banaskantha deesa Container Accident, School Children Dropped
  • Home
  • Gujarat
  • ડીસામાં રીક્ષા અને સ્કુલ વાન પર કન્ટેનર પલટી ખાઇ ગયુ, બાળકો દટાયા

ડીસામાં રીક્ષા અને સ્કુલ વાન પર કન્ટેનર પલટી ખાઇ ગયુ, બાળકો દટાયા

 | 1:22 pm IST

આજે વહેલી સવારના બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ ગાયત્રી મંદિર નજીક ભૂંસુ ભરીને પસાર થઈ રહેલી એક કન્ટેનર પલટી ખાઈ જતા નીચે ત્રણ વાહનો દટાઈ ગયા હતા. આ દુર્ઘટના બની ત્યારે કેટલાક બાળકો અને અન્ય મુસાફરો પણ સામેલ હતા. ત્યારબાદ ડીસાના જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો સાથે મળી વહીવટીતંત્રએ ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન કરી લગભગ આઠ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.

ડીસા શહેરમાથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 29 એક વાર ફરી મોટી દુર્ઘટના બની છે. આજે વહેલી સવારના સમયે ભૂંસુ ભરીને રાજસ્થાન તરફ જઇ રહેલી એક કન્ટેનર ટાયર ફાટતા ઉથલી પડ્યું હતું. વહેલી સવારના જ્યારે આ દુર્ઘટના બની ત્યારે દિવસ રાત ભરચક રહેતા ગાયત્રી મંદિર ત્રણ રસ્તા નજીક લોકોની ખૂબ જ ઓછી અવરજવર હતી. પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે ઘટનાસ્થળ પર એક છકડો રિક્ષા અને ઇકો વાન સ્થળ ઉપર હતી અને કન્ટેઈનરનું ટાયર ફાટતા ઊતરી ગયેલું કન્ટેનર આ બંને વાહનો ઉપર પડતા બંને વાહનો કન્ટેનરમાં ભરેલા ભૂંસા નીચે દટાઈ ગયા હતા.

જ્યારે આ દુર્ઘટના બની ત્યારે આ બંને વાહનોમાં શાળાના બાળકો અને મુસાફરો મળી કુલ આઠ લોકો સવાર હતા. અને તમામે તમામ લોકો કન્ટેનરમાં ભરેલા ભૂંસાના ઢગલામાં દટાઇ ગયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે અહીંથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરીમાં લાગી ગયા હતા અને ઘટનાની જાણ વહીવટીતંત્રને કરતા વહીવટી તંત્ર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સતત બે કલાક સુધી ચાલેલા આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 6 જેસીબી મશીન અને એક હિટાચી મશીનની મદદથી આઠ લોકોને જીવિત બચાવી લેવામાં સફળતા મળી હતી.

આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારના બનેલી આ ઘટનાને પગલે ડીસા નજીકથી પસાર થતો નેશનલ હાઈવે પણ જામ થઈ ગયો હતો. અને ઘટના સ્થળ ઉપર હજારોની સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. જેમાં ડીસા mla શશીકાંત પંડ્યાએ તાત્કાલિક વહીવટીતંત્રને દોડતું કરી રેસ્ક્યુ હાથ ધરાયું હતું. આ ઘટનાના સમાચાર ડીસા શહેરમાં વાયુવેગે પ્રસરી જતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. સતત બે કલાક સુધી ભૂંસા નીચે દટાયેલા બાળકો અને મુસાફરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરનાર ડીસાના કાંતિ માળી નામના યુવકે સમગ્ર ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું આ ઘટનામાં આઠ લોકો દટાયા હતા અને તમામને સુરક્ષિત રીતે બહાર નીકાળી દેવામાં આવ્યા છે.