Begin to write sentences with many pictures! Learn the facts
  • Home
  • Kids Corner
  • અનેક ચિત્રો વડે વાક્યો લખવાની શરૂઆત થઈ! જાણો હકીકત

અનેક ચિત્રો વડે વાક્યો લખવાની શરૂઆત થઈ! જાણો હકીકત

 | 5:05 pm IST

જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા

આદિમાનવોએ ચિત્ર દોરતાં શીખવાની શરૂઆત કરી તો જેને ચિત્ર દોરતાં આવડે એનું માન વધી ગયું. આજની ભાષામાં કહીએ તો એ શિક્ષિત ગણાવા લાગ્યો. આજે જેમ સંસ્કૃત ભાષાનું લખાણ વાંચી શકે અથવા પ્રાકૃત ભાષા વાંચી સમજી શકે એને માન આપવામાં આવે છે, એમ આદિમાનવોના જમાનામાં ચિત્ર દોરી શકે (લખી શકે) એને માન આપવામાં આવતું હતું.

બધા માન આપવા લાગ્યા તો અન્ય લોકોને પણ થયું કે ચિત્ર દોરતાં શીખી લઈએ. એમ કરતાં ઘણા બધા આદિમાનવો ચિત્ર દોરવા લાગ્યા. ચિત્ર દોરવાનું કામ પ્રેક્ટિસનું છે. જો એ સતત કરો તો પછી ધીમેધીમે એવી સ્થિતિ આવે કે તમે ખૂબ સરળતાથી ચિત્રો દોરી શકો. આદિમાનવોમાં પણ ચિત્ર દોરનારા પછીથી ખૂબ સહેલાઈથી ચિત્ર દોરવા લાગ્યા. એમણે એક જ ચિત્ર દોરવાને બદલે આખી વાત જોનારને સમજાઈ જાય એ રીતે અનેક ચિત્રો દોરવા માંડયાં.

દા.ત.: ઉપર આપણે જોયું એમ ખૂબ બધાં હરણ શિકાર કરી શકાય એવાં છે અને નજીકમાં છે એ વાત ચિત્રો દોરીને કહેવી હોય તો એ લોકો અનેક હરણ દોરતા, પછી નજીક નજીક ગુફા અને હરણ દોરતા, કઈ દિશામાં છે એ બતાવવા માટે દિશાની લીટી બનાવતા અને પછી તીર કે ભાલો દોરી લેતા હતા. આ ચિત્ર જોનાર ચિત્રો જોઈને જરાય ભૂલ વગર સમજી જતો કે અનેક હરણ નજીકમાં જ છે જેનો શિકાર કરી શકાશે. તરત જ એક ટોળી તૈયાર થઈ જતી અને હરણનો શિકાર કરવા નીકળેલી અગાઉની ટોળી સાથે મળી જતી. બધા મળીને ખૂબ બધો શિકાર કરી લાવતા હતા.  પછીથી કહેનાર જે વાત કહેવા માગતો હોય એને ચિત્ર દોરનાર ચિત્ર બનાવીને પૂછતો આવું? કહેનાર હા પાડે તો માની લેવાતું કે આ ચિત્ર જોઈને જોનાર સાચી વાત સમજી જશે. એકની બાજુમાં એક એમ અનેક ચિત્રો દોરીને આખી વાત કહી દેવાનું ચલણ વધવા લાગ્યું.

વર્ષો વીતતાં ગયાં અને સદીઓ વીતતી ગઈ એમએમ ચિત્ર દોરનાર વધતા ગયા. વધુમાં વધુ લોકો ચિત્ર દોરીને વાત સમજાવી શકે એ માટે ચિત્રો સહેલાં બનવા લાગ્યાં. તમને નવાઈ લાગશે કે ચિત્રો સરળ બનતાં બનતાં આજના અક્ષર બની ગયા છે. આપણે ત્યાં અક્ષરોમાં હજી ઘણા બધા મરોડ આવે છે. ચીનની લિપિમાં તો જાણે હજી ચિત્રની બાજુમાં ચિત્ર જ દોરવામાં આવે છે, પરંતુ યુરોપની ભાષાઓ, ખાસ કરીને અંગ્રેજી ભાષામાં તો અક્ષરો ખૂબ જ સહેલા બનાવી દેવામાં આવ્યા. એમ કરતાં આજની એ, બી, સી, ડી અથવા ક, ખ, ગ, ઘ અક્ષરોના આકાર બન્યા છે.

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન