વજન ઘટાડવા માટે ચરબીનું ઓપરેશન કરાવાનારાઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો - Sandesh
  • Home
  • Ahmedabad
  • વજન ઘટાડવા માટે ચરબીનું ઓપરેશન કરાવાનારાઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

વજન ઘટાડવા માટે ચરબીનું ઓપરેશન કરાવાનારાઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

 | 7:20 am IST

મહિલાના શરીરથી ચરબી દૂર કરવાની સર્જરી કરનારા ડોક્ટરે દર્દીની મંજૂરી વગર જ નાભીનો ભાગ બંધ કરી દીધો હતો. એટલું જ નહિ પરંતુ સર્જરી બાદ તકલીફ ઘટવાને બદલે વધી ગઈ હતી, સ્ટ્રેચ માર્ક પડી ગયા હતા. આ કેસમાં બેદરકારી હોવાનું નોંધી ગ્રાહક કોર્ટે નવરંગપુરા સ્થિત ઈન્ડો બ્રાઝિલિયન એસ્થેટિક સર્જરી સેન્ટરના ડો. વિશાલ પટેલને દંડ ફટકાર્યો છે, જેમાં બે લાખ ૮ ટકા વ્યાજ સાથે ચુકવવા ફરમાન કર્યું છે. આ સાથે જ માનસિક યાતના ભોગવવી પડી તે બદલ 5 હજાર અને ફરિયાદ ખર્ચ પેટે 5 હજાર ચૂકવી આપવા ડોક્ટરને આદેશ કર્યો છે.

પોરબંદર ખાતે રહેતાં અલ્પાબેન ગોરાણિયાએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, અમદાવાદ સમક્ષ કેસ માંડયો હતો, જેમાં એડવોકેટ સંધ્યા નાતાનીએે રજૂઆત કરી હતી કે, અમે ડોક્ટરનો સંપર્ક કર્યો ત્યારે એવું કહેવાયું હતું કે, શરીરની ચરબી ઘટાડવા માટે ઓપરેશન અને વેક્યુમ સર્જરી કરવી પડે, 35 કિલો જેટલું વજન ઘટી શકે છે.

દરમિયાન ગત 20મી ઓક્ટોબર 2013માં ડો. વિશાલની હોસ્પિટલે તેઓ દાખલ થયા હતા જ્યાં ચરબી દૂર કરવાની સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન પેટે દોઢ લાખ તથા અન્ય અલગ અલગ રકમ ચુકવી હતી. ઓપરેશન પછી કોઈ ફેર પડયો ન હતો, ઉલટાનું ચરબી વધી ગઈ હતી, તબીયત વધારે ખરાબ રહેવા લાગી હતી, નાભી બંધ કરી દેવાઈ હતી, ટાંકાના ભાગે સફેદ દાગ થઈ ગયા હતા.

એપ્રિલ 2015માં ડોક્ટરે પણ કહ્યું હતું કે, સર્જરીથી કંઈ પરિણામ મળ્યું નથી એટલે બેરિયાટ્રિક સર્જરી કરાવી લો. સારવાર પછીયે વજન 112થી 115 કિલો થતાં તેમજ સફેદ દાગ રહેતાં દાંપત્ય જીવન પર અસર પડી છે તેવા દાવા સાથે ગ્રાહક કોર્ટમાં કેસ કરાયો હતો.

ડોક્ટર વતી દલીલ હતી કે, બારોબાર નાભી બંધ કરવાની વાત સાચી નથી, તેમણે કયારેય વજન ઘટાડવાની ખાતરી આપી નહોતી. તમામ દલીલોને અંતે ગ્રાહક કોર્ટે ડોક્ટરની બેદરકારી હોવાનું જણાવી દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન