Be careful that Mobile should not cause problems in your marriage
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • ધ્યાન રાખજો, ક્યાંક મોબાઈલ તમારા દાંપત્યને ભરખી ન જાય     

ધ્યાન રાખજો, ક્યાંક મોબાઈલ તમારા દાંપત્યને ભરખી ન જાય     

 | 4:14 pm IST
  • Share

આજકાલ કોઈની પાસે ન તો સમય છે કે ન તો ફુરસદ, કારણ કે જિંદગી ફૂલ સ્પીડમાં દોડી રહી છે, તેનું કારણ ઘણે અંશે ટેક્નોલોજી છે. ખાસ કરીને ફોન અને ઇન્ટરનેટે લોકોની આખી જીવનશૈલી બદલી નાખી છે. ઇન્ટરનેટ કે ફોન કોઈ વરદાનથી કમ નથી. આજકાલ બધા જ કામ તેને ભરોસે જ થઈ રહ્યા છે. ઈ-મેલ મોકલવો હોય, કોલ કરવો હોય, વીડિયો કોલ કરવો હોય, ડોક્યુમેન્ટ્સ મોકલવા હોય કે અપડેટ રહેવું હોય તો ઇન્ટરનેટ જરૂરી અને ઉપયોગી છે, પરંતુ તેની લતને કારણે જીવન તેના વગર જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ઇન્ટરનેટ આપણો ફુરસદનો સમય ખાઈ ગયું છે. તેને કારણે આપણા સંબંધો પણ પ્રભાવિત થવા લાગ્યા છે. કમ્યુનિકેશન ગેપ ઓછો થયો છે, પરંતુ પાસે હોય તેની સાથે અંતર વધી રહ્યું છે. ક્યાંક ક્યાંક તો સંબંધોમાં તેને કારણે તિરાડો પણ સર્જાવા લાગી છે.

જીવનશૈલી બદલી નાખી

પહેલાના સમયમાં એટલે કે જ્યારે ફોન, ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયાનું આટલું ચલણ નહોતું ત્યારે કામકાજ સમેટાઈ ગયા પછી ગૃહિણીઓ પડોશમાં જઈને બેસતી, સખીઓ સાથે સુખ-દુઃખ વહેંચતી કે પોતાના મનની વાત કરતી, ભરતકામની કે સ્વેટરની નવી ડિઝાઈનો શીખતી, નવી વાનગીઓ શીખતી ને શીખવાડતી. અથાણું, પાપડ બનાવવાના હોય ત્યારે એકબીજાને સાથ આપતી, પરંતુ હવે તો બપોર થતાની સાથે જ મોબાઈલ ફોન લઈને બેસી જવાય છે.

વોટ્સએપ, ફેસબુક, યૂટયૂબમાં જીવનનો કિંમતી સમય બગડી રહ્યો છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટે તો ઘરના સદસ્યો વચ્ચેનો સંવાદ પણ જાણે સમાપ્ત કરી નાખ્યો છે. નવરાશના સમયે પણ હવે કોઈ વાત નથી કરતું, પરંતુ મોબાઈલ લઈને બેસી જાય છે. પહેલાં બધા એકસાથે બેસીને જમતા કે જેથી વાતચીત થાય અને એકબીજાની હૂંફ મળી રહે, પરંતુ હવે તો ફોનમાં નજર હોવાથી એકસાથે જમવા બેસવાનો પણ કોઈ અર્થ સરતો નથી.

બાળક હેરાન ન કરે તે માટે તેઓ બાળકોને પણ મોબાઈલ પકડાવી દે છે. બાળક ગેમ રમે છે કે વીડિયો, મૂવી જોયા કરે છે. ધીરે-ધીરે આવા બાળકો રમવાનું પણ ભૂલી રહ્યાં છે. બાળક સાથે તેની માતા સૌથી વધારે સમય વીતાવે છે, તેથી બાળકને મોબાઈલ કે ઈન્ટરનેટની ટેવ ન પડે તે તરફ અચૂક ધ્યાન આપવું જોઈએ.

આજકાલ ઓફિસથી આવીને દીકરો માતા-પિતા સાથે નથી બેસતો, એ પણ નથી પૂછતો કે આખો દિવસ કેવો રહ્યો. તેમણે શું કર્યું કે શું ન કર્યું. ઓફિસમાં તેનો દિવસ કેવો રહ્યો તે પણ નથી કહેતો ને લેપટોપ ખોલીને બેસી જાય છે. આવું કરવાનું કારણ મોટે અંશે એવું હોય છે કે નોકરીના સમયે તે ફોન કે ઇન્ટરનેટમાં વ્યસ્ત રહે અને કામ અધૂરું રહી જાય તે છેવટે તેણે ઘરે આવીને કરવું પડે.

સંબંધો મધુર નથી રહ્યાં

ઇન્ટરનેટ (સોશિયલ મીડિયા)ને કારણે હવે પતિ-પત્ની, સાસુ-વહુ, બાપ-દીકરા, સંતાન અને માતા-પિતા વચ્ચેના સંબંધોમાં મધુરતા નથી રહી. પતિ-પત્ની ઇચ્છે તો તેમના સંબંધોની મધુરતા દિવસેને દિવસે વધી શકે એમ છે, પરંતુ એકબીજાની સાથે હોવા છતાં ફોનમાં સમય પસાર કરવાથી સંબંધો ધીરે-ધીરે ખરાબ થવા લાગે છે. કોઈને કોઈની સાથે આખો દિવસ ફોન પર વાત કે ચેટિંગ કરવાથી કોઈ એક પાર્ટનરના મનમાં જાતજાતની શંકાઓ પેદા થાય તેવું પણ બની શકે છે.

વાતચીત વખતે કે અંગત પળો માણતી વખતે પણ જો ફોન કે મેસેજ આવે તો ડિસ્ટર્બ થઈ જવાય છે. તેને કારણે તમારો મૂડ પણ બગડી શકે છે. મૂળ બગડવાથી ઝઘડો અને છેવટે સંબંધોમાં તિરાડ પેદા થવા લાગે છે.

ફોન-ઇન્ટરનેટ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી

મનોચિકિત્સકોના મતે ઇન્ટરનેટનું એડિક્શન મગજના એ ભાગને એક્ટિવેટ કરે છે, જે કોકેન જેવા માદક પદાર્થોના એડિક્શનથી થાય છે.

ઇન્ટરનેટનો વધારે પડતો ઉપયોગ કરનારા લોકોમાં સ્ટ્રેસ, ડિપ્રેશન, નિરાશા, ચીડિયાપણું વિકસવા લાગે છે. તેમની ઊંઘ પૂરી ન થવાથી તેઓ થાકેલા જ લાગે છે.

‘યુનિર્વિસટી ઓફ મિશિગન’ના એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકો સોશિયલ સાઈટ્સ પર વધારે સમય વીતાવે છે તેઓ એકલતા અને અવસાદ વધારે અનુભવે છે, કારણ કે જેટલું વધારે તેઓ ઓનલાઈન ઈન્ટરેક્શન કરે છે, તેટલો જ લોકો સાથેનો ફેસ ટુ ફેસ સંપર્ક ઓછો થઈ જાય છે.

તમે ક્યાંક ફરવા ગયા હોવ તો તે જગ્યાની મજા લેવાને બદલે તમે ફોટો ક્લિક કરવા લાગો છો. પતિ-પત્ની એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાને બદલે દરેક જગ્યાએ સેલ્ફી ક્લિક કરવામાં પસાર કરો છો. તેને કારણે ફ્રી કે ક્વોલિટી ટાઈમ પસાર થઈ જાય છે અને એવું લાગે છે કે ફર્યા પછી પણ રિલેક્સ ફીલ નથી થઈ રહ્યું. વળી, આજકાલ સેલ્ફી ક્રેઝ બની ગયો છે અને ક્યારેક તેને લીધે જીવલેણ અકસ્માતો તો ક્યારેય મૃત્યુ પણ થતા જોવા મળ્યા છે.

ફરવા માટેના કોઈ પ્લેસ, મૂવી કે ડિનર પર ગયા હોઈએ ત્યારે ત્યાંની મજા લેવાને બદલે આપણે સોશિયલ સાઈટ્સ પર ચેકઈન્સ કરવામાં વધારે ધ્યાન આપીએ છીએ.

સૌથી ખરાબ વાત એ છે કે સાર્વજનિક જગ્યાઓ જેમ કે મંદિર, બગીચો વગેરે જગ્યાએ પણ આપણે કોઈની સામુ જોઈને સ્મિત નથી કરતા કે હાય-હેલ્લો પણ નથી કરતા, એનું એક માત્ર કારણ એ હોય છે કે આપણી, સામેવાળાની, બધાની નજર ફોનમાં જ હોય છે. રસ્તામાં ચાલતી વખતે કે મોલમાં જ્યાં જુઓ ત્યાં લોકોની નજર ફોનમાં જ હોય છે. તેને કારણે રોડ એક્સિડન્ટ કે રેલ્વે ટ્રેક પર એક્સિડન્ટની ઘટનાઓ વધુ બનવા લાગી છે.

ઇન્ટરનેટથી ગુનાખોરી વધી છે

ઈન્ટરનેટે સાઈબર ગુનાને એ હદે વધારી દીધા છે કે સાઈબર સેલ પોલીસે બનાવવો પડયો છે. સાઈબર ક્રાઈમનો સૌથી વધારે ભોગ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો બને છે.

સોશિયલ મીડિયાને કારણે એકસ્ટ્રા મેરિટલ અફેર્સ પણ વધવા લાગ્યા છે, ચેટિંગ કલ્ચર લોકોને એટલું ગમી ગયું છે કે ગમે તેની સાથે ચેટ કરતા ખચકાટ અનુભવતા નથી. તેને કારણે સંબંધો તૂટી રહ્યાં છે કે પતિ-પત્ની, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ વચ્ચે અંતર વધી રહ્યું છે.

કેટલીક યુવતીઓ વધારે પૈસા કમાવાના ચક્કરમાં ખરાબ સાઈટ્સની માયાજાળમાં ફસાઈ જાય છે. પછી તેમને બ્લેકમેઈલ કરીને એવા કામ કરાવવામાં આવે છે, જેમાંથી બહાર આવવાનું તેમના માટે શક્ય નથી બનતું. તેમનું આર્થિક અને શારીરિક શોષણ પણ થાય છે.

ઇન્ટરનેટ બેન્કિંગ ફ્રોડના કેસિસ પણ હવે સામાન્ય બની ગયા છે. હેકર ક્યારેક તમારા ભોળપણનો લાભ લઈને તમારી બેન્ક ડિટેલ મેળવીને એકાઉન્ટમાંથી બધા જ પૈસા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લે છે અને તમે કંઈ કરી શકતા નથી.

આ ઉપાયો અજમાવી જુઓ

એક એવો સમય નક્કી કરી લો કે જે દરમિયાન તમે ફોન કે ઇન્ટરનેટથી દૂર રહેશો. શરૂઆતમાં આ સમય થોડો રાખો, પછી ટેવ પડે તેમ ધીરે-ધીરે સમય વધારતા જાઓ.

જમતી વખતે ઘરની કોઈ વ્યક્તિ ફોન રિસીવ નહીં કરે કે ઇન્ટરનેટનો ઉપયોગ નહીં કરે તેવો નિયમ બનાવી લો.

બાળકો હેરાન ન કરે કે સરખી રીતે જમી લે તે માટે તેના હાથમાં ફોન પકડાવી દેવાનું બંધ કરો. ઓનલાઈન ક્લાસને કારણે બાળકનો ફોન ટાઈમ આમેય વધી ગયો છે, તેવામાં સારું રહેશે કે તેના હાથમાં ફોન આપવાને બદલે ઇનડોર કે આઉટ ડોર ગેમમાં તેને વ્યસ્ત રાખો.

પતિ-પત્ની સાથે બેસ્યા હોય કે બહાર ફરવા ગયા હોય ત્યારે ક્વોલિટી ટાઈમ પસાર કરવો જરૂરી છે. આ માટે ફોન-ઇન્ટરનેટને થોડો સમય ભૂલી જાઓ. સવાર સવારમાં હાથમાં ફોન લેવાને બદલે પાર્ટનરને પ્રેમથી ઉઠાડો, તેના માથે હાથ ફેરવો અને શક્ય હોય તો હળવું ચુંબન કપાળે કે ગાલ પર કરો.

પતિ-પત્ની જ્યારે જાતીય સુખ માણી રહ્યાં હોય તે દરમિયાન ડિસ્ટર્બ ન થવાય તે માટે ફોનને સાઈલેન્ટ કે સ્વીચ ઓફ કરી દેવો.

વર્કિંગ વુમને ઘરે આવ્યા પછી શક્ય હોય તો ફોન સાઈડમાં મૂકી દેવો અને પરિવારના લોકો સાથે ઇન્ટરેક્શન કરવું જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો