વડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે... - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…

વડોદરા: 8 દિવસથી ગુમ NRI મિત્તલ સરૈયા મળી આવ્યા, પોલીસ સામે પડી ભાંગતા કહ્યું કે…

 | 7:20 am IST

શહેરના કારેલીબાગની મુક્તાનંદ સોસાયટીના ગેટ પાસેથી એક સપ્તાહ પહેલા ગુમ થયેલો BCAના પૂર્વ ક્રિકેટર અને NRI મિત્તલ સરૈયા દમણથી હેમખેમ મળી આવ્યા હતા. સરૈયાને વડોદરા લાવવા માટે ક્રાઈમ બ્રાંચની એક ટીમ દમણ પહોંચી ગઈ હતી. ક્રાઈમ બ્રાંચે અમેરિકામાં રહેતા તેમના ઘરના સભ્યોને પણ સરૈયા મળી ગયા હોવાની જાણ કરી દીધી હતી.

મુકતાનંદ સોસાયટીમાં રહેતા મિત્તલ સરૈયા (ઉં.વ.51) તા.24મી એક સપ્તાહ માટે યુ.એસ.થી વડોદરા આવ્યા હતા. ગત મંગળવારે બપોરે તેઓ 900 અમેરિકન ડોલર ચેન્જ કરાવવા ઘરેથી નીકળ્યા હતા. સોસાયટીના મેઈન ગેટ નજીકથી સરૈયા ઓટોરિક્ષામાં બેઠા હતા. ત્યારબાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકા સાથે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સરૈયાનો શોધવા માટે ક્રાઈમ બ્રાંચ તથા કારેલીબાગ પોલીસની ટીમો કામે લાગી હતી, પરંતુ ગુમસુદાનો એક સપ્તાહથી કોઈ પત્તો મળતો ન હતો. સરૈયાને શોધવા પોલીસે બાતમીદારોને પણ કામે લગાડી દીધા હતા, તેવામાં આજે સાંજે ક્રાઈમ બ્રાંચના ડીસીપી જયદિપસિંહ જાડેજાને બાતમીદાર દ્વારા માહિતી મળી કે, મિત્તલ સરૈયા દમણમાં છે અને ઉમેશ હોટલના રૂમ નં.112માં રોકાયા છે. જેથી ડીસીપીએે બાતમીદારને સરૈયાનો મોબાઈલ ફોનમાં ફોટો પાડીનો મોકલવા કહ્યું હતું. ફોટો મળ્યા બાદ તેમણે સરૈયાના પરિવાર પાસે ખાત્રી કરાવી હતી. તેઓએ મિત્તલ સરૈયા જ હોવાનું કહેતાં તાબડતોબ મોડીસાંજે 7.30 વાગ્યે ક્રાઈમ બ્રાંચની એક ટીમને દમણ રવાના કરાઈ હતી. બીજી તરફ સરૈયા છકટી ન જાય તે માટે દમણ પોલીસની પણ મદદ લેવાઈ હતી. મોડીરાતે દમણ પહોંચેલી ક્રાઈમ બ્રાંચની ટીમ સરૈયાનો કબજો મેળવી વડોદરા આવવા નીકળી ગઈ હતી.

પોલીસે અપહરણની ફરિયાદ નોંધી હતી
મિત્તલ સરૈયા છેલ્લા 20 વર્ષથી અમેરિકાના ફ્લોરિડા ખાતે રહે છે અને ગ્રીનકાર્ડ હોલ્ડર છે. જેથી અમેરિકન કોન્સ્યુલેટની પણ આ કેસ પર નજર હતી. બીજી તરફ અમેરિકન પોલીસ પણ ગુમસુદા સરૈયાની ફ્લોરિડામાં તપાસ કરી હતી. સરૈયાના કેસમાં ક્રાઈમ બ્રાંચ માટે પણ પ્રતિષ્ઠાનો સવાલ હોઈ 50 માણસોને તેમની શોધખોળમાં લગાવી લીધા હતા. અંતે મિત્તલ સરૈયાને શોધવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી હતી. મિત્તલ સરૈયાના ગુમ થવા અંગે પોલીસે અપહરણનો કેસ નોંધ્યો હતો. જે વાત ચર્ચાસ્પદ બની હતી. કારણ કે, મિત્તલ સરૈયાના ગુમ થયા બાદ તેમના પરિવારજનો પર કોઇનો ખંડણી માટે કે બીજી કોઇ માગણી થઇ ન હતી. આ ઉપરાંત મિત્તલ સરૈયાને કોઇની સાથે દુશ્મની ન હોવાનું પણ બહાર આવ્યું હતું. તે સંજોગોમાં મિત્તલનું અપહરણ કોણ કરે તે એક મોટો પ્રશ્ન હતો. આમ છતાં પોલીસે મિત્તલ સરૈયાના કેસમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાના બદલે કારેલીબાગ પોલીસે સીધી અપહરણની જ ફરિયાદ નોંધતા ખુદ પોલીસ બેડામાં આશ્ચર્ય ફેલાયું હતું.

મારે દેવું થઈ ગયું છે, એટલે ઘર છોડયું હતું: સરૈયા

એક સપ્તાહ પહેલા ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયેલા મિત્તલ સરૈયાને શોધવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. સરૈયાનું અપહરણ થયું હોવાની ફરિયાદ તેમના એડવોકેટ માસાએ આપી હતી. જેથી પોલીસ અપહરણ અને ગુમની થિયરી વચ્ચે અટવાઈ ગઈ હતી. બીજી તરફ સરૈયા સાથે કોઈ અનિચ્છનિય ઘટના તો નથી બની ને? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી હતી.

સરૈયાનો મોબાઈલ નંબર પણ સતત બંધ આવતો હોવાથી પોલીસ માટે તેમનું લોકેશન મેળવવું કઠિન બન્યું હતું. પોલીસે આ પ્રકરણમાં સરૈયાના પરિવારજનો અને તેમને રીક્ષામાં બેસાડીને લઈ જનાર ચાલક સહિત અનેકના નિવેદન લીધા હતા, પરંતુ પોલીસને કોઈ કડી મળતી ન હતી, તેવામાં આજે પોલીસની મહેનત રંગ લાવી હતી. પહેલા ક્રાઈમ બ્રાંચને સરૈયા પાણીની બોટલ સાથે ફોન પર કોઈની સાથે વાત કરતાં હોવાનો દમણથી ફોટો મળ્યો હતો. પોલીસે તપાસ કરતાં સરૈયા જ નીકળ્યા હતા. ક્રાઈમ બ્રાંચે દમણથી તેમનો કબજો મેળવી પુછપરછ કરતાં જ સરૈયા પડી ભાંગ્યા હતા. તેમણે પોલીસને કહ્યું કે, અમેરિકામાં મારી કરિયાણીની દુકાન છે. ધંધો બરાબર ચાલતો ન હોવાથી દેવું થઈ ગયું હતું. ઉધારી વધી જતાં ડિપ્રેશનમાં આવી ગયો હતો અને ઘર છોડયું હતું.

ત્રણ દિવસ પહેલા જ હોટલમાં ચેક-ઈન કર્યું
મિત્તલ સરૈયાએ ત્રણ દિવસ પહેલા જ દમણની હોટલમાં આધારકાર્ડ આપી ચેકઈન કર્યું હોવાની વિગતો પણ સૂત્રોએ જણાવ્યું હતું. તેઓ સતત કોઈની સાથે ફોન ઉપર પણ વાતો કરતા હતા. ક્રાઈમ બ્રાંચે સરૈયાનો કબજો મેળવ્યો હતો, ત્યારે ડિપ્રેશનમાં હોવાનું જણાતું હતું.

પોલીસ અમેરિકન એમ્બેસીને જાણ કરશે
મિત્તલ સરૈયા ગ્રીન કાર્ડ હોલ્ડર હોવાથી અમેરિકન એમ્બેસી દ્વારા પણ સરૈયાના પત્નિ અને પુત્રીના નિવેદન લેવામાં આવ્યા હતા. બીજી તરફ રાજ્યના પોલીસ વડા પણ પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત પાસે વિગતો મેળવતા હતા. હવે મિત્તલ સરૈયા મળી આવતાં પોલીસ અમેરિકન એમ્બેસીને જાણ કરશે.