ચિંતાઓ તો છે જ એને કઈ રીતે દૂર કરવી? -૨ - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ચિંતાઓ તો છે જ એને કઈ રીતે દૂર કરવી? -૨

ચિંતાઓ તો છે જ એને કઈ રીતે દૂર કરવી? -૨

 | 5:11 am IST

કેલિડોસ્કોપઃ મોહમ્મદ માંકડ

આપણે ગયા લેખમાં આર્થિક ચિંતાઓ વિશે જોયું. આજે આપણે તબિયત અને બીજી ચિંતાઓ વિશે જોઈએ. શરીર માણસનું વાહન છે એટલે એની થોડી ચિંતા થાય તે સ્વાભાવિક છે, પરંતુ કેટલાક માણસોની તો જિંદગી જ તબિયતની ચિંતા કરવામાં વીતી જાય છે.

તબિયતની ચિંતા માણસને અનેક રીતે હેરાન કરે છે. એના કારણે બીજી પણ અનેક ચિંતાઓ વધે છે. કોઈ કામ એનાથી સારી રીતે થઈ શક્તું નથી, આર્થિક ચિંતાઓ વધે છે, નવા નવા અખતરાઓ શરીર ઉપર થયા કરે છે અને સૌથી ખરાબ વસ્તુ એ છે કે, ચિંતાને કારણે તબિયત સુધરવાને બદલે વધુ બગડે છે.

તબિયતની ચિંતામાંથી મુક્ત થવા માટે નિષ્ણાત પાસે ચેક અપ કરાવી, તેની સલાહ મુજબ વર્તવું એ જ સારામાં સારો ઈલાજ છે, પરંતુ કોણ જાણે કેમ મોટા ભાગના લોકો એમ કરતા નથી. પોતાની કાર કે સ્કૂટરની બાબતમાં માણસ નિષ્ણાત કારીગરની સલાહ લે છે, પોતાની જાતે કારીગરી કરતા નથી (અને કરે તો તેનાં ફળ ભોગવે છે અને પસ્તાય છે.) પરંતુ પોતાના શરીર બાબતમાંએ ઊંટવૈદું કર્યા જ કરે છે. ચિંતાઓ દૂર કરવા માટે નવા નવા અખતરાઓ કરે છે અને પરિણામે નવી ચિંતાઓ ઊભી કરે છે.

કેટલાક માણસો સવારમાં ઊઠીને, આજે કયા નસકોરાથી બરાબર હવાલેવાતી નથી કે શરીરના કયા સાંધામાં ઓછો ઓછો દુખાવો થાય છે એનો જ વિચાર કરે છે. રોજ તેમને પોતાના શરીરમાં કોઈક જગ્યાએ કશોક બગાડ માલૂમ પડે છે.

શરીર એક એવું યંત્ર છે જેના વિશે આપણે બહુ જ ઓછું, લગભગ નહિવત્ જાણીએ છીએ. નિષ્ણાતો પણ તેમાં થતી ખરાબી પારખવામાં થાપ ખાઈ જાય છે અને બીજી નવાઈ લાગે એવી વાત એ છે કે, શરીરમાં અનેક અજાણ્યાં શક્તિ કેન્દ્રો છે, શક્તિની અનેક અજાણી સરવાણીઓ છે અને બગાડને કે રોગને દૂર કરવાની કોઈ અજાણી શક્તિ છે. કારમાં જેમ ઓટોમેટિક રીતે ગીયર બદલાય છે તેમ શરીર આપોઆપ જ કેટલીક ખામીઓ દૂર કરી શકે છે, એટલે ઘડીએ ઘડીએ તેની ચિંતા કરવાની જરૂર નથી. મુસાફરી દરમિયાન કોઈ ડ્રાઈવર પાંચ પાંચ, દસ દસ મિનિટે કારનું બોનેટ ઊંચું કરીને એન્જિન તપાસ્યા કરતો નથી. આપણા શરીરના યંત્ર ઉપર પર આપણે એવો જ ભરોસો રાખવો જોઈએ.

માણસ જાતને બીજી ચિંતાઓ જેવી જ એક ચિંતા એકલા પડી જવાની થાય છે. જ્ઞાાતિમાંથી, સમાજમાંથી જો હાંકી કઢાશે તો?

આ ચિંતા નકામી હોવા છતાં મોટાભાગનાં માણસોને તે સતાવતી હોય છે; કારણ કે માણસ એક પ્રાણી છે અને ટોળામાં રહેવાવાળું પ્રાણી છે. ટોળામાંથી વિખૂટા પડી જવાનો ડર અને ચિંતા એને સતાવ્યા જ કરે છે અને એટલે જ કદાચ, આપણામાંના મોટાભાગના માણસો પોતાની કોઈક સતત પ્રશંસા કરે એવું ઈચ્છે છે. પોતાની પ્રશંસા થાય ત્યારે પ્રશંસા કરનાર પોતાની સાથે છે અને પોતે એકલો પડી ગયેલ નથી એવી એને ધરપત થાય છે. પ્રશંસા આપણને સૌને ગમે છે એનું એક કારણ આ પણ છે. નહિ તો આપણા કામ માટે આપણે બીજા પાસેથી પ્રમાણપત્ર કે પ્રશંસા શા માટે ઈચ્છીએ?

આવી પ્રશંસા ઝંખવામાં બીજો તો કોઈ વાંધો નથી પણ એથી આપણું પોત નબળું પડે છે. આપણે સતત બીજાના ઓશિયાળા બનીએ છીએ અને સતત ચિંતામાં રહીએ છીએ.

જ્યારે બીજાની પ્રશંસાના આધારે જીવવાનું આપણે શરૂ કરીએ છીએ ત્યારે આપણે એક મહત્ત્વની વાત ભૂલી જઈએ છીએ કે આપણી પ્રશંસા કરવા કાયમ કોઈ નવરું નથી હોતું. દરેકને એમની પોતાની પ્રશંસાની પડી હોય છે.

એટલે જો આપણે લોકો સાથે રહેવું હોય, એકલા પડી જવાનો જો આપણને ડર લાગતો હોય, તો એનો સારો રસ્તો એ છે કે, બીજાઓને ઉપયોગી થવાય એ રીતે જીવવું. દૂધ આપનારી ગાયને કોઈ મારીને કાઢી મૂક્તું નથી. બીજાને મદદરૂપ જીવન જીવનાર વ્યક્તિને એકલા પડી જવાની ચિંતા સતાવશે નહિ, એટલું જ નહિ પ્રશંસાની ઝંખના પણ એને એટલી બધી રહેશે નહિ.

આપણને સતાવતી આવી ભિન્ન-ભિન્ન પ્રકારની ચિંતાઓ ઉપરાંત, કયારેક, આવતીકાલ માટેની સાવ અજાણી ચિંતા પણ સતાવે છે. ઘણા માણસોને એવી ચિંતા કાયમ સતાવે છે. એમને એમ થયા જ કરે છે કે, આવતીકાલે ચોક્કસ કશુંક અનિષ્ટ બનશે. આવતીકાલે પોતે કોઈક મુસીબતમાં ફસાઈ જશે, આવતીકાલે પડતી થશે, ધનોતપનોત નીકળી જશે. એમના ચહેરા પર ક્યારેય તમને ખિલખિલાટ હાસ્ય જોવા નહિ મળે.

બીજા કેટલાકને કાયમ તો એવી ચિંતા થતી નથી, પણ ક્યારેક ક્યારેક તો તેમને પણ આવતી-કાલની અજાણી ચિંતા ઘેરી વળે છે.

આવતીકાલે કદાચ હું મારું કોઈ અંગ ગુમાવી અપંગ બની જઈશ તો? આવતીકાલે રોગથી અશક્ત બની જઈશ તો? આવતીકાલે બીજાનો ઓશિયાળો, પરતંત્ર બની જઈશ તો? કોઈના ટેકા વિના ઊઠી પણ નહિ શકું તો? ક્યારેય, ઔકોઈક પળે માણસને આવી ચિંતા ઘેરી વળે છે.

અને એનો ઈલાજ પણ બીજી ચિંતાઓ જેવો જ છે. ચિંતા કરવાથી કશું વળવાનું નથી. ચિંતા કરવાથી ચિંતાઓ વધવાની છે. જે બાબતની ચિંતા થાય એનાથી મુક્ત થવા માટેના શક્ય ઉપાયો વિચારવા અને એ રીતનું વર્તન કે વ્યવસ્થા કરવાં પણ ચિંતા ન કરવી. ચિંતા કરવાથી ચિંતા ઘટતી નથી.

આવતીકાલે આવનારી શક્ય આફતો સામે બચત, વીમો, યોગ્ય રોકાણો વગેરે કરી શકાય, પરંતુ એમાં પણ એક મર્યાદા જાળવવી જોઈએ. આવતીકાલની ચિંતા આપણી આજ બગાડે નહિ એનું ધ્યાન રાખવું જોઈએ.

ચિંતાઓ ગમે તે પ્રકારની હોય, એનાથી બચવા માટેનો સૌથી મોટામાં મોટો ઉપાય શ્રદ્ધા છે. શેક્સપિયર કહે છે તેમઃ ભલાં કામો કરનાર અને ભલી રીતે જીવનાર કોઈ વ્યક્તિનું, આ લોક કે પરલોકમાં અહિત થતું નથી. આવી શ્રદ્ધા રાખવી એ જ સૌથી સારામાં સારો ઈલાજ છે.