NIFTY 10,210.85 -20.00  |  SENSEX 32,584.35 +-24.81  |  USD 65.0350 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બેડમિન્ટન : સિંગાપુર સુપર સિરીઝની ફાઇનલમાં શ્રીકાંત અને પ્રણિથ ટકરાશે

બેડમિન્ટન : સિંગાપુર સુપર સિરીઝની ફાઇનલમાં શ્રીકાંત અને પ્રણિથ ટકરાશે

 | 2:43 am IST

સિંગાપુર, તા. ૧૫

સિંગાપુર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પુરુષ સિંગલ્સની ફાઇનલ ભારતના બી. સાંઈ પ્રણિથ અને કિદાંબી શ્રીકાંત વચ્ચે રમાશે. બી. સાંઈ પ્રણિથે કોરિયાના લી ડોંગ કેઉનને જ્યારે શ્રીકાંતે ઇન્ડોનેશિયાના એન્થની સિનિસુકા ગિન્ટિંગને બહાર કરી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રણિથ અને શ્રીકાંત આંતરરાષ્ટ્રીય સ્તરે આ પહેલાં પાંચ વખત ટકરાઈ ચૂક્યા છે જેમાં પ્રણિથે ચાર વખત જ્યારે શ્રીકાંતે એક વખત જીત મેળવી છે. ભારતના બે ખેલાડીઓ પ્રથમ વખત સુપર સિરીઝની ફાઇનલમાં ટકરાશે.

બી. સાંઈ પ્રણિથે સેમિફાઇનલ મુકાબલામાં કોરિયાની લી ડોંગ કેઉનને ૩૮ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ૨૧-૬, ૨૧-૮થી સીધા સેટમાં પરાજય આપી પ્રથમ વખત સિંગાપુર ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો. પ્રણિથ આ પહેલાં જાન્યુઆરીમાં યોજાયેલી સૈયદ-મોદી ગ્રાં. પ્રિ. ગોલ્ડની ફાઇનલમાં પણ પહોંચ્યો હતો પરંતુ ભારતના સમીર વર્મા સામે હારી ગયો હતો. પ્રણિથે ગત વર્ષે કેનેડા ઓપનનું ટાઇટલ જીત્યું હતું અને હવે તેની પાસે સિંગાપુર ઓપન જીતવાની તક છે.

કિદાંબી શ્રીકાંતે ઇન્ડોનેશિયાના એન્થની સિનિસુકા ગિન્ટિંગને ૪૨ મિનિટ ચાલેલી મેચમાં ૨૧-૧૩, ૨૧-૧૪થી હાર આપી હતી. ગિન્ટિંગ સામે શ્રીકાંતે પ્રથમ સેટમાં ૯-૬ની લીડ મેળવી હતી પરંતુ ગિન્ટિંગે પરત ફરતાં ૯-૯ની બરાબરી કરી લીધી હતી. શ્રીકાંતે ત્યારબાદ ગિન્ટિંગને મેચમાં પરત ફરવાની તક આપ્યા વિના ૨૧-૧૩થી પ્રથમ સેટ જીતી લીધો હતો. બીજા સેટમાં પણ શ્રીકાંતે ૯-૧ની લીડ મેળવ્યા બાદ ગિન્ટિંગે પણ મેચમાં વાપસીનો પ્રયાસ કર્યો હતો જેને કારણે એક સમયે શ્રીકાંત ૧૬-૧૪થી જ આગળ હતો પરંતુ તે પછી સતત પાંચ પોઇન્ટ મેળવી બીજો સેટ જીતી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.