બરસાનામાં હોળીના સરકારી આયોજનથી લોકો ચિંતિત - Sandesh
NIFTY 10,869.70 +63.10  |  SENSEX 35,801.28 +244.57  |  USD 67.5475 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • બરસાનામાં હોળીના સરકારી આયોજનથી લોકો ચિંતિત

બરસાનામાં હોળીના સરકારી આયોજનથી લોકો ચિંતિત

 | 4:27 am IST

વિચારસેતુ :-  વિનીત નારાયણ

અયોધ્યામાં તાજેતરમાં જ મનાવવામાં આવેલા દીપોત્સવી પર્વના ધોરણે યોગી સરકાર ૬૦ કરોડ રૂપિયાના ખર્ચે આ વખતે બરસાનાની લઠમાર હોળીને મનાવવા જઈ રહી છે. તેને કારણે સંત અને ભક્ત સમુદાયમાં ચિંતા સેવાઈ રહી છે. વ્રજમાં માધુર્ય અને ઐશ્વર્ય ભાવથી રસોપાસના થાય છે. નંદગાંવ અને બરસાના વચ્ચે હોળી માધુર્ય રસ ઉપાસનાનો ભાગ છે. તે પરંપરા ૫,૦૦૦ વર્ષ જૂની છે. જે લોકોએ યોગીજીને બરસાનામાં ભવ્ય હોળી આયોજનનું સૂચન કર્યું છે તે લોકોને ઝીણવટભરી જાણકારી નથી. કેમ કે આ પરંપરામાં જે રસ છે તેને સ્થાનિક ગોસ્વામી ગણ , તેમના પરિવાર , સંતગણ અને વ્રજવાસી જ પ્રસ્તુત કરી શકે છે, જે પ્રમાણે જાહેરાત થઈ છે તે મુજબ બહારથી આવેલા વ્યવસાયી કલાકાર નહીં.

આ રસોપાસના અંતર્ગત હોળી એક મહિનો ચાલે છે અને પ્રતિદિન તેનું સ્વરૂપ અને ભાવ ભિન્ન હોય છે. તેના સાહિત્યનો દરિયો છે. રંગોળી હોળી તો તેનો નાનકડો ભાગ છે. જે પહેલેથી જ વિશ્વપ્રસિદ્ધ છે અને તેને નિહાળવા દૂર દૂરથી ભક્તો અને આંતરરાષ્ટ્રીય મીડિયા પણ દર વર્ષે અહીં આવે છે. પરંતુ તેના સ્વરૂપ સાથે કદી છેડછાડ નથી થઈ. આજથી ૪૩ વર્ષ પહેલાં ઉ.પ્રદેશના રાજ્યપાલ ડો.એમ.ચેન્ના રેડ્ડી પ્રતિવર્ષ શ્રદ્ધા સાથે રંગોળી હોળી નિહાળવા બરસાના આવતા હતા. ત્યારથી આવા વિશિષ્ઠ અતિથી હંમેશાં અહીં આવતા રહે છે. પરંતુ યોગી સરકાર આ વર્ષે જે રીતનું આયોજન કરવા જઈ રહી છે તેનાથી નંદગાંવ અને બરસાનાના સંત, ભક્ત અને ગોસ્વામી સમાજ જ નહીં પણ સમસ્ત વ્રજમંડળ ખૂબ જ ચિંતામાં છે.

રમણરેતી,ગોકુળના સંત ર્કાિણ ગુરૂશરણાનંદજીના શિષ્ય અને વ્રજ સંસ્કૃતિ પર દાયકાઓથી સંશોધન કરનારા, તેના સંરક્ષણના અંતિમ સ્થંભ જેવા મોહન સ્વરૂપ ભાટિયા (મથુરા)નું કહેવું છે કે ,’આ આયોજનથી બરસાનાની હોળી પરંપરાને ભારે ઠેસ પહોંચશે અને સંતો ,ભક્તો તેમ જ રસિકાચાર્યોની ઉપેક્ષા થશે. ભાડાના કલાકાર અને તમાશા બરસાનાની હોળીનો રંગ ભંગ કરી દેશે. ઉ.પ્રદેશ સરકારને જો આવું આયોજન કરવું જ હોય તો લખનઉ કે દિલ્હીમાં કરે. બરસાનાની હોળીનો વિનાશ ના કરે.’

બીજી તરફ પીલી પોખર ( બરસાના)માં રહેનારા બાબા મહારાજ પણ આ જાહેરાતથી વ્યથિત છે. બાબાનું કહેવું છે કે ,’ આ પુરા આયોજનથી બરસાનાની હોળીનો રંગ ભંગ થઈ જશે કે જે માધુર્ય ઉપાસનાની ગાઢ પરંપરાનો ભાગ છે. આ આયોજનથી સંતો, ગોસ્વામીઓ ,ભક્તો અને વ્રજવાસીઓનું અપમાન થશે અને તેમને ભારે ઠેસ પહોંચશે.’

બરસાનાના ક્રાંતિકારી યુવા પદ્મ ફોજીનું કહેવું છે કે,’ જેટલા રૂપિયા આ આયોજન પાછળ ખર્ચાશે , તેટલામાં તો પૂરું બરસાના ચમકી શકે છે, જે કાળજીપૂર્વક યોજના બનાવવામાં આવે તો. એ રીતે નહીં કે જે રીતે હાલમાં કામ થઈ રહ્યા છે.’ બરસાનાના ખેડૂતો પણ આ આયોજનથી વિરૂદ્ધ છે અને વારંવાર વહીવટીતંત્રને વિનંતી કરી રહ્યા છે, પણ તેમને કોઈ સાંભળતું નથી. તેમના ઊભા પાક પર બુલડોઝર ચાલી રહ્યા છે.

આ સમાચાર જ્યારથી પ્રચારિત થયા છે ત્યારથી પૂરાં વ્રજમંડળના અનેક લોકો તેનો વિરોધ કરી ચૂક્યા છે અને મુખ્ય પ્રધાન સુધી તેમની પીડા પહોંચાડવા અનુરોધ પણ કરતા રહ્યા છે. વ્રજસેવાના અમારા પ્રેરણાસ્ત્રોત બરસાનાના વિરક્ત સંત શ્રદ્ધેય રમેશબાબાને મેં પૂછયું કે આ વિષયે તેઓ શું વિચારે છે, તો તેમણે કહ્યું

કબીરા તેરી ઝોંપડી, 

ગલ કટિયન કે પાસ. 

જો કરેગા સો ભરેગા, 

તૂ કાહે હોત ઉદાસ.”

આમ પણ બાબા કહે છે કે વ્રજમાં તો શ્રી કૃષ્ણ પણ ઐશ્વર્ય ત્યજીને ગોવાળિયા બનીને રહ્યા. તે ભાવ સાથે જ આવવું જોઈએ. અહીં તો હિંદુસ્તાનનો બાદશાહ અકબર પણ રાજસી વેશ ત્યજીને સ્વામી હરિદાસજીના દર્શને આવ્યો હતો.

યોગીજીએ સદીઓથી ઉપેક્ષિત અયોધ્યામાં જે ઉત્સાહ સાથે દિવાળી મનાવી, તેની પ્રશંસા મેં મારા વીતેલા લેખમાં કરી હતી. પરંતુ વ્રજ તો પહેલેથી જ વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર છે અને તેની ઉપેક્ષા અયોધ્યાની જેમ નથી થઈ.તેથી વ્રજનો ભાવ સમજ્યા વિના ,વ્રજના વિકાસની મોટી મોટી યોજના બનાવડાવવી અને આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન તે અહીંની સમૃદ્ધ ભક્તિ પરંપરાના સ્થાયી વિનાશથી ઓછું નહીં બની રહે.

બરસાનાની વર્તમાન સાંકડી ગલીઓમાં આ આયોજન થશે તો ભીડમાં દુર્ઘટનાની પૂરી સંભાવના રહેશે. આયોજન માટે ફરમાન જારી કરીને રંગીલી ગલીમાં તોડફોડ કરવામાં આવશે તો બરસાનાનું મૌલિક સ્વરૂપ નષ્ટ થઈ જશે કે જેને નિહાળવા વિશ્વભરમાંથી ભક્તો અહીં આવે છે. તેથી વ્રજવાસીઓ યોગીજીને પ્રાર્થના કરી રહ્યા છે કે હોળીનું સૂચિત આયોજન બરસાનાના કોઈ વિશાળ મેદાનમાં કરે તો તેમનો ઉદ્દેશ પૂરો થશે અને સંતગણ ,ભક્તગણ અને વ્રજવાસીઓની ભાવના પણ દુભાષે નહીં.

ચિંતાની વાત છે કે યોગી સરકાર જે લોકો પાસેથી વ્રજ વિકાસ યોજવાઓ તૈયાર કરાવી રહ્યા છે તેઓ વ્રજની સંસ્કૃતિ અને ભાવનાને સમજ્યા વિના ઉત્સાહના અતિરેકમાં બધું કરી રહ્યા છે. તેનાથી સંસ્કૃતિનું સંરક્ષણ નહીં થાય, વિનાશ જ થશે અને તેના અનેક પ્રમાણ છે. ગોવર્ધન પરિક્રમા માટે છ મહિના પહેલાં આવા જ હજારો-કરોડો રૂપિયાના એક મોટા કુપ્રયાસ વિરૂદ્ધ સમય રહેતાં મેં જ યોગીજીને ચેતવ્યા હતા. તે વિષયે અહીં મારો લેખ પણ છપાયો હતો. આભારી છું કે તેમણે તરત અમારી ચિંતા પર ધ્યાન આપ્યું અને યોજનાને ત્યાં જ અટકાવી દીધી નહિતર જયપુરના એક સ્થાપિત ગોટાળેબાજના હાથે ગોવર્ધન પરિક્રમાનો વિનાશ થઈ જાત. આશા છે કે હજી પણ અમારી વિનમ્ર પ્રાર્થના પર ગંભીરતાથી ધ્યાન આપશે અને આ આયોજન સાથે સંકળાયેલા અંગત સ્વાર્થના પ્રભાવમાં આવ્યા વિના વ્રજની હજારો વર્ષ જૂની સંસ્કૃતિને માન સન્માન આપતાં ઉચિત નિર્ણય લેશે.