બનાસ શિક્ષણની સુવાસ પ્રસરાવતી અનુપમ શાળાઓ - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • બનાસ શિક્ષણની સુવાસ પ્રસરાવતી અનુપમ શાળાઓ

બનાસ શિક્ષણની સુવાસ પ્રસરાવતી અનુપમ શાળાઓ

 | 4:21 am IST

અધ્યાપનના તીરેથી :-  પ્રા. મહેન્દ્ર. જે. પરમાર

રાજ્ય કક્ષાએ ‘રાજ્ય અનુપમ શાળા પ્રોજેક્ટનું વિસ્તૃત માળખું તૈયાર કરી તેને અમલમાં મૂકવાની પહેલ રાજ્ય સરકાર કરશે તો પ્રાથમિક શિક્ષણ માટે આશીર્વાદરૂપ બની રહેશે. દેશ માટે પણ રોલમોડલ બનશે. ખાનગી શાળાઓ તરફના પ્રવાહને અટકાવવાનો આ રામબાણ ઇલાજ છે. ગામડાંમાંથી માત્ર શિક્ષણ માટે થતાં સ્થળાંતરને રોકી શકાશે. ગામડાં ભાંગતા બચશે

પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને અધ્યાપન મંદિરોના શૈક્ષણિક વર્ષનો છેલ્લો દિવસ હતો પાંચમી મે શનિવાર, વહાલા વતનની વાટ તરફ વિહરવાનો થનગનાટ, પરિવાર સાથે વેકેશન માણવાની મજાના સેવાતાં સોનેરી શમણાંઓની વચ્ચે આ દિવસ શિક્ષકો માટે માત્ર પચારિક દિવસ બની રહેતો હોય છે. શાળામાં આવી મસ્ટરમાં સહી કરી, શિક્ષક પરિવાર સાથે થોડી જ્ઞાન-ગમ્મત હસીમજાક સાથે સમય પૂર્ણ થતાં એકબીજાને પ્રેમથી ‘આવજો’ કહીને છૂટા પડતા હોય છે. પણ આ દિવસ બનાસકાંઠામાં અવર્ણનીય રહ્યો. શનિવારે સરદાર કૃષિ યુનિ. દાંતીવાડાના વિશાળ ઓડિટોરિયમમાં યોજાયેલ અનુપમ જ્ઞાનસત્ર અને અનુપમ શાળા અભિવાદન સમારંભ એક અનોખી ભાત પાડતો ગયો. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા, યુનિસેફ ગુજરાત, જિલ્લા પ્રા. શિ.સમિતિ અને જી.સી.ઇ.આર.ટી.ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર આનંદમય અને શિક્ષણમય બની રહ્યો. તેની આછી ઝલક રાજ્યના પ્રાથમિક શિક્ષકોને ઘણું પ્રેરણાબળ પૂરું પાડશે.  ધો.૧મા પ્રવેશપાત્ર બાળકો શાળામાં પ્રવેશ મેળવે, તમામ પ્રવેશપાત્ર બાળકો પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને જીવનભર પોતાનો જીવન વ્યવહાર સુંદર રીતે કરી શકે તે માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે તે આપણા પ્રાથમિક શિક્ષણનું ધ્યેય છે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે શિક્ષકોને પ્રશિક્ષણ આપીને સક્ષમ બનાવવા એ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોનું મૂળભૂત કાર્ય છે. રાજ્યમાં આવેલા બધાંજ ભવનો આ કેન્દ્રબિંદુને ધ્યાનમાં રાખી કાર્ય કરે તો ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ સોળે કળાએ ખીલી ઊઠે તેમ છે. પરંતું શિક્ષણ પર વહીવટ હાવી થઈ જાય ત્યારે ભવનોનો આ મૂળભૂત ઉદ્દેશ માર્યો જાય છે. પરિણામે ગુણવત્તાયુકત પ્રાથમિક શિક્ષણના લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકતા નથી. રાજ્યના એક ભવને પોતાના મૂળભૂત લક્ષ્યને જ કેન્દ્રમાં રાખીને રાજ્યના પ્રાથમિક શિક્ષણને ૭૨ અનુપમ શાળાોનું પદાર્પણ કરીને પ્રાથમિક શિક્ષણને ગૌરવાન્વિત કર્યું છે. તેની દિલચશ્પ રોમાંચક કથા શિક્ષકોમાં ઉત્સાહ પ્રગટાવનારી છે.

અનુપમ શાળા પ્રોજેક્ટના પ્રણેતા ડો. જી.એન. ચૌધરીએ મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી અને હાલમાં બનાસકાંઠા જિલ્લામાં તેને કાર્યાન્વિત કરીને શાળાઓને અનુપમ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બાળકો ૨૧મી સદીના વિકામયુગમાં ગુણત્તાયુક્ત શિક્ષણ મેળવી ગૌરવપ્રદ સ્થાન પ્રાપ્ત કરી જીવનના મહત્ત્વના ધ્યેય તરફ આગળ વધે તે માટેના પ્રયત્નોના પ્રકલ્પને ‘અનુપમ શાળા પ્રોજેક્ટ’ નામ આપવામાં આવ્યું છે.

પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, તેમાં સ્વૈચ્છિક રીતે જોડાવાનું આહ્વાન છે. મૂલ્યાંકનનાં ઊંચા માપદંડો છે.છતાં તેમાં જોડાવવા શાળાઓ હર્ષભેર આગળ આવી રહી છે. UNECEF ગાંધીનગર દ્ધારા ચાલતા ચાઇલ્ડ ફ્રેન્ડલી સ્કૂલ્સ સિસ્ટમ કાર્યક્રમને આ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવતાં આર્થિક સહયોગ ભરપૂર મળી રહ્યો છે. શાળાએ મૂલ્યાંકનના માપદંડો જ પૂરા કરવાના છે. બીજી કોઈ સ્પર્ધા નથી, તેથી એક શાળા બીજી શાળાને સામેથી મદદ કરે છે. ૩ વર્ષના અંતે અનુપમ શાળાઓની ‘Success Story’ ની રજૂઆત માટે Workshopનું આયોજન થાય છે. તેમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિઓનું પ્રેઝન્ટેશન રજૂ થાય છે. તેના આધારે ડોક્યુમેન્ટરી ફિલ્મ બને છે. અંતે મૂલ્યાંકનકારોની ટીમ દ્વારા સ્વેચ્છાએ મૂલ્યાંકન કરવાની તૈયારી બતાવનાર શાળાઓનું મૂલ્યાંકન તટસ્થ મૂલ્યાંકનની સાથે લેખિત કસોટી પણ લેવામાં આવે છે. આ તમામ પ્રકિયામાંથી પાર ઊતરનાર શાળા અનુુપમ શાળા તરીકે પસંદગી પામે છે. પ્રથમ તબક્કાની ૩૧૪માથી ૫૫ અને બીજા તબક્કાની ૧૦૦માથી ૧૭ મળી કુલ ૭૨ શાળાઓ અનુપમ શાળા બની. સામાન્ય રીતે શાળાના એક પ્રતિનિધિને બોલાવી સન્માન કરવામાં આવતું હોય છે. અહીંયાં તો શિક્ષકો,આચાર્યો, ‘SMC’ અધ્યક્ષ સાથે ૭૦૦થી ૮૦૦ શિક્ષકો સાથે ૭૨ શાળાઓનું વિદ્યાની દેવી મા શારદાની રંગીન વિશાળ લેમિનેશન સાથેની પ્રતિમા દ્વારા સન્માન કરવાનું આ એક અનોખું રોમાંચક દૃશ્ય નિહાળતાં આનંદ વિભોર થવાયું. શિક્ષકો-શિક્ષિકા બહેનો, આચાર્યો, CRC-BRC સૌ પોત-પોતાના સ્વૈચ્છિક રીતે ગણવેશમાં સજ્જ હતાં. રાજ્ય સરકાર અને ભારત સરકાર શિક્ષકો માટે ગણવેશ દાખલ કરવાની મથામણ કરી રહી છે. ત્યારે બનાસકાંઠાના શિક્ષકોએ ગણવેશનો ચાતરેલ અભિગમ સમગ્ર રાષ્ટ્રના શિક્ષકો માટે દીવાદાંડીરૂપ છે.

ગ્રામજનો અને દાતાઓ દ્વારા માતબર દાન મળતાં શાળાઓ ખૂબ સમૃદ્ધ બની છે. છેલ્લા ૨ વર્ષમાં રૂ. ૧ કરોડ, ૭૩ લાખ, ૨૬ હજારના દાનની સાથે રૃા.૩ કરોડનો લોક સહયોગ પ્રાપ્ત થયો છે. પાલનપુર તાલુકાની માલણ ગામના પનોતા પુત્ર શેઠ વસંતભાઈ શાહ દ્ધારા દોઢ કરોડ રૂપિયાનું દાન મળતાં શાળાનું નવસર્જન થઈ રહ્યું છે. ખાનગી શાળાઓમાંથી ૮૦૫ બાળકોએ અનુપમ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. ઘર આંગણે શાળાની સુવિધા હોવા છતાં ૨,૨૦૫ બાળકો ૩ કિ.મી. દૂર ચાલીને પણ અનુપમ શાળામાં ભણવા આવે છે. ડાયટના પ્રાચાર્ય ડો.જી.એન.ચૌધરી એ આ પ્રસંગે અનુપમ બનેલી ૭૨ શાળાઓ Mini DIET તરીકે પોતાની આસપાસની શાળાઓને અજવાળશે તેવી વ્યક્ત કરેલી શ્રદ્ધામાં સચ્ચાઈનો રણકાર સંભળાય છે.

UNICEF ગુજરાતના વડા ડો. લક્ષ્મી ભવાની અને એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ ડો. પુષ્પા. જોષીએ પ્રોજેક્ટની સફળતાની નોંધ લઈ તેને વધુ વેગ મળે તે માટે ઉદાર હાથે આર્થિક સહયોગ આપવાની કરેલી ઘોષણાએ પ્રોજેક્ટનો ઉત્સાહ વધાર્યો છે. અધ્યક્ષસ્થાનેથી જી.સી.ઈ.આર.ટી.ના પૂર્વ નિયામક ડો. નલિન પંડિતે પ્રોજેક્ટની સફળતા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રોજેક્ટ બરાબર ચાલતો હોય, મધ્ય ભાગે હોય ત્યાં અચાનક બદલી થઈ જતાં તેને ખૂબ મોટો ધક્કો પહોંચે છે. તેવી માર્મિક ટકોર સાથે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓછામાં ઓછા ૫ વર્ષ અધિકારીઓની બદલી ન થાય તે જોવા પર ખાસ ભાર મૂક્યો હતો. અનુપમ શાળાનો પ્રયોગ રાજ્યના તમામ જિલ્લાઓમાં અમલમાં મૂકી તેમાં શાળાઓ સ્વૈચ્છિક રીતે જોડાય તેવું વાતાવરણ નિર્માણ કરવાની જરૂર છે. પ્રોજેક્ટના મોટાભાગના પ્રયોગો અને પ્રવૃત્તિ રાજ્યની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં ચાલે છે. તેને ચોક્કસ સ્વરૂપ આપી રાજ્ય કક્ષાએ ”રાજ્ય અનુપમ શાળા પ્રોજેક્ટ”નું વિસ્તૃત માળખું તૈયાર કરી તેને અમલમાં મૂકવાની પહેલ રાજ્ય સરકાર કરશે તો પ્રાથમિક શિક્ષણે માટે આશીર્વાદરૂપ બની રહેશે. દેશ માટે પણ રોલમોડલ બનશે.ખાનગી શાળાઓ તરફના પ્રવાહને અટકાવવાનો આ રામબાણ ઇલાજ છે. ગામડાંમાંથી માત્ર શિક્ષણ માટે થતાં સ્થળાંતરને રોકી શકાશે.ગામડાં ભાંગતા બચશે, અને ‘આપણી શાળા અનુપમ’ના સંકલ્પ સાથે ‘આબાદ ગામડું તો આબાદ દેશ’નો નારો વધુ બુલંદ બનશે.

બાળકોમાં વિવિધ મૂલ્યોનું સિંચન થાય તે માટેના નૂતન પ્રયોગો ઘણા જ રસપ્રદ

વર્તમાન સમયમાં જીવનમૂલ્યોને ભારે હ્રાસ થઈ રહ્યો છે. અનૈતિકતાએ માઝા મૂકી છે. આથી પ્રોજેક્ટની ઊડીને આંખે વળગે તેવી અને જેના પર ભાર મૂક્યો છે તે છે મૂલ્ય શિક્ષણ. પ્રોજેક્ટ અંતગર્ત બાળકોમાં વિવિધ મૂલ્યોનું સિંચન થાય તે માટેના નૂતન પ્રયોગો ઘણા જ રસપ્રદ છે.

(૧) રામદુકાન : શાળામાં ભગવાન ભરાંસે ચાલતી રામદુકાન દ્ધારા બાળકોમાં પ્રામાણિકતા અને સ્વયંશિસ્તના પાઠો પાકા થાય છે. કોઈપણ વસ્તુ ચોરી-છૂપીથી કે મફતમાં ન લેવાય તેવી ભાવના વિકસે છે. હિસાબ-કિતાબ સાથે ગણિતનું વ્યવહારિક જ્ઞાન સહજ રીતે પ્રાપ્ત કરે છે.

(૨) અક્ષયપાત્ર : બાળકો ક્ષમતા મુજબ અનાજ લાવી અક્ષયપાત્રમાં મૂકે છે. જેનો ઉપયોગ પક્ષીઓના ચણ માટે થાય છે. શાળાના પ્રાંગણમાં જળપાત્રો સાથેના સુંદર ચબૂતરાનું સર્જન શાળાની રમણિયતામાં વધારો કરે છે. આ પ્રયોગથી બાળકોમાં પક્ષીપ્રેમ, દાન આપવાનો ગુણ અને પર્યાવરણની જાળવણી જેવાં મૂલ્યો વિકસે છે.

(૩) અક્ષયદ્રવ્ય : શિક્ષકો પોતાની આવકમાંથી યોગ્ય ભાગની રોકડ રકમ સ્વૈચ્છિક રીતે રાજીખુશીથી અક્ષય દ્રવ્યમાં મૂકે છે. જે આર્થિક મુશ્કેલી ધરાવતા બાળકોના શૈક્ષણિક વિકાસમાં વાપરવામાં આવે છે. શિક્ષકોની સાચા અર્થમાં સરસ્વતીના ઉપાસકની ભૂમિકા દ્ધારા વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ભાઈચારો અને સહકાર જેવા મૂલ્યો પ્રસ્થાપિત થાય છે.

(૪) હેલ્થ કોર્નર : તેમાં સારવારની કિટ, હેર ઓઇલ, નેઇલકટર, દર્પણ, કાંસકો, ટુવાલ, જેવાં સાધનોથી સજ્જ કરવામાં આવે છે. વિદ્યાર્થી-શિક્ષકની બનેલી એક સમિતિ તેનું સંચાલન કરે છે. સ્વચ્છતાની સાથે તંદુરસ્ત અને નિરામયી જીવન જીવવાની પ્રેરણા આ પ્રયોગથી બાળકોને મળે છે.

(૫) ઇકોક્લબ : ક્લબ અંતગર્ત ષધબાગ, કિચન ગાર્ડન, તુલીસવન અને બાગબાની બનાવવામાં આવે છે. તેનાથી પર્યાવરણનું સંતુલન જળવાય છે. શાળા અને ગ્રામ સ્તરે પર્યાવરણ પ્રત્યેની સભાનતા કેળવાય છે. શાળા પર્યાવરણ નયનરમ્ય બને છે.

(૬) આજનું ગુલાબ : શાળામાં સૌથી શ્રેષ્ઠ સ્વચ્છ થઈને આવેલ ધો.૧થી ૫ અને ધો. ૬થી ૮મા એક કુમાર અને એક કન્યાને આજના ગુલાબ તરીકે અભિવાદિત કરવાના પ્રયોગથી તમામ બાળકો ગુલાબ જેવા મઘમઘી ઊઠે છે. તેનાથી બાળકોમાં Self Awareness નું મૂલ્ય વિકસે છે.

(૭) આજનો દીપક : બાળકના જન્મદિવસ નિમિત્તે પ્રાર્થના સંમેલનમાં બર્થ ડે કાર્ડ આપી ‘આજના દીપક’ તરીકે સન્માનિત કરવામાં આવે છે. બાળકના વ્યક્તિત્વનો સ્વીકાર થતાં વાલી-શાળા વચ્ચેનું અંતર ઘટતાં ભાઈચારા અને સહકારની ભાવના વિકસે છે.

(૮) સ્કાઉટ ગાઇડ : બાળકોમાં સેવા, ચારિત્ર્ય , શિસ્ત અને જીવન કૌશલ્યના વિકાસ માટેની આ પ્રવૃત્તિ દ્વારા સહઅસ્તિત્વ અને વિશ્વબંધુત્વ જેવા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મૂલ્યોનો વિકાસ થાય છે.

(૯) વાર્તાથી વિચાર : દૈનિક પ્રાર્થના સંમેલનમાં શિક્ષકો દ્વારા મૂલ્ય આધારિત વાર્તા રજૂ થાય છે. ખીલતાં, કિલ્લોલતાં અને પાંગરતાં બાળકોનું શ્રેષ્ઠ જીવન ઘડતર થાય અને ઉમદા આદર્શ નાગરિક બની રાષ્ટ્રના નવનિર્માણના કાર્યમાં સહભાગી બને તે ઉદ્દેશી મૂલ્ય શિક્ષણનો ઉજાગર કરતી ૧૨૨ પ્રસંગ કથાઓ અને ૭૬ બાળ-કિશોર વાર્તાઓનું સંકલન કરી ડાયટ પાલનપુર દ્વારા ‘વિચાર તેવું વર્તન’ સંદર્ભ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તેમાંથી શિક્ષકો દૈનિક પ્રાર્થના સંમેલનમાં વાર્તા રજૂ કરે છે. જિલ્લાની તમામ શાળાઓને આ પુસ્તક વિનામૂલ્યે આપતા વાંચન પ્રવૃત્તિને પણ વેગ મળ્યો છે.

;