Allergy problem with artificial jewelry, do this way remedy
  • Home
  • Fashion & Beauty
  • કૃત્રિમ આભૂષણોથી થતી એલર્જીની સમસ્યા, આ રીતે કરો ઉપાય

કૃત્રિમ આભૂષણોથી થતી એલર્જીની સમસ્યા, આ રીતે કરો ઉપાય

 | 2:02 am IST

જ્વેલરી । સ્નેહા શાહ

આજકાલ કૃત્રિમ-આભૂષણોનું ચલણ ખૂબ વધ્યું છે. આવા આભૂષણો વિવિધ રંગ, આકાર અને ડિઝાઈનમાં ઉપલબ્ધ હોય છે. તેને પ્રસંગ અને વસ્ત્ર-પરિધાન સાથે મેચ કરીને પહેરી શકાય છે. આવા આભૂષણો શ્રીમંત ઘરની સ્ત્રીઓ તેમજ કોલેજ-કન્યાઓને સમાન રીતે આકર્ષે છે. આજે તો આવા આભૂષણો બનાવવાનું કૌશલ્ય એટલું ખીલ્યું છે કે આવા આભૂષણોને સાચા આભૂષણોથી અલગ પાડવા મુશ્કેલ બની ગયું છે. આજે જ્યારે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે અને સામાજિક સલામતી પણ ઓછી થતી જાય છે ત્યારે કૃત્રિમ-આભૂષણોની જરૂરિયાત અને માગ ખૂબ વધી ગઈ છે. સ્ત્રીઓ હવે એ વાત સમજવા માંડી છે કે સુંદર અને ફેશનેબલ દેખાવા માટે કૃત્રિમ-આભૂષણો શ્રેષ્ઠ વિકલ્પ છે. આવા આભૂષણોમાં પુષ્કળ વૈવિધ્ય હોવાને કારણે સૌને પોતાની મનપસંદ શૈલી મળી રહે છે.

કૃત્રિમ આભૂષણોનું

વૈવિધ્ય :

વજનદાર સોનાના આભૂષણો પહેરવાનો આ સમય નથી હવે તે જૂનવાણી બની ગયું છે. સાચા આભૂષણો હવે ઘરના લગ્નપ્રસંગો પૂરતા ઉપયોગી બની ગયા છે. કૃત્રિમ-આભૂષણો એટલાં સસ્તા હોય છે કે તે ખરીદવા માટે ખાસ બચત કે આયોજન કરવાની જરૂર નથી પડતી તદુપરાંત, તેના અઢળક વૈવિધ્યને કારણે તેમાંથી દરેક પ્રસંગ ડ્રેસ વગેરેને અનુરૂપ વિકલ્પ મળી જાય છે. પહેર્યા બાદ તે લૂંટાવાનો કે ચોરાવાનો ભય રહેતો નથી. આવા આભૂષણો લાકડું ધાતુ, એક્રેલિક, સ્ટોન્ટસ, શેલ્સ (શંખ-છીપ) જેવી અવનવી સામગ્રીમાંથી બને છે. તેમાં પરંપરાગત આધુનિક, અવનવી, પ્રાચીન જેવી શૈલી જોવા મળે છે. તેમનું કદ પણ નાજુક, વજનદાર, મોટું વગેરે વૈવિધ્યમાં હોય છે. તેમનો રંગ, પ્રભાવ વગેરે અવનવા હોય છે. ટૂંકમાં કહીએ તો આવા આભૂષણો અત્યંત આકર્ષક હોય છે.

મોટાંભાગે એવું જોવા મળે છે કે નામાંકિત વ્યક્તિઓ ફેશનના પ્રણેતા હોય છે. ગ્લેમરસ વ્યક્તિઓએ પરિધાન કરેલા આભૂષણોની નકલ તરત જ બજારમાં આવી જાય છે. લગ્ન-સમારંભો પાર્ટીઓ, કલબ્સ, એવોર્ડ-સમારંભો વગેરેમાં જોવા મળતી આભૂષણોની શૈલીઓ તરત જ ફેશન બની જાય છે. વિન્ટેજ અને એન્ટિક ડિઝાઈન્સ પણ હવે લોકપ્રિય બનતી જાય છે. તેનો દેખાવ અદ્ભુત હોય છે. તમારા વ્યક્તિત્ત્વને અનુરૂપ એવી દરેક પ્રકારની શૈલી માથાથી લઈને પગ સુધીના આભૂષણોમાં જોવા મળે છે.

કૃત્રિમ-આભૂષણોના આટલાં ફાયદા સામે એક ગેરફાયદો છે. એલર્જીનો કેટલાંક લોકોને આવા ઘરેણાં પહેરવાથી ત્વચા પર લાલાશ કે બળતરા થાય છે. જેને કોન્ટેક્ટ એર્લિજક-ડર્મેટાઈર્ટિસ કહે છે. આ તકલીફનો તાત્કાલિક ઉપાય કરવામાં ના આવે તો તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે અને મટવામાં ઘણી વાર લાગે છે. નિકલ એ સૌથી વધુ એલર્જીજન્ય એલર્જન છે. કૃત્રિમ-આભૂષણોમાં આ ધાતુ અવશ્યપણે વપરાય છે. તેથી આવી એલર્જી નિકલ એલર્જી પણ કહેવાય છે. આ એલર્જી ગમે તે સમયે ગમે તે ઉંમરે થઈ શકે છે. દરેક વ્યક્તિની ત્વચા પપર નિકલની એલર્જી વિવિધ સ્વરૂપે, વિવિધ માત્રામાં થાય છે. ત્વચા જ્યારે નિકલના સંપર્કમાં આવે છે ત્યારે ત્વચા અને આ ધાતુ વચ્ચે પ્રતિક્રિયા થાય છે.

વિવિધ રૂપે વ્યક્ત થાય છે. નાક કે કાનના કાણામાં પણ આવી ધાતુ દાહ કે ખંજવાળ ઉત્પન્ન કરે છે. ધાતુની અસર રક્તપ્રવાહ દ્વારા શરીરમાં ફેલાય છે. શરીરના કોષો તેની સામે એકવાર પ્રતિક્રિયા કરે તે પછી દરેક સંપર્ક સમયે એલર્જી પેદા થાય છે. આ આખી પ્રક્રિયા છ માસથી બે વર્ષનો સમય લે છે. દરેક વ્યક્તિના કિસ્સામાં ભિન્નતા જોવા મળે છે. એક ડોક્ટરના કહેવા મુજબ આવી એલર્જી આભૂષણના સંપર્કમાં આવેલી ત્વચા પર લાલ ધબ્બા રૂપે દેખાય છે. કેટલીક વાર દૂરના ભાગો પર પણ એલર્જી દેખા દે છે. ખાસ કરીને પોપચાં, ડોક, ચહેરો, હાથ કે કોણીના ભાગના સાંધા પાસેની ત્વચા પર એલર્જી જોવા મળે છે.

નિકલ સિવાય બીજી ધાતુ છે કોબાલ્ટ જે એલર્જી પેદા કરે છે. કોબાલ્ટ ધાતુ નિકલની સાથે વપરાય છે. કોબાલ્ટની એલર્જી પણ નિકલની એલર્જીની જેમ જ થાય છે. નિકલની એલર્જીના ટેસ્ટમાં કોબાલ્ટની એલર્જીવાળા લોકો નેગેટિવ હોય છે તેથી કોબાલ્ટની એલર્જીનો ટેસ્ટ તેઓએ અલગ રીતે કરાવવો જરૂરી છે.

એલર્જી થવાનું ત્રીજું એક પરિબળ છે પરસેવો. ઉનાળામાં જ્યારે પરસેવો ખૂબ થાય છે તે ઋતુમાં લાંબો સમય કૃત્રિમ-આભૂષણો પહેરવામાં આવે ત્યારે ધાતુ અને પરસેવાના સંપર્કથી નિકલ ધાતુ પીગળીને ક્ષાર બને છે. આ ક્ષારો સાથે ત્વચા સાથે પ્રતિક્રિયા કરીને એલર્જી ઉત્પન્ન કરે છે. આભૂષણની નીચે લાગેલા સાબુ-પાણી ત્વચાના રક્ષણાત્મક ક્વચને તોડીને ત્વચાને નિકલના સંપર્કમાં લાવે છે. બુટ્ટી અને વીંટીના કિસ્સામાં આવું વધારે બને છે. તેથી ઘણાં લોકો બુટ્ટી કાન પરથી દૂર કરે ત્યારે દુર્ગંધનો અનુભવ કરે છે. વીંટીને કાઢયા બાદ કેટલીકવાર ભૂરા-લીલા રંગનો ડાઘ તે આંગળી પર જોવા મળે છે. લાલ ચકામા, ફોલ્લા કે અન્ય પ્રકારના નિશાનો આવી એલર્જીને કારણે થાય છે.

સ્નાન કરતી વખતે કે હાથ ધોતી વખતે થોડી કાળજી કરવાથી આવી સમસ્યા દૂર રહે છે. શરીર ધોતી અને લૂછતી વખતે સાબુ અને પાણીને સારી રીતે દૂર કરો.

સાવચેતી 

કારણને પહેલેથી જ દૂર રાખવામાં આવે તો એલર્જીની તકલીફોથી બચી શકાય છે. એલર્જીની શરૂઆત હોય ત્યારે મોઇશ્ચરાઈઝર લગાવવાથી રાહત મળે છે. સ્ટીરોઈડયુક્ત ક્રીમ કે લોશનને દિવસમાં એક કે બે વાર અસરગ્રસ્ત ભાગ પર લગાવવામાં આવે છે. દાહ મટી જાય ત્યાં સુધી આ પ્રમાણે કરવું જોઈએ. બે-ત્રણ સપ્તાહમાં મોટા ભાગે રાહત થઈ જાય છે. સ્થાનિક રીતે લગાવવાના આવા ક્રીમ્સ મોટા ભાગે સલામત હોય છે. જો ચેપ લાગે તો એન્ટી-બાયોટિક લેવાની જરૂર પડે છે. ઈન્ફલેમેશન મોટા ભાગમાં હોય તો સ્ટીરોઈડ-ટેબ્લેટ્સનો કોર્સ કરવાની જરૂર પડે છે. તાજેતરમાં એવું માનવામાં આવી રહ્યું છે કે નિકલયુક્ત ગળવાની ગોળીઓ નીકલની એલર્જી સામે રક્ષણ આપે છે જેને ડી-સેન્સીટાઈઝેશન કહેવામાં આવે છે. જો આ સારવાર સફળ સાબિત થશે તો આવી એલર્જીની સમસ્યાને રોકી શકાશે.

બીજી સાવચેતીઓ છે આભૂષણ પહેરતાં પહેલાં તે ભાગમાં ટેલ્કમ-પાઉડર લગાવવો. આમ કરવાથી ભીનાશ શોષાઈ જાય છે અને ધાતુ સાથે ભેજની પ્રક્રિયા થતી અટકે છે. બુટ્ટી, વીંટી કે અછોડો તંગ ના હોય તેનું ધ્યાન રાખો. ત્વચા પર પવન લાગશે તો એલર્જી નહીં થાય આભૂષણોને વારંવાર બદલતા રહો. આભૂષણોને સ્વચ્છ અને સૂકા રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન