banks to pay penalty if atms run out of cash at RBI
  • Home
  • Business
  • ATMમાં રોકડ બાબતે ગ્રાહકોની સુવિધા માટે RBI બેન્કો સામે આકરા પાણીએ

ATMમાં રોકડ બાબતે ગ્રાહકોની સુવિધા માટે RBI બેન્કો સામે આકરા પાણીએ

 | 10:42 am IST

સામાન્ય રીતે આપણે રૂપિયા ઉપાડવા માટે બધા જ એટીએમ મશીનનો ઉપયોગ કરીએ છીએ. જ્યારથી નરેન્દ્ર મોદી સરકારે નોટબંદીનો નિર્ણય કર્યો હતો ત્યાર બાદથી એટીએમનો ઉપયોગ વધી ગયો છે. સામાન્ય લોકો છાશવારે એટીએમનો ઉપયોગ કરે છે. બહારગામ રહેતા અને નોકરીયાત વર્ગ હોય કે વિદ્યાર્થીઓ હોય તે લોકો ખાસ કરીને એટીએમનો ઉપયોગ કરે છે. કારણ કે હાલના જમાનામાં વધુ કેશ ખીસ્સામાં રાખવી જોખમી બની જાય છે.

પણ ઘણી વખત આપણને જરૂર હોય ત્યારે એટીએમમાં રૂપિયા કાઢવા જઇ ત્યારે એટીએમમાં કેશ ખલાશ થઇ ગયેલ જોવા મળે છે. આવા કિસ્સામાં સામાન્ય રીતે હાઇવે કે ગામડાં વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યાં ઓછી સંખ્યામાં એટીએમ હોય છે. પણ આરબીઆઇ દ્વારા આ મામલે ગંભીર નોંધ લેવાઇ છે. જેથી આ પ્રકારે જો બેન્કના એટીએમ ત્રણ કલાકથી વધુ સમય કેશ વગરના રહે અને ખાતેદારો નાણા ન કાઢી શકે તો આરબીઆઈ કસૂરવાર બેન્ક પાસેથી પેનલ્ટી વસૂલશે. ગ્રાહકોને અગવડ ન પડે એ માટે આરબીઆઈએ બેન્કો પાસેથી દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે. આ બાબતની જાણ કરતો સર્કયુલર બેન્કો સુધી પહોંચી ગયો છે.

હવે સીસ્ટમમાં ભરપૂર ચલણી નોટો આરબીઆઈએ ઠાલવી હોવા છતાં ઘણાં નાનાં શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં રોકડની તીવ્ર અછત વરતાય છે. ઘણીવાર અમુક કલાકો અને દિવસો સુધી એટીએમમાં કેશ હોતી નથી. જેને પરિણામે જે તે બેન્કની શાખાઓની બહાર રોકડ કઢાવવા ગ્રાહકોની લાંબી લાઇનો લાગે છે.

ઉલ્લેખનિય છે કે એટીએમમાં સેન્સર હોય છે જે અમુક સપાટીથી રોકડ રકમ નીચે જાય તો તુરંત બેન્કોને ચેતવણી આપે છે. મશીનમાં કેશ ઘટવાની સાથે જ ચેતવણી મળવા છતાં અમુક બેન્કો કેશવાન નથી રવાના કરતી. હવે દંડના ભયે બેન્કો આમ કરતી અટકશે. અને સામાન્ય લોકોને પડતી હાલાકીનો અંત આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન