સખીમંડળોને ૧ લાખની બેન્ક લોનમાં વ્યાજ માફ, ફ્લોર મિલ માટે સહાય - Sandesh
  • Home
  • Budget
  • સખીમંડળોને ૧ લાખની બેન્ક લોનમાં વ્યાજ માફ, ફ્લોર મિલ માટે સહાય

સખીમંડળોને ૧ લાખની બેન્ક લોનમાં વ્યાજ માફ, ફ્લોર મિલ માટે સહાય

 | 5:58 am IST

। ગાંધીનગર ।

ગુજરાતમાં નવેમ્બર- ડિસેમ્બરમાં પાલિકા- પંચાયતોની ચૂંટણી યોજનાર છે. આ વખતે વર્ષ ૨૦૧૫વાળી થતા અટકાવવા ભાજપ સરકારે ગ્રામ્ય વિસ્તાર અને તેમાંય ખાસ કરીને ગરીબ- પછાત વર્ગની મહિલાઓ થતી તેમના પરિવારોના મતો આકર્ષવા બજેટમાં મોટાપાયે જાહેરાતો કરી છે. પંચાયત વિભાગ માટે રૂ.૯,૦૯૧ કરોડની જોગવાઈમાં રૂ.૧૯૩ કરોડની મુખ્યમંત્રી મહિલા ઉત્કાર્ષ યોજનાનો સમાવેશ થયો છે. જે સખીમંડળ અર્થાત મહિલા ઉત્કાર્ષ જૂથ બેન્કોમાંથી રૂપિયા એક લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપુર્ણ વ્યાજ રાજ્ય સરકાર દ્વારા સીધેસીધું બેન્કને ચૂકવાશે. આ યોજનાથી મહિલા ઉત્કર્ષ જૂથોને ઝીરો ટકા દરે લોન ઉપલબ્ધ થતા સ્વ- રોજગારીનું બળ વધશે તેમ કહેતા આ યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અમલ થશે તેમ ઉમેર્યુ હતું. ગ્રામ્યક્ષેત્રમાં મહિલાઓને કાયમી રોજગાર મળી રહે તેના માટે રૂ.૭ કરોડની જોગવાઈ સાથે મુખ્યમંત્રી ર્સ્વિનભર યોજનાની જાહેરાત કરતા નાણામંત્રીએ આ યોજના હેઠળ પણ સખી મંડળની બહેનો અનાજ અને મસાલા દળવા ફ્લોર મિલ (ઘંટી) શરૂ કરે તો તેના માટે પણ સહાય આપવાનું જાહેર કર્યું હતુ.

ઉઘાડા આભ હેઠળ આંગણવાડી હવે બંધ, રણ આંગણવાડી ઊભી કરાશે

રાજ્યમાં હજુ પણ ઉઘાડા આભ હેઠળ, ભાડાના મકાનમાં આંગણવાડીઓ ચાલે છે. શહેરી વિસ્તારોમાં ૫૦૦ આંગણવાડીના નવા મકાનો બાંધવા રૂ.૩૫ કરોડની જોગવાઈ કરતા નાણામંત્રીએ બજેટમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અગરિયાના ૧૫૦૦ પરિવારો માટે રણ આંગણવાડી અને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની મધ્યસ્થ જેલોમાં પણ મીની આંગણવાડીઓ સ્થાપવાની જાહેરાત કરી હતી.

ફળ, શાક વેચનારાને મોટી ‘છત્રી’ અપાશે !

શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની સાઈડમાં કે ખુલ્લી જગ્યામાં ફળ, શાકભાજીનું વેચાણ કરવાના નાના વ્યવસાયકારોમાં ૮૦ ટકાથી વધુ મહિલાઓ છે. આ વ્યવસાય સાથે જોડાયેલા અંદાજે ૬૫ હજારથી વધારે લારીવાળાઓના શાકભાજી, ફળોને ગરમી, ઠંડી, અને વરસાદથી રક્ષણ આપવા સરકાર મોટી સાઈઝની છત્રી આપશે. તેના માટે બજેટમાં રૂ.૮ કરોડની જોગવાઈ થઈ છે.

શ્રમિક-પત્નીને પ્રસૂતિ સહાય ૨૬૬ ટકા વધી

બાંધકામ ક્ષેત્રે શ્રમિકના પત્નીને હાલમા પ્રસૂતિ સહાય રૂ.૭,૫૦૦ ચૂકવાય છે. નાણા મંત્રીએ હવે પ્રસૂતિ પહેલાના બે મહિના અને પછીના બે મહિના એમ કુલ ચાર મહિના સુધી દર મહિને રૂ.૫૦૦૦ ચૂકવવા વિધાનસભામાં દરખાસ્ત કરી છે. આમ, શ્રમિક મહિલા કે શ્રમિક પત્નીને પ્રસૂતિ સહાયપેટે કુલ રૂ.૨૭,૫૦૦ આપવામા આવશે. જે ૨૬૬ ટકાનો વધારો સૂચવે છે.

વિદ્યાર્થિનીઓને રહેવા- જમવાના બિલ માફ

રાજ્યના અંતરિયાળ ક્ષેત્રોમાં ૨૪૦ જેટલા કસ્તુબા ગાંધી વિદ્યાલય રેસિડેન્શિયલ હોસ્ટેલ કમ સ્કૂલોમાં અભ્યાસ કરી રહેલી ૨૨ હજારથી વધારે વિદ્યાર્થીઓના રહેવા અને ભોજનની વ્યવસ્થા માટેના તમામ ખર્ચ સરકાર દ્વારા ઉપાડવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. તેના માટે નાણામંત્રીએ શિક્ષણ વિભાગની માગણીમાં રૂ.૮૫ કરોડની જોગવાઈ કરવાનું અંદાજપત્રમાં જણાવ્યુ હતુ.

શહેરોમાં પ્રતિ ૧૦ હજારે ૧ અર્બન હેલ્થ સેન્ટર

સગર્ભા મહિલાઓની નિયમિત આરોગ્ય તપાસ, સમયસર જરૂરી પોષક આહાર, બાળકોનું સંપૂર્ણ રસીકરણ અને ઈન્દ્રધનુષ કાર્યક્રમનો ૧૦૦ ટકા અમલ થાય તે માટે શહેરી વિસ્તારોમાં ૧૦ હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર સ્થાપવા રૂ.૮૦ કરોડની જોગવાઈ. આ સેન્ટરનો વ્યાપ અમદાવાદ સહિતના મોટા શહેરોના જૂના વિસ્તારોમાં વધારાવાની જાહેરાત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન