સૌંદર્ય વ્યર્થ છે અને લાવણ્ય ઠગારું...   - Sandesh
NIFTY 10,992.65 -26.25  |  SENSEX 36,512.16 +-29.47  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • સૌંદર્ય વ્યર્થ છે અને લાવણ્ય ઠગારું…  

સૌંદર્ય વ્યર્થ છે અને લાવણ્ય ઠગારું…  

 | 5:10 am IST

વિચાર દંગલઃ વસંત કામદાર

એક ખૂબ જાણીતી અંગ્રેજી કહેવત છે કે “Prevention is better than cure” આ કહેવતનો સીધો અર્થ એ થાય કે રોગ થયા પછી તેનો ઈલાજ કરવો તેનાં કરતાં રોગ ન થાય તે માટે તકેદારી રાખવી એ વધારે સારું છે.

આ જ સલાહ પ્રેમનાં નામે છેતરાઈ જતાં લાગણીશીલ માનવીઓને પણ આપી શકાય તેમ છે. તમે જીવનમાં શુષ્કતા અને એકલતાનો અનુભવ કરી રહ્યા હો અને એવા સમયે અચાનક સોશિયલ વેબસાઈટ ઉપર સોહામણો ચહેરો અને આકર્ષક પ્રોફાઈલ ધરાવતી કોઈ વ્યક્તિ તમારી સામે મૈત્રીનો હાથ લંબાવે છે. તમને સ્વર્ગ વ્હેંત છેટું લાગે છે. તમને તેઓ તમે બાળપણમાં વાંચેલી વારતાઓમાં આવતાં પરી અને રાજકુમાર જેવા લાગે છે અને તમે સાન ભાન ભૂલીને એ સંબંધની વાવનાં એક પછી એક પગથિયાં ઉતરવા લાગો છો….પણ અટકી જાઓ….ક્યાંક તમે વિશ્વનાં હજારો ભોળા લોકોની માફક કેટ ફીશિંગ કે હની ટ્રેપ જેવી છેતરપિંડીનો ભોગ બનવા તો નથી જઈ રહ્યાં ને…?

તમે છેતરાઈ રહ્યાં છો એવું તમને શી રીતે ખબર પડે? ઉલ્લેખનીય છે કે કોઈપણ ગુનેગાર પોતે ગુનો કરવા જઈ રહ્યો છે એ વિશેની કેટલીક એંધાણીઓ કે સંકેતો જાણે અજાણે આપતો જ હોય છે. જો તમે એ સંકેતોને પારખી લો તો કદાચને તમે તમને છેતરનારને પણ છેતરી શકો છો.

જ્યાં આવા કૌભાંડો છાશવારે બને છે તેવાં પશ્ચિમનાં દેશોની એફ.બી.આઈ તથા અન્ય કેટલીક તપાસ સંસ્થાઓએ અનેક ઘટનાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને કેટલાંક આવા સ્પષ્ટ સંકેતો તારવ્યા છે…જે આ પ્રમાણે છે.

૧. માનવામાં ન આવે તેવી વાતોઃ-

ધૂતારાઓ અતિશય આકર્ષક ફોટાઓ તથા તેમનાં આર્થિક કારોબારની માનવામાં ન આવે તેવી ભવ્ય વિગતો તમારી સમક્ષ રજૂ કરે છે. એક અમેરિકન સ્ત્રીને છેતરનાર ધૂતારાએ પોતે અફઘાનિસ્તાનમાં સક્રિય અમેરિકન આર્મીનો કમાન્ડર હોવાની વાત રજૂ કરી હતી તો બીજા એક કિસ્સામાં ધૂતારો દક્ષિણ આફ્રિકામાં હીરાનો જબરદસ્ત ધંધો ધરાવનાર વેપારી તરીકે રજૂ થયો હતો. જોકે વાસ્તવમાં તેઓ બંને નાઈજિરીયન ધૂતારાઓ હોવાનું સાબિત થયું હતું. આથી જો તમને કોઈ વ્યક્તિની ઓળખ વધુ પડતી અવાસ્તવિક લાગતી હોય તો તમારે ચેતી જવું જોઈએ.

૨. સાઈટ ઉપરથી હટી જવાની ઉતાવળ-

ધૂતારાઓ ફેસબુક જેવી એપ્સનો ઉપયોગ કેવળ શિકાર શોધવા માટે જ કરતાં હોય છે. આથી જેવો શિકાર ઝડપાઈ જાય કે તરત તેઓ તેને ઈ-મેઈલ, મેસેન્જર કે પછી વોટસએપ કે પ્રાઈવેટ ફોન ઉપર લઈ જવાની કોશિશ કરતાં હોય છે. તેઓ તેમની અંગત અને રોમેન્ટિક વાતચીતોને ખાનગી રાખવાનાં હેતુથી આમ કરી રહ્યા હોવાનું કારણ ધરે છે.

૩. સંબંધોમાં આગળ વધવાની ઝડપ-

તેઓ સંપર્ક કેળવતાંની સાથે જ આત્મીયતા દર્શાવવાનું શરૂ કરી દેતાં હોય છે. તેઓ સાથે રહેવાનાં અને જીવવાનાં સ્વપ્નો બતાવે છે. તેઓ એવું પણ કહે છે કે તમારા જેવી વ્યક્તિ સાથે સંબંધ થશે તે વાત તેમની કલ્પના બહારની છે. તેઓ ખૂબ ઝડપથી અંગત વિગતોની આપ લે કરવાનું શરૂ કરી દે છે અને થોડા સમયમાં તો પ્રેમનો એકરાર પણ કરી લે છે. તેઓ તમને આ બાબતે વિચારવાની સહેજ પણ નવરાશ આપતાં નથી. તેમના પરિચયથી પ્રેમ સુધીની યાત્રા ખૂબ ઝડપી હોય છે અને એ તેમનાં ધૂતારા હોવાની ઓળખ છે.

૪. વિશ્વાસ સંબંધીત વાતચીત-

ધૂતારાઓ સતત એ બાબતનું ધ્યાન રાખે છે કે તમને કોઈપણ તબક્કે તેમની વાતોમાં શંકા ન જાગે અને તેને માટે તેઓ સતત જાત જાતની યુક્તિ પ્રયુક્તિઓ અજમાવતાં રહે છે. તેઓ તમને સંબંધમાં શ્રદ્ધાનું શું મહત્ત્વ છે એ સતત સમજાવતાં રહે છે. તેઓ તમારા પ્રેમની કસોટી કરવા માંગે છે એવી રજૂઆત કરતાં હોય છે તો ક્યારેક તમને તમારો પ્રેમ પુરવાર કરવાનું આહ્વાન પણ આપતાં હોય છે. મોટે ભાગે છેતરપિંડીની પ્રક્રિયાની શરૂઆત આવી રીતે થતી હોય છે. શિકારનો વિશ્વાસ સંપાદન કરવા માટે કેટલાક કિસ્સાઓમાં લેપટોપ કે પછી વસ્ત્રો અને ઘરેણાં જેવી નાની-મોટી ભેટ સોગાદો આપવામાં આવી હોવાનાં ઉદાહરણો પણ નોંધાયા છે.

૫. રૂબરૂ મુલાકાત ટાળવાનું વલણ-

પ્રણય કૌભાંડોની સહુથી સર્વ સામાન્ય ઓળખ એ હોય છે કે તેમાં ધૂતારાઓ હંમેશાં રૂબરૂ મળવાનું ટાળતાં રહે છે. આ માટે તેઓ જાત જાતનાં બહાના રજૂ કરે છે તેઓ એવું કહેતાં હોય છે કે હું વિદેશમાં નોકરી કરું છે કે પછી સતત મુસાફરીમાં રહું છું. ઘણીવાર પોતે લશ્કરી અધિકારી હોવાનો દાવો પણ કરવામાં આવે છે તો કેટલાક કિસ્સાઓમાં પોતે ખૂબ જ મહાન વ્યક્તિ હોવાથી જાહેર થઈ જવાની બીક લાગે છે એવું પણ કહેવામાં આવે છે.

૬. ભાષાકીય ખામીઓઃ-

જો તમારી સાથે સંબંધ શરૂ કરનાર માણસ પોતાની ઓળખ તમારા દેશનો વતની હોવાની આપતો હોય તો તેની વાતચીતમાં સ્થાનિક ભાષાને લગતી કેટલીક લાક્ષણિક્તાઓ હોવી જોઈએ. તેની ભાષામાં યોગ્ય વ્યાકરણ કે પછી સ્થાનિક શબ્દ પ્રયોગો અને મહાવરાઓનો ઉપયોગ થતો હોવો જોઈએ. જો તે બીજા દેશનો હોય તો એ દેશની પરંપરા અનુસાર તેનાં ઉચ્ચારો હોવા જોઈએ. ઘણીવાર તેની સાથેની વાતચીતમાં તે કહેવા શું માંગે છે તેની આપણને સમજ પડતી નથી હોતી. ધૂતારાઓ મોટે ભાગે વાતચીત દરમ્યાન વધારે પડતી આલંકારીક કે સાહિત્યિક ભાષા વાપરતાં હોય છે. કેટલીકવાર તેઓ વાતચીત દરમ્યાન તેમનાં જ્ઞાાનનો પણ અકારણ ઉપયોગ કરતાં હોય છે. કેટલાક કિસ્સાઓમાં એવું બન્યું છે કે ધૂતારાઓ તેના પ્રોફાઈલમાં કોઈ ચોક્કસ વિષયમાં સ્નાતક કે અનુસ્નાતક હોવાનું જણાવ્યું હોય પણ વાતચીતમાં તેનું એ વિષયનું જ્ઞાાન તદ્ન સાધારણ હોવાનું બહાર આવ્યું હતું. સામાન્ય રીતે તેમની વાતચીતનો હેતું તમને કૃત્રિમ રીતે પ્રભાવીત કરવાનો જ હોય છે.

૭. કમનસીબીની વાર્તાઓ-

શિકાર બરાબર રીતે પોતાની મોહજાળમાં સપડાઈ ચૂક્યો છે એ નિશ્ચિત કરી લીધાં પછી ધૂતારાઓ નાણાકીય માંગણી રજૂ કરવાની પૂર્વભૂમિકા તૈયાર કરે છે અને એ માટે તેઓ પોતાનાં જીવનમાં બનેલી અથવા તો બની રહેલી કમનસીબ ઘટનાઓની વાર્તા ઉપજાવી કાઢે છે. તેઓ ઘણીવાર પોતાને દેવું થઈ ગયું હોવાની, એરપોર્ટ ઉપર કે અકસ્માતમાં ફસાઈ ગયા હોવાની, મોટા આર્થિક લાભ માટે નાની રકમ ચૂક્વવી પડે તેમ હોવાની, પોતાની કોઈ મોંઘી ચીજ વસ્તુની ચોરી થઈ ગઈ હોવાની, તમને પોતાની પાસે બોલાવવાની કે પછી સાથે રાખવાની વ્યવસ્થા કરવાની કે પછી કોઈ સ્વજનના માંદગી કે મરણની વાર્તા કરતાં હોય છે. જોકે મોટા ભાગના કિસ્સાઓમાં ભાવનાત્મક આવેશ પેદા કરવા માટે પોતાની આકસ્મિક માંદગી, અકસ્માત કે પછી ઓપરેશનની વાત રજૂ કરવામાં આવતી હોય છે.

આવા કૌભાંડોથી શી રીતે બચવું:-

૧. તમે જેને કદીએ રૂબરૂ ન મળ્યા હોય અથવા તો તમે જેને સંપૂર્ણ રીતે ન ઓળખતા હોય તેવાં માણસ સાથે અંગત માહિતીની, મોંઘી ચીજ વસ્તુઓની કે પછી નાણાંની લેવડદેવડ કરશો નહીં. જો કોઈ તમારી સાથે સંબંધ વધારીને તમારા ક્રેડિટ કાર્ડ, નાણાકીય રોકાણો કે પછી બેન્કિંગની માહિતી માંગે તો એ સંબંધમાં આગળ વધતાં અટકી જવું જોઈએ.

૨. તમારી સાથે સંબંધ બાંધવા માંગતી વ્યક્તિનાં પ્રોફાઈલમાં દર્શાવેલા ફોટોગ્રાફસ કે પછી અન્ય વિગતોની ખરાઈ કરવા માટે વધારે પુરાવાઓની માંગણી કરવી જોઈએ તથા સહેજ પણ સંકોચ રાખ્યા વગર એ વિશે પ્રશ્નોત્તરી પણ કરવી જોઈએ. એ વ્યક્તિ તમારી પાસે જે કંઈ વાર્તાઓ રજૂ કરે તેમાં રહેલી વિસંગતતાઓ નોંધીને એ વિશે પણ સ્પષ્ટીકરણ માંગવું જોઈએ.

૩. ધૂતારાઓ ઘણીવાર અન્ય વેબસાઈટ ઉપરથી કે બીજા કોઈ સરકારી રેકોર્ડમાંથી ફોટા સહિતની વિગતો ચોરીને પોતાની નકલી ઓળખ ઊભી કરતાં હોય છે. જો તમને આ પ્રકારની કોઈ શંકા રહેતી હોય તો TINEYE.COM કે પછી IMAGES.GOOGLE.COMજેવી વેબસાઈટ ઉપર એ વિગતોની ખરાઈ કરી શકાતી હોય છે.

૪. તમને જ્યારે પણ છેતરાઈ રહ્યાં હોવાનું ભાન થાય કે તુરંત માન અપમાનની કે પછી કોઈપણ પરિણામની કલ્પના કર્યા વિના તમારા જીવનસાથીનો, સગાં સ્નેહીનો કે પછી પોલીસનો સંપર્ક કરવો જોઈએ.

[email protected]