બેન્કસ અને ગ્રાહકોનો સંતોષ - Sandesh

બેન્કસ અને ગ્રાહકોનો સંતોષ

 | 1:20 am IST

મની મેટર ।  મેઘના

આજે બેન્કિંગ ક્ષેત્રમાં ઘણાં નવા ફેરફારો આવ્યા હોવા છતાં ગ્રાહકોમાં થોડોક અસંતોષ રહે છે. નેટ-બેન્કિંગ, માસ્ટર કાર્ડ વગેરે આવ્યા હોવાને કારણે મોટા ભાગના કામો સરળ થઇ ગયાં છે. પરંતુ કેટલીક ફરિયાદો હજુ ચાલી રહી છે અને કેટલીક નવી ફરિયાદો પણ ઊઠી છે.

પી.પી.એફ.

આ ખાતામાં વ્યાજ ગણવાની પદ્ધતિમાં ચોકસાઇ નથી. કેટલીક વાર ગ્રાહકોએ બેન્કોને ભૂલ સમજાવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ગ્રાહકો જો સાવધ ના રહે તો તેઓને વ્યાજમાં નુકસાન જઇ શકે છે. બચત ખાતા અને મુદતી થાપણોના વ્યાજમાં પણ ગ્રાહકોએ સાવધ રહેવું જરૂરી છે.

ફિક્સ ડિપોઝિટ્સ

ગ્રાહક જો પોતાની પાકેલી થાપણ ઉપાડવા માંગે તો ઘણીવાર બેન્ક- મેનેજર્સ ચુકવણીમાં આનાકાની કરતા હોય છે. તે શાખાની ડિપોઝિટનું ચિત્ર સારું દેખાય તે માટે તેઓ ગ્રાહકને ડિપોઝિટ રિન્યૂ કરવા માટે આગ્રહ કરતા હોય છે. ઘણી ફોરેનની બેન્કસ આ બાબતમાં સારી સેવા આપતી હોય છે.

મેલી-ગંદી નોટો

બેન્કોને રિઝર્વ બેન્કની તાકીદ હોવા છતાં બેન્કો ગ્રાહકોની જૂની, ગંદી નોટ્સને સ્વીકારવામાં આનાકાની કરે છે. આમ કરવા પાછળ બેન્કોને શક હોય છે કે જૂની નોટ્સ રિઝર્વ બેન્ક પાછી લેશે કે નહીં, રિઝર્વ બેન્કે આ બાબતમાં બેન્કો સાથે વાત કરીને ગ્રાહકની તકલીફને દૂર કરવા પ્રયત્ન કરવો જોઇએ. જો બેન્કો આ કામ નહીં કરે તો લોકોએ ખાનગી માણસોને સસ્તામાં નોટ્સ આપી દેવી પડશે જે ગેરકાયદેસર છે.

બીજી સવલતો

બેન્કોનું કામ નાણાં સ્વીકારવાનું અને લોન આપવા પૂરતું મર્યાદિત ના રહીને અન્ય સવલતો સુધી વિસ્તરવું જોઇએ. નાના ડીનોમિનેશન તેમજ સિક્કા આપવાનું કામ પણ શિડયુલ- બેન્કોએ કરવું જોઇએ. જેથી ગ્રાહકોને પોતાની બેન્કમાંથી જ બધી સુવિધા મળી રહે. મોટાંભાગની બેન્કો સો નોટ્સના બન્ડલ બનાવે છે. જેમાં ઉપર-નીચેની નોટ્સ વાપરવા યોગ્ય હોય છે અને અંદરની નોટ્સ જૂની-રદ્દી હોય છે. જો ફરિયાદ થાય તો બેન્કના કેશિયર્સ એવો આગ્રહ રાખે છે કે ગ્રાહકે નોટ્સને છૂટી કરીને ખરાબ નોટ્સ બેન્કને પાછી આપીને બદલાવી લેવી. આ વાત બરાબર નથી. કેશિયર્સ જો નોટ્સની પસંદગીમાં ધ્યાન આપે તો ગ્રાહકે બેન્કમાં પાછા આવવાની જરૂર રહે.

અન્ય સુધારા

બેન્કોમાં મેનેજર્સ, રિજનલ મેનેજર્સ અને ગ્રાહકોની મિટિંગ્સ ઘણી વાર યોજાય છે. પરંતુ તેમાં મેનેજર્સ ચતુરાઇપૂર્વક પોતાને અનુકૂળ આવે તેવા ગ્રાહકોને જ આમંત્રે છે. જેથી બીજાં ગ્રાહકોની તકલીફો પર રિજનલ-મેનેજર્સનું ધ્યાન ક્યારેય જતું નથી. ઊંચી પદવી પર બેઠેલા અધિકારીઓ સુધી સામાન્ય ગ્રાહક પહોંચી શકતા નથી. આવા અધિકારીઓ હંમેશાં કોન્ફરન્સીસ અને મિટિંગ્સમાં વ્યસ્ત રહેતા હોય છે. જો તેઓ હાજર હોય તો તેઓના પી.એ. ગ્રાહકોને ટેલિફોન- કનેકશન આપતા નથી. આ રીત બરાબર નથી. ગ્રાહકોના નાણાંથી ચાલતી બેન્કો ગ્રાહકોનું જ સાંભળતી નથી.

જો કે આજે ઇન્ટરનેટને કારણે ગ્રાહકોની તકલીફો ઓછી થતી જાય છે. છતાં ગ્રાહકો ગમે ત્યારે ‘કન્ઝયુમર-ફોરમ’માં જઇ શકે છે.