બેડમિન્ટન સ્ટાર કેરોલિના મારિન ફૂટબોલનો ક્રેઝ ધરાવતા સ્પેનમાં અલગ ઓળખ બનાવવા માગે છે

77

નવી દિલ્હી, તા. ૧૧

વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન સ્પેનની ટોચની બેડમિન્ટન ખેલાડી કેરોલિના મારિને કહ્યું કે, તેણી ફૂટબોલનો ક્રેઝ ધરાવતા પોતાના દેશમાં એક અલગ ઓળખ બનાવવા માગે છે. કેરોલિના મારિન બેડમિન્ટન રેન્કિંગમાં ટોપ-૧૦માં યુરોપની એક માત્ર ખેલાડી છે. મારિન અત્યારે પ્રીમિયર બેડમિન્ટન લીગમાં હૈદરાબાદ હંટર્સ તરફથી રમી રહી છે. મારિનનું માનવું છે કે, તેનું સારું પ્રદર્શન સ્પેનમાં અન્ય લોકોને બેડમિન્ટનને ગંભીરતાથી લેવામાં મદદ કરશે.

મારિને કહ્યું કે, મેં ઘણા બાળકોને તેમના માતા-પિતા સાથે પાર્કમાં બેડમિન્ટન રમતાં જોયા છે. હું સ્પેનને જણાવવા માગું છું કે, ફૂટબોલ સિવાય પણ અન્ય ઘણી રમતો છે. હવે ઘણા લોકો બેડમિન્ટનની રમતને જુવે છે અને મને રમતી જોવા ઇચ્છે છે. હું હંમેશાં વિશ્વ રેન્કિંગમાં ટોચ પર રહેવા માગું છું. મારી પ્રેરણા હંમેશાં આકરી મહેનત કરવી અને ટોચ પર પહોંચવાની રહી છે. આથી મારે હવે વધુ મહેનત કરવી પડશે. મારિને બેડમિન્ટનના આંતરરાષ્ટ્રીય સ્તરે લગભગ તમામ ટાઇટલ જીત્યા છે. તેણીનું માનવું છે કે, હું હજુ વધુમાં વધુ ટાઇટલ જીતવા માગું છું. હું વર્લ્ડ ચેમ્પિયનશિપ, યુરોપિયન ચેમ્પિયનશિપ અને ઓલ ઇંગ્લેન્ડમાં મારી સફળતાનું પુનરાવર્તન કરવા માગું છું.

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ જીવનમાં આવેલા બદલાવ અંગે કેરોલિના મારિને કહ્યું કે, મારું જીવન ઓલિમ્પિક બાદ ઘણું બદલાઈ ગયું છે. હવે મને સ્પેનમાં ઘણા લોકો ઓળખવા લાગ્યા છે પરંતુ મને સૌથી સારી બાબત એ લાગી રહી છે કે, લોકો હવે બેડમિન્ટનને ગંભીરતાથી લેવા માંડયા છે.  સાઇના અને સિંધુ સામેની રમત અંગે  મારિને કહ્યું કે, ભારતની સાઇના નહેવાલ અને પી.વી. સિંધુ બંનેનો રમવાનો અંદાજ અલગ છે પરંતુ બંને સામે રમવું મારા માટે પડકારજનક બની રહે છે.

રિયોમાં ગોલ્ડ છતાં મારિનને રૂ. ૭૦ લાખ મળ્યા 

રિયો ઓલિમ્પિકમાં કેરોલિના મારિને ભારતની પી.વી. સિંધુને પરાજય આપી ગોલ્ડ મેડલ જીત્યો હતો જેને કારણે સ્પેનની સરકાર દ્વારા મારિનને ૯૪,૦૦૦ યૂરો (૭૦ લાખ રૂપિયા) મળ્યા હતા જ્યારે ફાઇનલમાં હારી સિલ્વર મેડલ જીતનાર પી.વી. સિંધુને  કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અંદાજે ૧૩ કરોડ રૂપિયાની રોકડ ઇનામી રકમ મળી હતી. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ અને તેલંગણા સરકાર તરફથી જમીન અપાઈ હતી. હૈદરાબાદ બેડમિન્ટન એસો.ના અધ્યક્ષ દ્વારા ૭૫ લાખની કિંમત વાળી બીએમડબ્લ્યુ ભેટમાં આપી હતી. આ ઉપરાંત બેસલાઇન વેન્ચર્સ દ્વારા અંદાજે ૫૦ કરોડ રૂપિયની પ્રમોશનલ ડીલ સાઇન કરી હતી. મારિને કહ્યું કે, સિંધુને ઘણી ઇનામી રકમ મળી હતી. તેની તુલનામાં મને મળેલું ઇનામ ન બરાબર છે.