લગ્ન નક્કી કરતાં પહેલાં... - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS

લગ્ન નક્કી કરતાં પહેલાં…

 | 7:10 am IST

યૂથ કોર્નર । વૈદેહી ઓઝા

માણસે માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જરૂરી છે. સારું સ્વાસ્થ્ય જીવનના દરેક તબક્કે ઉપયોગી નીવડે છે. ખાસ કરીને લગ્નજીવનમાં સારા સ્વાસ્થ્યનું ખૂબ મહત્ત્વ છે. લગ્ન-જીવનની જવાબદારીઓ અસંખ્ય હોય છે અને તેને પહોંચી વળવા સ્વસ્થ, તંદુરસ્ત રહેવું આવશ્યક છે.

સ્ત્રી માટે સગર્ભાવસ્થા તેમજ પ્રસૂતિ જીવનની મહત્ત્વની ઘટનાઓ છે અને બંને માટે સ્ત્રીનું તંદુરસ્ત હોવું અત્યંત જરૂરી છે. સ્ત્રીએ લગ્ન પહેલાં ગાયનેકોલોજિસ્ટને મળીને કેટલાંક ટેસ્ટ કરાવીને જરૂર પડે તો ઉપાયો કરી લેવા જોઈએ. વંશાનુગત બાબતો અને શરીરની સ્થિતિ જોઈને ડોક્ટર ટેસ્ટ નક્કી કરી આપશે. તે પછી ડોક્ટર યોગ્ય સલાહ આપશે. પુરુષોએ પણ લગ્ન કરતાં પહેલાં કેટલાંક ટેસ્ટ કરાવી લેવા જોઈએ જેથી બંનેનું જીવન તંદુરસ્ત અને સારી રીતે પસાર થાય. તેઓના સંતાનો પણ તંદુરસ્ત જન્મે. આ ટેસ્ટ કેવા પ્રકારના હોય છે અને તે શા માટે કરાવવા જરૂરી છે તે આપણે જાણવું જોઈએ.

ડાયાબિટીસ

જેઓને ડાયાબિટીસ હોય તેઓએ હૃદયરોગ, રક્તવાહિનીની સમસ્યા તેમજ મૂત્રપિંડની સમસ્યાઓ માટે ખૂબ સાવચેત રહેવું જોઈએ. ડાયાબિટીસથી પીડાતા લોકોમાંથી ત્રીજા ભાગના લોકોને જીવનમાં ક્યારેક ત્વચાના રોગો થાય જ છે. ક્ષતિગ્રસ્ત જ્ઞાાનતંતુઓને કારણે નપુંસકતા આવવી એ પુરુષો માટે મોટી સમસ્યા છે. સ્ત્રીઓમાં આ રોગ જાતીય પ્રવૃત્તિ તરફ ઉદાસીનતા અને સમાગમ સમયે પીડાની સમસ્યા ઊભી કરે છે.

ડાયાબિટીસનો ટેસ્ટ લોહીનું પરીક્ષણ કરીને કરવામાં આવે છે. ડાયાબિટીસ હૃદયરોગ, મગજનો હુમલો (લકવા જેવી તકલીફ) ક્ષતિગ્રસ્ત રક્ત પરિભ્રમણ જેવી સમસ્યા સર્જી શકે છે.

જુવેનાઈલ-ડાયાબિટીસ સંતાનોમાં ખામી ઊભી કરે છે. તેથી દંપતીએ પરસ્પર આ અંગે નિખાલસતાથી વાત કરીને તેનો ઉપાય કરવો જોઈએ.

થેલિસિમિયા

આ રોગ રક્તકણોની સંખ્યાને ઘટાડે છે. આ રોગ વારસાગત છે. આ રોગ જો વધી જાય તો અસરગ્રસ્તને બ્લડ-ટ્રાન્સફ્યુઝન દ્વારા આજીવન લોહી આપવું પડે છે.

લગ્ન અગાઉ સ્ત્રી-પુરુષે આ ટેસ્ટ કરાવવો જરૂરી છે. કારણ કે આ રોગના કોઈ બાહ્ય ચિહ્નો જણાતાં નથી. આ ટેસ્ટ લોહીના પરીક્ષણથી કરી શકાય છે. થેલિસિમિયા (માઈનોર)ના દર્દી એવા માતા-પિતાના સંતાનોને થેલેસેમિયા-મેજર થવાની સંભાવના પચીસ ટકા જેટલી રહે છે. આ રોગ ગંભીર પ્રકારનો અને ઘાતક છે.

એચ.આઈ.વી. (હ્યુમન-ઈમ્યુનોડેફિશન્સી  વાઈરસ)

આ રોગ મૂળભૂત રીતે શરીરમાં ચેપો પેદા કરે છે. જેનાથી શરીરની પ્રતિરોધક-શક્તિ નાશ પામે છે. આ ચેપોના લક્ષણો છૂપા રહે એવું બની શકે છે. અસરગ્રસ્ત વ્યક્તિ આ રોગની હાજરીથી સંપૂર્ણ અજાણ રહે છે. જાતીય સમાગમ દ્વારા આ રોગનો ફેલાવો થાય છે. અસરગ્રસ્ત સ્ત્રી-પુરુષના સંતાનોમાં આ રોગ આવી શકે છે. તેથી તેનો ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે. આ રોગનું નિદાન રક્ત પરીક્ષણ દ્વારા થાય છે.

એઈડ્સ (એક્વાયર્ડ-ઈમ્યુન-ડેફિશન્સી-સિન્ડ્રોમ) એ આ રોગનું વધી ગયેલું સ્વરૂપ છે. આ તબક્કે ખૂબ નુકસાન થઈ ચૂક્યું હોય છે. આ સ્થિતિમાં શરીરમાં અનેક ચેપો અને અનેક પ્રકારના કેન્સર થઈ શકે છે.

હેપિટાઈટિસ-બી

આ રોગનો ચેપ એચ.આઈ.વી. કરતાં પણ વધુ ફેલાય છે. આ રોગ અંગેની જાગૃતિ ખૂબ ઓછી છે.

આ રોગનો ચેપ જાતીય-સમાગમથી લાગે છે અને અસરગ્રસ્ત વ્યક્તિને તેની જાણકારી હોતી નથી. આ પ્રકારના કિસ્સામાં સાથીદાર હેપિટાઈટિસ-બીના વેક્સિન લઈને રક્ષણ મેળવી શકે છે. લગ્ન પહેલાં તેના વેક્સિન લઈ શકાય.

આ રોગનું નિદાન રક્ત પરીક્ષણ દ્વારા કરવામાં આવે છે. સ્ત્રી જો ‘હેપીટાઈટિસ-બી’ પોઝિટિવ (રોગથી પીડાતી હોય) હોય અને કોઈ અગમચેતી ના રાખે તો સગર્ભાવસ્થામાં અથવા પ્રસૂતિ બાદ બાળક આ રોગનો ભોગ ગમે ત્યારે બની શકે છે. તેથી હેપીટાઈટિસ-બી નેગેટિવના દર્દીઓએ લગ્ન પહેલાં તેનું વેક્સિન લઈ લેવું જોઈએ. જો લગ્ન અગાઉ વેક્સિન ના લેવાય તો ગર્ભધારણ કરતાં પહેલાં વેક્સિન લઈ લેવું જોઈએ.

સામાન્ય પ્રકારના રોગો

રૂબેલા અને અછબડા (ઓરી અને અછબડા)

ખાસ કરીને સ્ત્રીઓએ આ ચેપોનું પરીક્ષણ કરાવી લેવું જોઈએ. જો નેગેટિવ હોય તો લગ્ન પહેલાં તેનું વેક્સિન લઈ લેવું જોઈએ. સગર્ભાવસ્થામાં જો આ ચેપ લાગે તો ખૂબ જોખમી છે.

એસ.ટી.ડીઝ (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ  ડિસિઝીઝ)

આ પ્રકારના રોગોમાં હર્પીસ અને સિફિલિસ વધુ જોવા મળે છે. આ રોગોની હાજરી, રક્ત-પરીક્ષણ અથવા અન્ય પરીક્ષણો દ્વારા જાણી શકાય છે. તે પછી તેનો ઉપચાર સમયસર કરવામાં આવે તો લગ્ન તેમજ પ્રસૂતિમાં કોઈ સમસ્યા નડતી નથી.

બ્લડ ગ્રૂપ ટેસ્ટિંગ (લોહીના ગ્રૂપનું પરીક્ષણ)

સ્ત્રી જો ‘આર.એચ. નેગેટિવ’ હોય અને પુરુષ ‘આર.એચ. પોઝિટિવ’ હોય તો બ્લડ-ગ્રૂપનું પરીક્ષણ કરાવવું જરૂરી છે. આ સમસ્યાનો ઉકેલ સરળ છે. સગર્ભાવસ્થામાં અથવા પ્રસૂતિ બાદ ‘એન્ટિ-ડી’નું એક ઈન્જેક્શન લઈને ભવિષ્યની તકલીફોને રોકી શકાય છે.

વંશાનુગત સમસ્યાઓ

કેટલીક કોમમાં નજીકના સગાં-વહાલાં, લોહીના સંબંધવાળી વ્યક્તિઓ સાથે લગ્ન કરવાની પ્રથા હોય છે. આ પ્રકારના લગ્નોમાંથી જન્મતાં બાળકોમાં વંશાનુગત રોગોનું જોખમ અનેકગણું વધી જાય છે. આ પ્રકારના લગ્ન નક્કી કરતાં પહેલાં કુટુંબમાં વારસાગત રીતે જોવા મળતી આરોગ્ય સંબંધી તકલીફોને ધ્યાનમાં લેવી જરૂરી છે. ‘કાર્યોટાઈપિંગ’ નામનો ટેસ્ટ સ્ત્રી-પુરુષ બંનેની વારસાગત ખામીઓને પ્રકાશમાં લાવે છે. જે આગળ જતાં તેમના સંતાનોમાં ગંભીર પ્રકારની તકલીફો સર્જી શકે છે.

સ્ત્રીઓની સમસ્યાઓ

સ્ત્રીઓમાં ફાઈબ્રોઈડ્સ, એન્ડોમિટ્રિયોસીસ, એડેનોમાયોસિસ, અંડાશયની ગાંઠો વગેરે સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓ જો સમયસર ધ્યાનમાં આવે અને તેનો ઈલાજ થાય તો દૂર થઈ શકે છે. તપાસ અને સોનોગ્રાફી દ્વારા આ તકલીફોનું નિદાન થઈ શકે છે. માસિક-ધર્મના સ્રાવ, અતિશય, અનિયમિત અને પીડાદાયક હોય તો પણ ડોક્ટર દ્વારા તપાસ કરાવવી જોઈએ. આ બધી તકલીફો યુવાન સ્ત્રીને પણ જોવા મળે છે.

હોર્મોનની સમસ્યા

યુવાન સ્ત્રીઓમાં પચીસથી ત્રીસ ટકા જેટલી સ્ત્રીઓમાં ‘પોલિસિસ્ટિક-ઓવરિયન-સિન્ડ્રોમ’ જોવા મળે છે. આ તકલીફને કારણે વજનમાં વૃદ્ધિ, ખીલ-ફોડકી, વધુ રુવાંટી, અનિયમિત માસિકસ્રાવ, વ્યંધ્યત્વ, કસૂવાવડ વગેરે જેવા લક્ષણો પ્રગટ થાય છે. યોગ્ય ઉપચાર કરીને આ લક્ષણોને દૂર કરી શકાય છે. થાઈરોઈડનો ટેસ્ટ કરાવીને જરૂર પડે તો ઉપચાર કરી શકાય છે.