Ban on multi-layer plastic products required: Gujarat High Court
  • Home
  • Ahmedabad
  • મલ્ટી લેયર પ્લાસ્ટિક પ્રોડકટ ઉપર પ્રતિબંધ જરૂરી: ગુજરાત હાઇકોર્ટ

મલ્ટી લેયર પ્લાસ્ટિક પ્રોડકટ ઉપર પ્રતિબંધ જરૂરી: ગુજરાત હાઇકોર્ટ

 | 5:56 pm IST
  • Share

  • મલ્ટીલેયર પ્લાસ્ટિક મામલે HCનું આકરૂ વલણ
  • ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને કોર્ટે કર્યા નિર્દેશો
  • પ્લાસ્ટિક મેનેજમેન્ટ મુજબ પ્રતિબંધ જરૂરી: HC

કેન્દ્ર સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. અમદાવાદ મ્યુનિ.એ પણ શહેરભરમાં પ્રથમ તબક્કામાં પ્લાસ્ટિકના ઝભલા, નાના કપ, ચમચી સહિત અન્ય ચીઝ બંધ કરી દીધી છે. રાજ્યના ઘણા સ્થળો પર પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ ફરમાવાયો છે, પરંતુ ખુલ્લેઆમ પ્લાસ્ટિકનો વપરાશ થઈ રહ્યો છે, બજારમાં ઝબલામાં ચીજ વસ્તુઓ પેક થઈ રહી છે, કચરા પેટીમાં અડધો અડધ પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે, ઢોરના પેટમાં પ્લાસ્ટિક જઈ રહ્યું છે, આવા સંજોગોમાં તંત્ર કાર્યવાહી કરે છે, પણ પરિણામ નહીંવત મળી રહ્યું છે. ત્યારે આજે 2016માં પ્રતિબંધિત પેપર કપ, પેપર ગ્લાસ, અને અન્ય માટીરીયલ જે રિસાયકલ ન થતું હોય એમને બંધ કરવા બાબતે થયેલી અરજી ઉપર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

મલ્ટીલેયર પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સખત વલણ અપનાવતા સુનાવણીમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એકટ 2016 મુજબ પ્રતિબંધ લગાવવો જરૂરી છે, ખાસ કરીને મલ્ટી લેયર પ્લાસ્ટિક પ્રોડકટ ઉપર પ્રતિબંધ લગાવવો જ જોઇએ.

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતના એડિશનલ સોલિસીટર જનરલે કહ્યું કે, પેપર કપ્સ, પેપર ડીશીઝ જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ હોય છે એ મામલે કાર્યવાહી થવી જરૂરી છે. આ દરમિયાન પેપર કપને કારણે ડ્રેનેજ પાઇપ અને સુએઝ પાઇપ બ્લોક થઈ જવાની પણ ઘટનાઓ બનતી હોવાનો જવાબમાં ઉલ્લેખ રાજકોટ અને ભાવનગર મ્યુ. કમિશનરે કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન સખત શબ્દોમાં કહ્યું હતું કે, આ પ્રકારના પ્લાસ્ટિક પર્યાવરણ માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, આ પ્રકારના પ્લાસ્ટિકને લઈને જરૂરી યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે. ભારતના એડિશનલ સોલિસીટર જનરલે કહ્યું હતું કે, કાયદાઓ તો છે પરંતુ પ્લાસ્ટિકને રોકવા માટે લોકલ ઓથોરિટી દ્વારા પગલાં લેવાય તે જરૂરી છે. ત્યાં જ ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ખતરારૂપ છે જે માટે લોકોને જાગૃત કરવા જોઈએ. લોકોએ પણ આ બાબતને સમજવી જરૂરી છે કારણ કે શહેર, ગામ કે જાહેર સ્થળોએ ખાલી પ્લાસ્ટિકની વસ્તુઓ પડેલી દેખાય છે. હવે આ મામલે 10 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

જણાવી દઇએ કે, શહેરમાં ખુલ્લેઆમ પ્લાસ્ટિક વેચાઈ રહ્યું છે, કેટલાક વેપારીઓ ખરીદી રહ્યા છે. તંત્રનું ચેકીંગ આવે ત્યા સુધી પ્લાસ્ટિકનો જથ્થો ગૂમ થઈ જાય છે, બાકીના સમયે પ્લાસ્ટિકનો બેરોકટોબ ઉપયોગ થઈ રહ્યો છે. મહાનગર પાલિકા તંત્ર પણ કડકાઈ કરી શકતું નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો