ્વસ્થ બની ત્યારે અનુભવ થયો કે આ સમાજ માટે હવે હું દયાનું પાત્ર, કે ડરામણું પાત્ર વ્યકિત બની ગઇ છું. ત્યારે મને સમજાયું કે આ સમાજમાં મારે મારું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો મારે જાતે જ આ માટે પ્રયત્નશીલ બનવું પડશે. હું પ્રયત્ન કરીશ તો જ સમાજ મને સ્વીકારશે. મેં મારા મનને મક્કમ કરી સ્વસ્થ થયા બાદ ધીરે ધીરે બહાર નીકળવાની શરૂઆત કરી, પહેલાંની માફક જ રૂટિન લાઇફ જીવવાની શરૂઆત કરી, પહેલાં હું જ્યાં પણ નીકળતી ત્યાં મારી આસપાસના લોકો કોઇ પરગ્રહવાસી આવ્યું હોય તે રીતે મારી સામે જોયા કરતાં, મારી ઉપર દયાભરી નજરે જોતાં. મને નોર્મલ વ્યક્તિ તરીકે આ સમાજને સ્વીકારવામાં ઘણી તકલીફ પડી હતી. મેં પગભર બનવા માટે નોકરીની શોધ શરૂ કરી, મારી આવડત ઉપર મને વિશ્વાસ હતો, પણ કંપનીને મારી આવડત કરતાં મારા દેખાવમાં વધારે રસ હોવાથી મને રિજેકશન મળતા રહ્યા. અહીં મારું કામ નહીં પણ મારો બિહામણો ચહેરો જોવામાં આવતો અને પછી મને સારા શબ્દોમાં ના કહી દેવામાં આવતી. મારે માટે આ કઠણાઇ અસહ્ય જરૂર હતી, પણ હું મનથી મક્કમ હતી, કારણ કે હું જાણતી હતી કે એકવાર જો હું હિંમત હારી જઇશ તો હું ક્યારેય આગળ નહીં વધી શકું.  જીવન અને સમાજમાં ટકી રહેવા માટે મક્કમ બનીને આગળ વધવું એ એકમાત્ર વિકલ્પ મારી પાસે બચ્યો હતો, જો તે સમયે હું હારી ગઇ હોત તો હું ક્યારેય ઊભી ન થઇ શકી હોત. તેથી મેં મારા મનને પથ્થર જેવું બનાવી નાખ્યું હતું. મને કોઇ ખરાબ વાત અડકી જ નહોતી શકતી, કારણ કે મેં મારી જાતને એક વાત સમજાવી દીધી હતી કે જેટલું ખરાબ થવાનું હતું તે થઇ ગયું, હવે આનાથી વધારે કંઇ જ ખરાબ નહીં થઇ શકે, એટલે મારે પગભર બનીને દુનિયાને બતાવવાનું છે કે નારીનું હું દુર્ગા સ્વરૂપ છું, મને કોઇ પરીસ્થિતિ નહીં ડગાવી શકે.

મેં અનેક જગ્યાએ જોબ માટે અપ્લાય કરીને કામ મેળવવાના નિષ્ફળ પ્રયત્નો કરી જોયા, પણ મને નોકરી ન મળી. અંતે મે ફેશન ડિઝાઇનિંગનો કોર્ષ કરી પોતાનું બુટીક શરૂ કર્યું. મને આનંદ છે કે લોકોને હવે મારી આવડત ઉપર વિશ્વાસ બેસતો જાય છે, હવે લોકો મને દયામણી નજરે નહીં પણ ગર્વભેર જુએ છે. મને એ વાતનો ગર્વ છે કે મને હવે મારું જીવન ચલાવવા કોઇ સહારાની જરૂર નથી. છાયાની આ હિંમતને મહિલા દિને નારીના સલામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન