બાતેં કમ કર કામ ઝિયાદા કાકા,  કામ સે હોગા નામ ઝિયાદા કાકા - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • બાતેં કમ કર કામ ઝિયાદા કાકા,  કામ સે હોગા નામ ઝિયાદા કાકા

બાતેં કમ કર કામ ઝિયાદા કાકા,  કામ સે હોગા નામ ઝિયાદા કાકા

 | 12:15 am IST

પોઈન્ટ બ્લેન્ક :- એમ.એ. ખાન

પતિ-પત્ની વચ્ચેનો એક સંવાદ કોઈપણ વાત માટે બે જુદીજુદી વ્યક્તિનો અભિગમ કેટલી હદે જુદો હોઈ શકે એ સાબિત કરે છે.

પતિ-પત્ની બેઠાં હતાં, વાતો કરતાં હતાં. અચાનક પત્ની વિફરીને બોલી, ‘હું તમને કોઈપણ વાત કરું તો તમે તરત જ એના ઉપાય બતાવવા બેસી જાઓ છો!’

પતિ કહે, ‘તું મારી સામે કોઈપણ સમસ્યા કહે તો મારે તો એનો ઉકેલ શોધવાનો જ હોયને!’

પત્નીએ કહ્યું, ‘અરે બાબા! હું આ બધી વાતો તમારી સાથે શેર કરવા માગું છું. બધી વાતો તમારી પાસે એટલે રજૂ નથી કરતી કે તમે એનો ઉપાય શોધી આપો. મારે તો મારા મનમાં આવેલી વાતો તમને કહીને હળવા થવું છે.’

પતિ કહે, ‘પણ એ તો ટાઈમ વેસ્ટ કર્યા બરાબર છે!’

પત્ની કહે, ‘તમે કોઈ દિવસ નહીં સુધરો! ‘

આ સંવાદ થોડા દિવસ પર દેશની રાજધાનીના શહેર દિલ્હીમાં ભયાનક હદે વકરેલા પ્રદૂષણના સમાચારોના કારણે યાદ આવી ગયો.

વાયુ પ્રદૂષણ આટલી હદે વકરે એ દેશ માટે શરમની વાત છે, રાજ્ય સરકારે તો ડૂબી મરવું જોઈએ. એવી વાતો થઈ. દિલ્હીના મુખ્યપ્રધાન એક તસવીરમાં એ કોઈ બાળકને કહેતા હતા, ‘બેટા, પ્રાઈમ પંજાબ હરિયાણા કે સીએમ અંકલોં સે કહો કિ વો કિસાનોં કો પરાલી જલાને ન દેં!’

બાઈ બાઈ ચારણી જેવી રમત ચાલતી લાગી. બધા કોઈને જવાબદાર ઠરાવીને એને વખોડવા માગતા હતા. એના માથે માછલાં ધોવા માગતા હતા. દેશ સામે એને ખલનાયક બનાવી દેવા માગતા હતા.

એવું નથી કે આ સમસ્યા દિલ્હીમાં પહેલી જ વખત થઈ. શી ખબર કેટલાંય વર્ષથી દિલ્હી આ સમસ્યાનો ભોગ બને છે. એનું મૂળ પંજાબ અને હરિયાણાના ખેડૂતો હોય છે. ચોમાસુ ડાંગરનો પાક લઈ લીધા પછી એનાં જે ઠૂંઠાં ખેતરમાં ઊભાં રહી ગયાં હોય એને ખોદીને કઢાવવાની મજૂરીનો ખર્ચ કરવાને બદલે ખેડૂતો ઓછા ખર્ચે કામ પાર પાડવા માટે એ ઠૂંઠાં સળગાવી દે છે. હજારો ખેતરો બાજુ બાજુમાં હોય અને બધા ખેડૂતો પોતપોતાના ખેતરમાં ડાંગરનાં ઠૂંઠાં અને નકામું પરાળ સળગાવી દે તો સ્વાભાવિક રીતે જ એનો ધુમાડો આખું આકાશ ભરી દે.

પંજાબ હરિયાણાનાં હજારો ખેડૂતો આ રીતે અઠવાડિયે અઠવાડિયે ખેતરો સળગાવી દે તો પંજાબ હરિયાણાનું આકાશ દિવસોના દિવસો સુધી કાળા ડિબાંગ ધુમાડાથી ભરાયેલું રહે. એમાં સૂક્ષ્મ ધુમાડો આકાશમાં વધારે ઊંચે ચઢી જાય અને આ સિઝનના પવનો એને દિલ્હી લઈ આવે. અહીં પુષ્કળ ઠંડી હોવાથી ધુમાડો નીચે ઊતરી આવે અને આખા શહેરમાં ચારથી આઠ દિવસ સુધી ધુમ્મસ બનીને છવાઈ જાય.

આ ધુમ્મસમાં જે શ્વાસ ભરે એને ગળા, કાકડા અને ફેફસાંના રોગ થાય. ગયા અઠવાડિયે ઉત્તરના પવનો દક્ષિણ બાજુ વહેતા થયા હોવાથી એ ધુમાડાનો વધ્યો-ઘટયો ભાગ ગુજરાતના આકાશમાં પણ ખેંચાઈ આવ્યો હતો અને ગુજરાતના અનેક નાગરિકોએ ત્રણ-ચાર દિવસ સુધી એ ધુમ્મસમાં શ્વાસ લેવા પડયા. તેથી બધાને ગળાની તકલીફો ભોગવવી પડી. આ સમસ્યા આ દિવસોમાં દિલ્હીને વર્ષોથી પીડા આપે છે અને જ્યારે આ પીડા ઊભી થાય ત્યારે બધા આ વિશે જાતજાતની વાતો કરવા લાગે છે. અઠવાડિયામાં ધુમ્મસ ઓગળી જાય છે. એની સાથે જ એ વિષેની વાતોય ઓગળી જાય છે.

સમસ્યાનો નક્કર ઉકેલ લાવવાની કોઈ વાત કરતું સંભળાતું નહોતું. ઉકેલ તરીકે પંજાબ, હરિયાણાના ખેડૂતોને સુફિયાણી સલાહ આપવામાં આવતી કે ડાંગરની વધેલી પરાળ અને ઠૂંઠાં સળગાવવાને બદલે એને ખોદી કાઢો. દેશના બીજા નાગરિકોને રોગના ભોગ બનતાં બચાવો! આ બધી વાતો હસવામાં નીકળી જતી હતી. બધાને લાગતું હતું કે સરકાર ગંભીરતાથી આ દિશામાં કશું કરતી નથી, પરંતુ હકીકત એવી નહોતી. સરકાર ગુપચૂપ રહીને કામ કરી જ રહી હતી.

આ વર્ષે ભારતના કૃષિ સંશોધન વિભાગ પુસાએ આ સમસ્યાનો નક્કર જ નહીં જડબેસલાક ઉપાય શોધી લીધો છે. નિષ્ણાતોએ વિશિષ્ટ પ્રકારની કેેપ્સ્યૂલ બનાવી છે. એક ટન ઠૂંઠાં અને પરાળ ધરાવતા ખેતર માટે ચાર કેપ્સ્યૂલ ખેડૂતોએ વાપરવાની રહેશે. ચાર કેપ્સ્યૂલની કિંમત છે ૨૦ રૂપિયા! નિષ્ણાતો કહે છે, એક ટન પરાળ માટે ૧૫૦ ગ્રામ ગોળ લઈને તેને માટીના માટલામાં પાણી ભરી ઉકાળવાનો. ગોળનું એ ઉકાળેલું પાણી ઠંડું થઈ જાય તો એમાં ૫૦ ગ્રામ ચણાનો લોટ નાખવાનો અને બરાબર હલાવી લેવાનો. પછી એમાં ચાર કેપ્સ્યૂલ નાંખીને માટલું ઢાંકી દેવાનું. સાધારણ ગરમ અને ભેજવાળી જગ્યાએ તેને પાંચ દિવસ સુધી મૂકી રાખવાનું.

છઠ્ઠા દિવસે આખા ખેતરમાં છાંટી શકાય એટલું પાણી કોઈ મોટા પીપડા કે ટાંકીમાં ભરી લેવાનું. પછી ખેડૂતે પોતાની સુરક્ષા માટે માસ્ક પહેરી લેવાનો અને પાંચ દિવસથી મૂકી રાખેલું માટલું એમાં નાખી દેવાનું. એને લાંબી લાકડીથી હલાવી લીધા પછી ખેતરમાં ફેલાવેલી પરાળ પર પાણી છાંટી દેવાનું. હવે ખેતરને એમને એમ રહેવા દેવાનું. આઠથી દસ દિવસમાં ખેતરની બધી પરાળ અને ઠૂંઠાં ખાતર બની ગયાં હશે. આ ખાતર નવી સિઝનના ઘઉં કરવા માટે કામમાં આવશે.

અલબત્ત આ શોધ કંઈ રાતોરાત નથી થઈ. ૧૯૯૬માં એક રિસર્ચ કમિટી બનાવીને અમેરિકા અને કેનેડા મોકલવામાં આવી હતી. ત્યાંના ખેડૂતો નકામાં ઠૂંઠાં અને પરાળનું શું કરે છે એની તપાસ કરવામાં આવી હતી. એમાં આ ઉપાય હાથ લાગ્યો હતો. છ વર્ષ સુધી આપણા હવામાનમાં કયાં કયાં રસાયણો કેવી રીતે કામ કરે છે એના પ્રયોગ કરવામાં આવ્યા. પછી ૨૦૦૨થી એ દિશામાં પ્રયોગ ચાલુ કરવામાં આવ્યા હતા. ૨૦૦૫થી એમાં સફળતા મળવાની શરૂઆત થઈ હતી. હવે એમાં પૂરેપૂરી સફળતા મળી ચૂકી છે. નિષ્ણાતો આવતા વર્ષે આ કેપ્સ્યૂલ બજારમાં મૂકવાના છે. એ પછી દિલ્હી શહેર, પંજાબ, હરિયાણાનાં ખેતરોએ સર્જેલા ધુમ્મસમાં લોકો ગૂંગળાશે નહીં.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન