અફરાતફરી સાથે બેન્કિંગ શેર્સની આગેવાનીએ શેરબજાર વધ્યું - Sandesh
  • Home
  • Business
  • અફરાતફરી સાથે બેન્કિંગ શેર્સની આગેવાનીએ શેરબજાર વધ્યું

અફરાતફરી સાથે બેન્કિંગ શેર્સની આગેવાનીએ શેરબજાર વધ્યું

 | 12:20 am IST

। મુંબઈ ।

આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઈ અને એક્સિસ બેન્ક સહિત બેન્કિંગ શેર્સની આગેવાનીએ શેરબજાર મંગળવારે વધ્યું હતું. વૈશ્વિક બજારોના મિશ્ર સેન્ટિમેન્ટને કારણે શેરબજારમાં દિવસભર ભારે અફરાતફરી જોવા મળી હતી. રોકાણકારોની નજર કંપનીઓના ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાના પરિણામ ઉપર છે. આઈટી અગ્રણી ટીસીએસ અને ઇન્ફોસિસના પરિણામ આગામી સપ્તાહે આવવાના છે. એનર્જી, ઇન્ફ્રા અને આઈટી શેર્સમાં કમજોરી જોવા મળી હતી જ્યારે મેટલ અને ફાઇનાન્સ શેર્સમાં ચમકારો જોવાયો હતો. અમેરિકા – ચીન વચ્ચે વ્યાપાર વાટાઘાટ અંગે છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિની રોકાણકારો રાહ જોઈ રહ્યા હોવાથી એશિયામાં મિશ્ર વલણ બાદ યુરોપિયન શેરબજાર આગળ વધ્યા હતા.

દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧૩૦.૭૭ પોઇન્ટ વધી ૩૫,૯૮૦.૯૩ અને નિફ્ટી ૩૦.૩૫ પોઇન્ટ વધી ૧૦,૮૦૨.૧૫ ઉપર બંધ થયા હતા.   સન ફાર્મા, એસબીઆઈ, આઇસીઆઇસીઆઇ બેન્ક વધ્યા હતા જ્યારે કોટક મહિન્દ્ર બેન્ક, એનટીપીસી, યુપીએલ અને ઝી એન્ટરટેઇનમેન્ટ ઘટયા હતા.  રૂ.૭૬૦ કરોડનો ઓર્ડર મળતા ભારત ડાયનેમિક્સનો શેર વધ્યો હતો. શેર રૂ.૧૯.૨૦ વધી રૂ.૨૯૭.૫૫ ઉપર બંધ થયો હતો. જિંદાલ સ્ટીલ એન્ડ પાવરને ઈન્ડિયન રેલવે તરફથી મળેલા ઓર્ડરને પરિણામે શેર વધ્યો હતો. શેર રૂ.૫.૫૫ વધી રૂ.૧૫૭.૫૫ થયો હતો.

ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ.૬૫.૯૯ કરોડ થયો હોવાનું તાતા એલેક્સીએ જણાવ્યા બાદ શેર એક તબક્કે એક ટકો વધી રૂ.૯૮૮.૮૦ થયો હતો. કંપનીએ એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૬૨.૭૭ કરોડનો નફો કર્યો હતો.

જેએસડબ્લ્યૂ સ્ટીલનું ત્રીજા ત્રિમાસિક ગાળામાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન ૩ ટકા વધી ૪૨.૩ લાખ ટન થયું હતું. શેરનો ભાવ રૂ.૪.૦૫ વધી રૂ.૨૯૩.૯૦ થયો હતો. જેટ એરવેઝનો શેર એક તબક્કે ૧.૫ ટકા ઘટી રૂ.૨૪૨.૫૦ થયો હતો. સ્થાનિક અને વિદેશી બેન્કોએ કંપનીને નાણાકીય પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

ઇટાલીમાં એલ્યુમિનિયમ ડાઇ કાસ્ટિંગ કંપની ફોનપ્રેસ મેટલ હસ્તગત કરી હોવાનું એન્ડયૂરન્સ ટેક્નોલોજીએ જણાવ્યું હતું. જોકે, શેરનો ભાવ રૂ.૬.૨૫ ઘટી રૂ.૧૨૦૫.૦૫ ઉપર બંધ થયો હતો.  બંધન બેન્ક અને ગૃહ ફાઇનાન્સના શેર્સ એક તબક્કે અનુક્રમે ૬.૦૩ ટકા અને ૯.૮ ટકા ઘટયા હતા. બંધન બેન્કનો શેર રૂ.૨૧ ઘટી રૂ.૪૭૭.૦૫ અને ગૃહ ફાઇનાન્સનો શેર રૂ.૫૧.૧૦ ઘટી રૂ.૨૫૫.૨૫ ઉપર બંધ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;