બાર્સેલોનાએ સોસિયાડાડ સામે હારનો ક્રમ તોડયો

50

મેડ્રિડ, તા. ૨૧

રિયલ સોસિયાડાડને તેના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લા એક દશકથી મેચ હારવાના ક્રમને તોડતાં બાર્સેલોનાએ કોપા ડેલ રે કપની ક્વાર્ટર ફાઇનલ મેચના ફર્સ્ટ લેગમાં ૧-૦ની જીત મેળવી હતી. રિયલ સોસિયાડાડ વર્ષ ૨૦૦૭થી પોતાના એનોએટા સ્ટેડિયમમાં બાર્સેલોના સામે એકેય મેચ હારી નહોતી. આ મેચમાં નેયમારે પ્રથમ હાફમાં ૨૧મી મિનિટે પેનલ્ટી દ્વારા એક માત્ર ગોલ હતો. તે પછી પણ બાર્સેલોનાને બે વખત ગોલ કરવાની તક મળી હતી પરંતુ ગોલ થઈ શક્યા નહોતા. રિયલ સોસિયાડાડ પણ ગોલ કરી શકી નહોતી જેને કારણે બાર્સેલોનાએ આ મેચ જીતી લીધી હતી.

મેચ બાદ બાર્સેલોનાના કોચ લુઇસ એનરિકે કહ્યું કે, અમે જીત મેળવવા માટે ઘણી મહેનત કરી હતી. આ સ્ટેડિયમમાં રમવું અમારા માટે ઘણું પડકારજનક રહ્યું હોવાથી આ જીતથી અમારી ટીમનો વિશ્વાસ વધ્યો છે. સેમિફાઇનલમાં આ અમારું પ્રથમ ડગલું છે. બાર્સેલોના અને રિયલ સોસિયાડાડ વચ્ચે સેકન્ડ લેગ મુકાબલો આગામી ગુરુવારે યોજાશે.

એટલેટિકો ડી મેડ્રિડે એઇબારને ૩-૦થી હરાવ્યું હતું. એટલેટિકો મેડ્રિડ તરફથી એન્ટોનિ ગ્રિએઝમેને ૨૮મી મિનિટે, એન્જલ કોરેઆએ ૬૦મી મિનિટે અને કેવિન ગેમેરિયોએ ૬૭મી મિનિટે ગોલ કર્યા હતા.

એક મુકાબલામાં સેલ્ટા વિગોએ રિયલ મેડ્રિડને ૨-૧થી પરાજય આપ્યો હતો. રિયલ મેડ્રિડનો સતત ૪૦ મેચમાં અપરાજય રહેવાના રેકોર્ડ બાદ સતત બીજો પરાજય હતો.