રાજેન્દ્રનાથ ડોક્ટર બનવા મુંબઇ આવ્યા અને અભિનય તરફ વળ્યા.. - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • રાજેન્દ્રનાથ ડોક્ટર બનવા મુંબઇ આવ્યા અને અભિનય તરફ વળ્યા..

રાજેન્દ્રનાથ ડોક્ટર બનવા મુંબઇ આવ્યા અને અભિનય તરફ વળ્યા..

 | 12:49 am IST

રિયલ રિલેશન :- બિજલ વ્યાસ

રાજેન્દ્રનાથનો જન્મ ૮ જૂન ૧૯૩૧ના રોજ ટિકમગઢ રાજ્યમાં થયો, ટિકમગઢ આઝાદી બાદ મધ્યપ્રદેશનો ભાગ બન્યો. રાજેન્દ્રનાથ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા, તે રીવા સ્ટેટ ખાતે રાજેન્દ્રનાથે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ પરિવારની ઇચ્છા હતી કે તેઓ ડોક્ટર બને. રાજેન્દ્રનાથ બાળપણથી જ પોતાના મોટાભાઇ પ્રેમનાથથી ખૂબ જ નજીક હતા. પ્રેમનાથ અને રાજેન્દ્રનાથના બાળપણની વાત કરીએ તો પ્રેમનાથ અને રાજેન્દ્રનાથને બાળપણમાં તેમના પિતા શાળા જતી વખતે એક આનો વાપરવા માટે આપતા હતા, તે સમયે એક આનો બાળક માટે મોટી વાત કહેવાતી, પ્રેમનાથ નાનાભાઇ રાજેન્દ્રનાથ પાસેથી તે એક આનો લઇ લેતા અને જો તે એક આનો આપવાની ના પાડે તો, રાજેન્દ્રનાથને મારતા પણ હતા. થોડો સમય પસાર થયો ત્યાર બાદ રાજેન્દ્રનાથે આ વાતની જાણ તેમના પિતાને કરી, પિતાએ પ્રેમનાથને ઠપકો પણ આપ્યો. ત્યાર બાદ બધું ઠીક થઇ ગયું. થોડાસમય બાદ રાજેન્દ્રનાથનો પરિવાર રીવાથી જબલપુર ખાતે સ્થાયી થયો. રાજેન્દ્રનાથે ઘરે મોટાભાઇની ફરિયાદ કરી, તેથી બંને ભાઇઓ વચ્ચે મતભેદ તો રહેવા લાગ્યો. પ્રેમનાથ જબલપુર છોડીને મુંબઇ આવવાનું નક્કી કર્યું અને મુંબઇ આવીને પૃથ્વી થિયેટરમાં કામ કરવા લાગ્યા. રાજેન્દ્રનાથ ડોક્ટર બને તેવી ઇચ્છા તેમના પરિવારની હતી, તેથી તે મુંબઇ આવ્યાં. મુંબઇ આવીને એક મોટી મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું વિચાર્યું, પરંતુ એડમિશન તો ન લીધું. મોટાભાઇને થિયેટરમાં કામ કરતા જોઇને રાજેન્દ્રનાથને પણ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા વધવા લાગી, ધીરેધીરે તેમણે પણ એક થિયેટર ગ્રૂપમાં કામ કરવા લાગ્યા. રાજેન્દ્રનાથે ઓલ ઇન્ડિયા રેડિયો તથા રેડિયો સિલોન દ્વારા પ્રસારિત કરવામાં આવતા નાટકોમાં તે કામ કરતા હતા. શરૂઆતના સમયમાં જ્યારે રાજેન્દ્રનાથ મુંબઇ આવ્યા ત્યારે તેમની પાસે કામ પણ ન હતું, મોટાભાઇ પ્રેમનાથ અને ભાભી બીનાએ રાજેન્દ્રનાથને ખૂબ જ પ્રેમથી પોતાની પાસે રાખ્યા. પ્રેમનાથે રાજેન્દ્રનાથને ફિલ્મોમાં કામ અપાવવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ જાણે સફળતા રાજેન્દ્રનાથથી દૂર ભાગી રહી હોય તેમ લાગતું !

ફિલ્મોમાં કામ નથી મળ્યું રહ્યું, આ વાતની જાણ તેમના પરિવારના સભ્યોને થઇ ત્યારે જ તેમના પરિવારે તેમને પાછા ઘરે આવવા માટે કહ્યું, આ ઉપરાંત શહેરનું કે કોઇ સંબંધી જ્યારે પણ મુંબઇ આવે અને રાજેન્દ્રનાથને મળે ત્યારે તેઓ એમ જ કહેતા કે શું રાખ્યું છે આ ફિલ્મોમાં, ચલ પાછો જબલપુર…પરંતુ રાજેન્દ્રનાથની પણ જીદ્દ હતી, કે ફિલ્મોમાં કામ કરીને નામ મેળવવું છે, ધીરેધીરે રાજેન્દ્રનાથે ભાઇનું ઘર છોડીને નાનકડા ગેસ્ટહાઉસમાં રહેવા લાગ્યા. તે સમયે મુંબઇ શહેરમાં એક સ્થળથી બીજા સ્થળે જવા માટે રાજેન્દ્રનાથ સ્કૂટરનો ઉપયોગ કરતા, જ્યારે તેમણે ફિલ્મો દ્વારા સફળતા મેળવી ત્યાર બાદ તેઓએ એક સ્પોર્ટ્સ કાર ખરીદી. રાજેન્દ્રનાથ નાની-મોટી ફિલ્મોમાં કામ કરતા રહ્યા, જેમ કે શરારત, રૂપ કી રાની ચોરો કા રાજા, મિસ ઇન્ડિયા, હમ સબ ચોર હે વગેરે જેવી અનેક ફિલ્મોમાં કોમેડી કરીને લોકોને હસાવતા હતા, પરંતુ રાજેન્દ્રનાથને જેવો રોલ જોઇતો હતો, તેવો રોલ મળી રહ્યો ન હતો.

આ સમય દરમિયાન મોટાભાઇ પ્રેમનાથે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, અને ફિલ્મ બનાવી, ‘પ્રિઝનર ઓફ ગોલ્ફ કોન્ડા’ આ ફિલ્મમાં પ્રેમનાથ મુખ્ય અભિનેતા તરીકે અને રાજેન્દ્રનાથ સહાયક અભિનેતાની ભૂમિકામાં હતા. પ્રેમનાથ અને રાજેન્દ્રને આ ફિલ્મ સાથે ઘણી આશા જોડાયેલી હતી, કે આ ફિલ્મ સફળતા મેળવશે, પરંતુ આ ફિલ્મ નિષ્ફળ રહી. ૧૯૫૯માં આવેલી ફિલ્મ, ‘દિલ દેકે દેખો’ રાજેન્દ્રનાથના કરિયર માટે આ મોટી ફિલ્મ સાબિત થઇ. નાસીર હુસેનની આ ફિલ્મ દ્વારા તેમની એક્ટિંગની નોંધ પણ લેવાઇ ત્યાર બાદ ફિલ્મ ‘જબ પ્યાર કિસીસે હોતા હે’ આ ફિલ્મ પણ નાસીર હુસેનની જ હતી, આ બંને ફિલ્મોએ સફળતા મેળવી. આ ફિલ્મમાં રાજેન્દ્રનાથે ભજવેલી પોપટલાલની ભૂમિકા ખૂબ જ યાદગાર બની, જ્યારે પણ રાજેન્દ્રનાથ વિદેશ જતા, દરેક લોકો તેમને પોપટલાલના નામથી ઓળખતા હતા. રાજેન્દ્રનાથના મિત્રની વાત કરીએ તો સિનેજગતમાં શમ્મી કપૂર સાથે સારી મિત્રતા હતી, તેઓએ એક સાથે અનેક ફિલ્મોમાં કામ પણ કર્યું. આ ખાસ મિત્ર સાથે પછી તો સંબંધ પણ બંધાઇ ગયો, કારણ કે શમ્મી કપૂરના મોટા ભાઇ એટલે કે રાજ કપૂરે રાજેન્દ્ર કપૂરની નાની બહેન ક્રિશ્ના કપૂર સાથે લગ્ન કર્યા. રાજેન્દ્રનાથે સિનેજગતમાં કોમેડિયન કલાકાર તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું. રાજેન્દ્રનાથ માટે કહેવાતું કે તેઓનું માત્ર સીનમાં આવવું જ લોકોને હસાવી દેતું, તથા ડાયલોગ બોલે તો લોકો હસીને લોટ પોટ થઇ જતા. તેવા કોમેડિયન રાજેન્દ્રનાથનું હાર્ટએટેક આવવાથી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ અવસાન થયું.

ક્રિશ્ના કપૂરના મોટા બે ભાઇઓ પ્રેમનાથ અને રાજેન્દ્રનાથને શરૂઆતના સમયમાં સંઘર્ષ કરવો પડયો, તેવો સંઘર્ષનો સામનો તેમના નાના ભાઇ એટલે કે નરેન્દ્રનાથને કરવો પડયો ન હતો. બંને ભાઇઓએ આપેલા ફિલ્મોમાં યોગદાન તથા બહેન ક્રિશ્ના અને બનેવી રાજ કપૂરનો સહયોગ મળ્યો. નરેન્દ્રનાથ મલ્હોત્રાનો જન્મ ૧૯૩૫ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં થયો હતો, બંને ભાઇઓની જેમ નરેન્દ્રનાથને પણ અભિનય ક્ષેત્રમાં જ રસ હતો. અભિનયમાં આગળ વધવાની ઇચ્છા સાથે જ તેઓ મુંબઇ આવ્યા અને ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી. શરૂઆત તેઓએ ફિલ્મમાં આસિસ્ટન ડાયરેક્ટર તરીકે કરી. તેઓએ આસિસ્ટન ડાયરેક્ટર તરીકે ૧૯૬૬માં આવેલી ફિલ્મ આમ્રપાલી, ઝુક ગયા આસમાન, અને પ્રિન્સ જેવી ફિલ્મોમાં કામ કર્યું. નરેન્દ્રનાથની પહેલી ફિલ્મ આમ્રપાલીમાં તેઓએ બુદ્ધની ભૂમિકા ભજવી, નરેન્દ્રનાથે સિનેજગતમાં નકારાત્મક ભૂમિકા અનેક ફિલ્મોમાં ભજવી. નરેન્દ્રનાથે ફિલ્મ વરદાન, રફૂચક્કર, શર્મિલી, ધર્મ કર્મ, લવ ઇન બોમ્બે, હિફાઝત, જવાની દિવાની, કાલા સોના, હોટલ, ગેસ્ટ હાઉસ, કુર્બાની, રક્ષા, દેશ કે દુશ્મન, અજુબા, ખોફનાખ મહેલ વગેરે જેવી અગણિત ફિલ્મમોમાં કામ કયંર્ુ. પરંતુુ કોઇ ફિલ્મમાં તેઓ તેમની આગવી ઓળખ ઊભી કરી શક્યા ન હતા અને વર્ષ ૧૯૯૮માં ૬૩ વર્ષે નરેન્દ્રનાથ મલ્હોત્રાનું અવસાન થયું.