Before the rain, there is a sense of nature that something will come
 • Home
 • Featured
 • વરસાદ પહેલા પ્રકૃતિનો અણસાર હોય છે કંઇક આવો

વરસાદ પહેલા પ્રકૃતિનો અણસાર હોય છે કંઇક આવો

 | 12:51 pm IST

વિવિધા । જ્યોતિષ શાહ

ગરમી શરૂ થતાં વરસાદની રાહ જોવાય છે. ચોમાસું ક્યારે આવશે, આ વર્ષે વરસાદ કેવો થશે, આ વિશે સૌ હવામાન ખાતા પર મદાર રાખીને બેઠા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રકૃતિ અને પશુ પક્ષી સૌથી મોટા મોસમ વૈજ્ઞાનિકો છે અને તેઓ વરસાદ આવતાં પૂર્વે જ પોતે જ કેટલાય પ્રકારના સંકેત આપવા માંડે છે. વૃક્ષ-છોડ, કીડી- મકોડા, કૂતરાં-બિલાડી, આકાશમાં ઊડતા પક્ષી બધાં જ એ દર્શાવી શકે છે કે આ વર્ષે વરસાદ કેવો થશે કે પછી હવે જલદીથી વરસાદ આવવાનો છે કે નહીં? તમે પણ તમારી આસપાસ આવા સંકેતોને સમજતાં શીખો…

 • પક્ષીઓ જો આકાશમાં ઊંચે ઊડી રહ્યા હોય તો તે સારા મોસમનો સંકેત છે પરંતુ જો તે બહુ નીચા ઊડી રહ્યા હોય તો એનો મતલબ છે કે આંધી- તોફાન આવવાનું છે. કેટલાક લોકોનું માનવું છે કે પક્ષીઓના નીચે ઊડવાને કારણે તેઓ સૂક્ષ્મ કીડી-મંકોડાને ખાઈને પેટ ભરી લેવા ઇચ્છે છે.
 • આંધી આવતા પૂર્વે પક્ષીઓ જોર-શોરથી બોલવા લાગે છે. એમનો વ્યવહાર પણ થોડો અસામાન્ય થવા લાગે છે.
 • ચકલીને જ્યારે પણ ધૂળમાં આળોટતી જુઓ, તો સમજી લો કે જલદી વરસાદ આવવાનો છે. એ જો પાણીમાં નહાવા લાગે તો, એ સૂકાનો સંકેત છે.
 • મરઘો જો રાત્રે સૂતા પૂર્વે બાંગ પોકારે તો એ વરસાદ આવવાનો સંકેત છે.
 • મેના જ્યારે પાણીમાં નહાવા લાગે, તો એના થોડા દિવસ પછી અવશ્ય વરસાદ આવશે.
 • ટીટોડી પક્ષી પોતાના ઈંડા સામાન્ય રીતે માટીમાં કે કોઈ નીચી જગ્યા પર મૂકે છે પરંતુ જ્યારે તે ઊંચાઈ પર ઈંડા મૂકે, તો એ દર્શાવે છે કે આ વખતે બહુ વરસાદ પડશે. તો કેટલાક લોકોનું એવું માનવું પણ છે કે જો તે એક ઈંડુ આપશે તો એક માસ વરસાદ આવશે, બે ઇંડાનો મતલબ ૨ મહિના અને ચાર ઈંડાનો મતલબ એ કે પૂરા ૪ માસ વરસાદ આવશે.
 • મોટે ભાગે ઘુવડ રાત્રે બોલે છે, પરંતુ જો તેના અવાજમાં બદલાવથી પછીના દિવસની મોસમ સારી છે કે ખરાબ એની ખબર પડે છે.
 • જો રાત્રે બહુ વધુ પડતા ચામાચીડિયા ઊડે તો બીજા દિવસે સારા વરસાદના સંકેત છે.
 • તોફાન આવતાં પૂર્વે સાપ પોતાના દરમાંથી બહાર નીકળી આવે છે
 • દેડકા જો મોટા અને લાંબા અવાજથી ટર્ર ટર્ર ટર્ર કરવા લાગે, તો વરસાદ આવે છે, પરંતુ જો તે ધીમે અને મીઠા સ્વરમાં ગાય, તો બીજા દિવસે આસમાન સાફ રહેશે. તે વરસાદ પૂર્વે કોઈ ઊંચી જગ્યા પર ચાલ્યા જાય છે.
 • નદી કિનારે બેઠા હોવ, અને માછલીઓે જો પાણીમાંથી જલદી-જલદી બહાર આવતી દેખાઈ દે તો સમજી લો કે જલદી વરસાદ આવવાનો છે. ખરેખર તે વરસાદની પહેલાં નાના નાના કીડી-મંકોડાને ખાઈને પોતાનું પેટ ભરી લેવા ઈચ્છે છે.
 • વરસાદ આવતા પૂર્વે દીમક પોતાનો માળો બનાવી લે છે, નહિતર હવામાં ઊડતાં રહે છે. પરંતુ જો એ ઝુંડમાં નજરે આવે તો આવનારા દિવસોમાં તેજ ગરમીનો સંકેત છે.
 • એવું મનાય છે કે ઝીંગુર જ્યારે બોલવાનું શરૂ કરે તો એ ગણો કે ૧૪ સેકન્ડમાં એ કેટલીકવાર બોલ્યું. પછી તેમાં ૪૦ જોડી લો. જે સંખ્યા આવશે , એ ફેરનહીટમાં એ સમયનું તાપમાન રહેશે. એમાં એકાદ-બે ડિગ્રીનો ફરક પડી શકે છે.
 • તોફાન આવતાં પૂર્વે હવાનું દબાણ ઘટી જાય છે, એવી દશામાં ગાય નીચે સૂઈ જાય છે. મોસમ ખરાબ થવા લાગે, તો ગાય અને ઘેટાં પરસ્પર જોડાઈને બેસી જાય છે.
 • બિલાડી જો બેઠાં- બેઠાં પોતાની પૂંછડી હલાવવા લાગે, જેમ કે એને વીજળીનો કરન્ટ લાગ્યો હોય તો બહુ જલદીથી વરસાદ આવવાનો છે. વરસાદ આવતાં પૂર્વે બિલાડી પોતાનો પંજો પણ ચાટવા લાગે છે અને પોતાનો ચહેરો લૂછવાનું શરૂ કરી દે છે. તોફાન આવતાં પહેલા બિલાડીઓ હદ કરતાં ય વધુ એક્ટિવ બની જાય છે.
 • તોફાન આવતાં પૂર્વે સૂવર વૃક્ષની ડાળીઓ અને ઘર બનાવવાનો સામાન એકઠો કરવા લાગે છે.
 • વરસાદના બરાબર ૪૫ દિવસ પહેલાં અમલતાસનું વૃક્ષ ફૂલોથી લદાઈ જાય છે અને જો લીમડાનું વૃક્ષ પણ ફૂલોથી ભરાઈ જાય તો એ સંકેત છે કે આ વર્ષે બહુ વરસાદ આવશે.
 • હવામાન સાફ હોય, તો ગરોળી બહાર દેખાવા લાગે છે પરંતુ વરસાદ આવતાં પહેલાં તે છુપાઈ જાય છે.
 • ઘરની અંદર જો કીડીઓ ખાવાનું લઈને અને લાઈન બનાવીને પોતાના ઘર ભણી જતી જોવા મળે તો એ વરસાદ આવવાનો સંકેત છે અને એ અલગ અલગ વિખેરાઈને ચાલી રહી હોય તો એ દર્શાવે છે કે, મોસમ સાફ રહેવાનું છે.
 • વરસાદ આવતાં પૂર્વે ઊડતાં કીટકો પણ જોવા મળે છે.
 • જો સૂકા પણું આવવાનું હોય તો કીડીઓ આક્રમક અને અસામાન્ય વ્યવહાર કરવા લાગે છે.
 • પશુ-પક્ષીઓ ઉપરાંત ચાંદો પણ તમને વરસાદના આગમનનો સંકેત આપે છે. ચાંદની ચારેય બાજુ જો એક ગોળ રિંગ દેખાય, તો પછીના ત્રણ દિવસમાં વરસાદ જરૂર આવશે.
 • રાતે ચાંદો હળવી લાલિમાયુક્ત નજરે ચડે તો મતલબ કે વાતાવરણમાં ધૂળ છે, જો તે ચમકદાર હોય અને તે જ રોશની આપી રહ્યો હોય તો એનો મતલબ એ છે કે લો એરપ્રેશરને કારણે ધૂળ સાફ થઈ ગઈ છે અને જલદીથી વરસાદ આવવાનો છે.
 • ઉનાળાની રાતમાં જો ખુલ્લામાં કેમ્પ ફાયર કરવાનો શોખ હોય તો એમાંથી ઉદ્ભવતી આગની લપેટો પર દૃષ્ટિ કરો. આગ સળગાવવાથી એમાંથી આગની લપેટો જો સીધી ઉપરની દિશામાં જાય, તો સાફ મોસમનો અને જો એ ગોળ- ગોળ ઘુમતી ઘુમતી નીચેની તરફ ફેલાઈ, તો એ હવાનો નિમ્ન દબાણનો સંકેત છે. અર્થાત્ વરસાદ બહુ જલદી આવવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન