બાયર્ન મ્યુનિખનો આર્સેનલ સામે ૫-૧થી વિજય - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • બાયર્ન મ્યુનિખનો આર્સેનલ સામે ૫-૧થી વિજય

બાયર્ન મ્યુનિખનો આર્સેનલ સામે ૫-૧થી વિજય

 | 3:28 am IST

મેડ્રિડ, તા. ૧૬

થિઆગો અલકાન્ટારાનાં બે અને રોબર્ટ લેવાન્ડોસ્કી, અર્જેન રોબિન અને સબસ્ટિટયૂટ થોમસ મુલરનાં એક ગોલની મદદથી બાયર્ન મ્યુનિખે ચેમ્પિયન્સ લીગ પ્રિ-ક્વાર્ટર ફાઇનલના પ્રથમ લેગના મુકાબલામાં આર્સેનલને ૫-૧થી હરાવી દીધંુ હતંુ. આ હાર બાદ આર્સેનલની ચેમ્પિયન્સ લીગના આગળના રાઉન્ડમાં પ્રવેશવાની શક્યતાઓ ખૂબ જ ઓછી થઇ ગઇ છે. આ અગાઉ ૨૦૦૫, ૨૦૧૩ અને ૨૦૧૪માં બાયર્ન મ્યુનિખે આર્સેનલને હરાવીને ચેમ્પિયન્સ લીગનાં આ રાઉન્ડમાંથી બહાર કર્યું હતંુ. પ્રિ-ક્વાર્ટર ફાઇનલના બીજા લેગનો મુકાબલો આઠ માર્ચે આર્સેનલના હોમગ્રાઉન્ડ પર રમાશે.

બાયર્ન મ્યુનિખના હોમ ગ્રાઉન્ડ અલિઆન્ઝ અરેના ખાતે ૭૦,૦૦૦ ફેન્સની વચ્ચે રમાયેલા આ મુકાબલામાં મેચની ૧૧મી મિનિટે અર્જેન રોબિને ડગ્લસ કોસ્ટાના પાસને ગોલમાં ફેરવીને બાયર્ન મ્યુનિખને ૧-૦ની લીડ અપાવી દીધી હતી. ૩૦મી મિનિટે રોબર્ટ લેવાન્ડોસ્કીનાં હેન્ડ બોલના કારણે આર્સેનલને પેનલ્ટી આપવામાં આવી હતી. બાયર્નનાં ગોલકીપર મેન્યુઅલ ન્યૂઅરને એલેક્સિસ સાંચેઝની આ પેનલ્ટી રોકવામાં સફળતા મળી હતી પરંતુ તે સાંચેઝને ગોલ કરતા રોકી શક્યો ન હતો અને આર્સેનલને ૧-૧ની બરાબરી પર લાવી દીધંુ હતંુ. બીજા હાફની ૫૩મી મિનિટે આ સિઝનનાં અંતે રિટાયર્ડ થનાર ફિલિપ લ્હામના પાસને રોબર્ટ લેવાન્ડોસ્કીએ ગોલમાં ફેરવી દીધો હતો. રોબર્ટ લેવાન્ડોસ્કીનો આ વર્ષે ચેમ્પિયન્સ લીગમાં છઠ્ઠો ગોલ હતો અને તે મેસ્સી અને કવાની પછી ત્રીજા નંબરે આવી ગયો છે. ત્રણ મિનિટ બાદ થિઆગો અલકાન્ટારાએ ગોલ કરી બાયર્નને ૩-૧ની લીડ અપાવી દીધી હતી. મેચની ૬૩મી મિનિટે અલકાન્ટારાએ પોતાનો બીજો ગોલ ફટકારી બાયર્નને ૪-૧થી આગળ કરી દીધંુ હતું. મેચની ૮૬મી મિનિટે કાર્લો એન્સેલોટીએ બીજા સબસ્ટિટયૂટ તરીકે આ સિઝનમાં સતત નિષ્ફળ રહેલા થોમસ મુલરનો ઉપયોગ કર્યો હતો અને મુલરે એન્સેલોટીનાં આ નિર્ણયને સાચો ઠેરવતાં ૮૮મી મિનિટે અલકાન્ટારાના પાસને ગોલમાં ફેરવી બાયર્નને ૫-૧થી આગળ કરી દીધુ હતું. આ સાથેજ આર્સેનલ ચેમ્પિયન્સ લીગમાં ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે ૨૦૦ ગોલ ખાનાર ટીમ બની ગઇ છે.

રિયલ મેડ્રિડની નાપોલી સામે ૩-૧થી જીત

ચેમ્પિયન્સ લીગના પ્રિ-ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં રિયલ મેડ્રિડે નાપોલીને ૩-૧થી પરાજય આપ્યો હતો. મેચમાં ૧-૦થી પાછળ હોવા છતાં બેન્ઝિમા, ક્રૂસ અને કાસીમેરોનાં ગોલની મદદથી મેડ્રિડે નાપોલીને ૩-૧થી હરાવ્યું હતું. મેચની આઠમી મિનિટમાં મારેક હમસિકનાં પાસને ગોલમાં ફેરવી લોરેન્સોએ નાપોલીને ૧-૦થી લીડ અપાવી હતી. ૧૮મી મિનિટે મેડ્રિડનાં સ્ટ્રાઇકર બેન્ઝિમાએ કર્વાજલના પાસને ગોલમાં ફેરવી પ્રથમ હાફનો સ્કોર ૧-૧ની બરાબરી પર લાવી દીધો હતો. બેન્ઝિમા ફ્રાન્સ તરફથી ચેમ્પિયન્સ લીગમાં સૌથી વધુ ગોલ (૫૧) કરનાર ખેલાડી બની ગયો છે. આ પહેલાં આ રેકોર્ડ હેનરીનાં નામે હતો. બીજા હાફની ૪૯મી મિનિટે ટોની ક્રૂસે ગોલ કરી મેડ્રિડને ૨-૧થી લીડ અપાવી હતી. બીજા ગોલની પાંચ મિનિટ બાદ કાસીમેરોના અદ્ભુત ગોલની મદદથી મેડ્રિડે ૩-૧ની લીડ મેળવી લીધી હતી. સેકન્ડ લેગનો મુકાબલો આઠ માર્ચે નાપોલીના સાન પાઉલોમાં રમાશે.