માથા પરની કલગીને કારણે જ તેનું નામ બુલબુલ પડયું! - Sandesh
  • Home
  • Kids Corner
  • માથા પરની કલગીને કારણે જ તેનું નામ બુલબુલ પડયું!

માથા પરની કલગીને કારણે જ તેનું નામ બુલબુલ પડયું!

 | 2:02 am IST

જંગલબુક : નીરવ દેસાઈ

બુલબુલ તેના મીઠામધુરા અને કર્ણપ્રિય અવાજ માટે જાણીતી છે. તેનો અવાજ ખૂબ જ સુંદર હોય છે. બુલબુલ મોટાભાગે રાત્રે જ ગાવાનું પસંદ કરે છે. જોકે નર બુલબુલ જ સુંદર રીતે ગાઈ શકે છે. તેઓ ઝાડની ઊંચી ડાળીઓ પર જઈને મધુર અવાજ કાઢે છે અને તેના મિત્રોને બોલાવે છે. તેઓ માદા બુલબુલને આર્કિષત કરવા માટે મધુર અવાજમાં ગાય છે. વિશ્વમાં બુલબુલની લગભગ ૧૪૦ જેટલી પ્રજાતિ રહેલી છે. ભારતમાં જોવા મળતી પ્રજાતિઓમાં ગુલદુમ બુલબુલ અને સૈનિક બુલબુલ વધારે પ્રચલિત છે. આ બુલબુલ અમેરિકા ખંડ ઉપરાંત દુનિયામાં લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. તેમાં પણ તેઓ એશિયા, યુરોપ અને આફ્રિકામાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

બુલબુલ પક્ષીનો રંગ ઉપરથી રાખોડી અથવા હળવો પીળો હોય છે અને નીચેથી સફેદ હોય છે. તેમજ તેનું માથું કાળા રંગનું હોય છે. તેમના શરીરનું કદ નાનું હોય છે તેમજ તેમની પૂંછડી લાંબી હોય છે. બુલબુલ પક્ષીના માથા પર મરઘાની જેમ કાળા રંગની કલગી હોય છે અને આ કલગીને કારણે જ તેમનું બુલબુલ નામ પડયું. બુલબુલ પક્ષીની પૂંછડીની નીચેના ભાગમાં લાલ રંગ હોય છે, જે બુલબુલ પક્ષીની ઓળખ હોય છે. બુલબુલ પક્ષીનો આકાર લગભગ પંદર સેન્ટીમીટરથી પચ્ચીસ સેન્ટીમીટર જેટલો હોય છે. નર બુલબુલ માદા બુલબુલ કરતાં આકારમાં મોટું હોય છે. બુલબુલની ચાંચમાં બંને બાજુ લાલ રંગનાં ટપકાં હોય છે. માદા બુલબુલ એક વખતમાં લગભગ પાંચ ઈંડાં મૂકે છે. તેમનાં ઈંડાંનો રંગ હળવો ગુલાબી હોય છે. માદા ઈંડાં મૂકીને તેને સેવવાનું કામ કરે છે. નર બુલબુલનું કાર્ય માદા બુલબુલની રક્ષા કરવાનું અને ભોજનની વ્યવસ્થા કરવાનું હોય છે. બુલબુલનાં બચ્ચાં ઈંડામાંથી નીકળ્યા બાદ થોડો સમય માળામાં જ રહે છે. ત્યારબાદ ત્રણથી ચાર દિવસમાં તેઓ ઊડવાનું શીખી જાય છે. બુલબુલનાં બચ્ચાં જન્મે છે ત્યારે તેમની પૂંછડી નીચે લાલ ધબ્બો હોતો નથી પણ આછા પીળા રંગનું એક ટપકું હોય છે. બુલબુલનું મુખ્ય ભોજન ફળ અને બીજ છે. આ ઉપરાંત તેઓ કીડા અને મકોડા પણ આરોગે છે. તેઓ રહેવા માટેનો માળો પાંદડાં અને ઝાડનાં મૂળિયાનો ઉપયોગ કરે છે. તેમનો માળો કપ આકારનો હોય છે.

બુલબુલ પક્ષીને પાંજરામાં પૂરીને રાખવામાં આવતું નથી, કારણ કે તેઓ પાંજરામાં પુરાતાં ડરે છે અને આ ડરના કારણે મૃત્યુ પણ પામે છે. આ કારણે બુલબુલને ટી આકારની રીંગમાં મૂકવામાં આવે છે. તેમાં તેમને દોરીથી પેટને બાંધીને દોરીના બીજા છેડાને બાંધી દેવામાં આવે છે. બુલબુલ પક્ષી તેના અવાજ ઉપરાંત તેની લડાયક પ્રકૃતિને કારણે પણ પાળવામાં આવે છે. કેટલાક શોખીન લોકો આ બુલબુલ પક્ષીને એકબીજા સાથે લડાવતા પણ હોય છે. બુલબુલ પક્ષીનો આયુષ્યકાળ એકથી બે વર્ષનો હોય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન