બનો બાળકો સાથે ક્રિયેટિવ - Sandesh

બનો બાળકો સાથે ક્રિયેટિવ

 | 2:08 am IST

ખુલ્લી વાત : અમિતા મહેતા

આજે એક વર્ષનું બાળક પણ મોબાઈલનું દિવાનું છે. મોબાઈલ હાથમાં આપતા જ એ રડવાનું બંધ કરી દે છે. આજ સુધી મમ્મી-પપ્પા જાત જાતની વાતો કરી, રમતો રમાડી બાળકને સમજાવતા એ કામ હવે મોબાઈલ કરે છે. તેની અસર બાળકની ક્રિયેટિવિટી અને પેરેન્ટ્સ સાથેનાં બોન્ડિંગ પર પણ પડી રહી છે. મમ્મી વિના ચાલે પણ મોબાઈલ વિના ન ચાલે એવી પરિસ્થિતિ ઊભી થતી ટાળવી હોય તો બાળકોની સાથે તમે પણ ક્રિયેટિવ પ્રવૃત્તિમાં જોડાઓ, ક્વોલિટી ટાઈમ અને બોન્ડિંગ બંને માટે એ શ્રેષ્ઠ વિકલ્પ છે. દિવસમાં એકાદ કલાક અથવા વીક-એન્ડમાં થોડો સમય બાળકોની સાથે બાળક બનીને પ્રવૃત્તિ કરશો તો બંનેને મજા આવશે.

આર્ટ એન્ડ ક્રાફ્ટ ટ્રાય કરો  

આજે માર્કેટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટમાં અપાર વૈવિધ્યતા જોવા મળે છે. બાળકની સાથે પેપર ક્રાફ્ટ દ્વારા તમે સ્ક્રેપબુક તૈયાર કરો. જેમાં બર્થ-ડે, ટ્રાવેલિંગ વગેરેનાં ફેટોગ્રાફ્સ કટ કરી લગાવો અને સ્મૃતિઓનો ખજાનો તૈયાર કરો. બાળક પાસે ફેટોગ્રાફ્સની નીચે એમની ભાષામાં ક્વોટેશન્સ લખાવો. બાળક વિચારશે, સોશિયલ બનશે અને પોતે કંઈ કર્યું છે એનો આનંદ અનુભવશે. પેપર ક્રાફ્ટમાં કાર્ડ બનાવતા શીખો. બાળકો ફ્રેન્ડઝ એન્ડ ફ્મિલી મેમ્બર્સને જાતે કાર્ડ બનાવીને આપી શકે. પેપર ફ્લાવર્સ બનાવીને બાળકોનાં ટેબલને ડેકોરેટ કરો. ક્રાફ્ટ બુકમાંથી જુદા- જુદા કેરેક્ટર કટ કરી નોટમાં લગાવો. આજકાલ પેપરમાંથી ક્વીલિંગ, આર્ટ દ્વારા ફ્રેમ- જ્વેલરી અને શો-પીસ બનાવાય છે. ઓરીગામી દ્વારા બાળકની સર્જનાત્મકતા નિખારો, ક્રાફ્ટમાં પેપર ક્રાફ્ટ સસ્તુ, સરળ અને એન્જોય કરી શકાય એવી આર્ટ છે, જે બાળકને ભવિષ્યમાં પણ ઉપયોગી થઈ શકે.

કલર સાથે પ્રયોગ કરો  

આપણે ભણવા પર જેટલું ધ્યાન આપીએ છીએ એટલું ડ્રોઇંગ અને કલર્સ પર નથી આપતા. આ એક એવી હોબી છે એમાં જાતજાતનાં અખતરાઓ બાળક સાથે મળીને કરી શકાય. મહિનામાં એકાદ દિવસ સાથે મળીને રોઈ રેડી પિકચર્સને બાળક સાથે મળીને પેઈન્ટ કરો. રંગો આપણાં મૂડને તાજા કરે છે એટલું જ નહીં રંગ મનનો કાયાકલ્પ કરવા માટે પણ સક્ષણ છે. લાલ રંગ મનને ઉત્સાહિત કરે છે તો ભૂરો રંગ મનને શાંત કરે છે. બાળક જ્યારે પણ કંટાળો મહેસૂસ કરે ત્યારે એની સાથે રંગ લઈને બેસી જાઓ. કાગળ, દીવાલ, પોટ, વુડ કોઈપણ વસ્તુ પર રંગ કરી શકાય. આ સમયે મસ્તીની સાથે ઘણી- બધી વાતો શેર કરવાની તક મળશે.

સંગીત એન્જોય કરો  

બાળકો નાના હોય તો એની સાથે પોએમ્સ સાંભળો, એને ગાતા શીખવો. આઠ- દસ વર્ષનાં બાળકો સાથે અંતાક્ષરી રમી શકો. હવે તો ઓનલાઈન કેશિયો કે ગિટાર વગાડતા શીખી શકાય છે. મોબાઈલ પર જ સારેગામાનું કી-બોર્ડ મળી જાય. તમે અને બાળક બંને નવું શીખી શકો. આજકાલ માર્કેટમાં બાળકો માટેનાં પોર્ટેબલ માઈક મળે છે. એનાં દ્વારા ગાવાનો આનંદ માણી શકાય. કરાઓકે સિસ્ટમ દ્વારા પણ ગાતા શીખી શકાય. ખાસ વધારાના પૈસા ખર્ચ્યા વિના બાળકમાં સંગીત માટે રમતાં- રમતાં રુચિ જન્માવી શકાય.

વેસ્ટમાંથી બેસ્ટ બનાવો  

ઈન્ટરનેટ ઉપર એવી હજારો વસ્તુ જોવા મળશે કે જે વેસ્ટમાંથી બનાવવામાં આવી હોય. જેમાં સ્વીટ બોક્ષ, ટૂથપેસ્ટ બોક્ષ, નાળિયેરની કાચલી, બિસલરી કે પ્લાસ્ટિક બોટલ, ન્યૂઝપેપર્સ, વેસ્ટ સીડીઝ, આઈસક્રીમ સ્ટીક, કાર્ટૂન બોક્ષ, જુના ટીન, શોક્સ મેચ બોક્સ, કપડાંની પીન, કાર્ડ બોર્ડ કે હોલ્ડરમાંથી અવનવી વસ્તુઓ બનેલી જોવા મળશે. દરેક વસ્તુઓ માટે યુ- ટયૂબ પર વીડિયો જોવા મળશે. સમય-પૈસા અને શક્તિનો બેસ્ટ ઉપયોગ બાળકો આ પ્રવૃત્તિ દ્વારા કરી શકે.

આ બધી પ્રવૃત્તિઓમાં તનાવ ઓછો થાય છે. કલર-ક્રાફ્ટ અને મ્યુઝિક મનને સંતોષ આપે છે. આગળ જતાં બાળકને જે વસ્તુમાં વધારે રસ પડે એમાં કોચિંગ આપી એક્સપર્ટ બનાવી શકાય. આજે મમ્મીઓનો પણ વધારે સમય મોબાઈલ અને કમ્પ્યૂટર પર પસાર થાય છે. તેથી શરીરમાં એક પ્રકારની આળસ ભરાય છે. વર્કિંગ વીમેન્સની લાઈફ તો આમ પણ સ્ટ્રેસ ફુલ રહે છે ત્યારે આ સર્જનાત્મકતા એમને હળવા બનાવે છે. કારણ કે સર્જનાત્મકતાનો આનંદ જ કંઈક અલગ હોય છે. સંશોધન કહે છે કે મોટાઓની લાઈફ્માં આર્ટ- ક્રાફ્ટ અને કલર્સ યોગા જેવું કામ કરે છે. આમ પણ ક્રિયેટિવિટી

  • મલ્ટિ ટાસ્કિંગ અને સેલ્ફ્ ડિસિપ્લીનનું સર્જન કરે છે.
  • ખુદને વ્યક્ત કરવાનું સશક્ત માધ્યમ છે.
  • વિચારતાં અને સમસ્યાઓને ઉકેલતાં શીખવે છે.
  • ચિંતા અને તનાવ ઘટાડે છે.
  • તમારા હેપ્પી ઝોનમાં લઈ જાય છે.
  • ઉદ્દેશ આપે છે અને ગૌરવ ફીલ કરાવે છે.
  • એકાગ્રતા વધારે છે અને અંદરની શાંતિ આપે છે.

[email protected]