વ્યક્તિગત આવકવેરાના TWO-TIER દર માળખાના નવા યુગનો શરતોને આધીન પ્રારંભ ! – Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Business
 • વ્યક્તિગત આવકવેરાના TWO-TIER દર માળખાના નવા યુગનો શરતોને આધીન પ્રારંભ !

વ્યક્તિગત આવકવેરાના TWO-TIER દર માળખાના નવા યુગનો શરતોને આધીન પ્રારંભ !

 | 8:11 am IST

૧લી એપ્રિલ, ૨૦૨૧થી શરૂ થતા નવા આકારણી વર્ષ ૨૦૨૧-૨૨થી વ્યક્તિ તેમજ એચ.યુ.એફ. હોય તેવા કરદાતાઓએ અગાઉની જૂની યોજના કે કલમ ૧૧૫બીએસી હેઠળ અમલી બનાવાયેલ નવી યોજના હેઠળના આવકવેરા દરની પસંદગી કરવાની રહેશે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના વ્યક્તિગત આવકવેરાના દરોને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ તેમજ ૨૦૨૧-૨૨ માટે યથાવત્ રખાયા છે. પરંતુ સાથોસાથ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧થી વ્યક્તિ તેમજ એચ.યુ.એફ. હોય તેવા કરદાતાઓને, નિયત શરતોને આધીન, આવકવેરાના નવા રાહતકારક દર-માળખાનો લાભ લેવાની પસંદગી કરવાની તક પણ આપવામાં આવી છે.

રાહતકારક આવકવેરા દરનો લાભ લેવાય તો કઈ કપાત-કરમુક્તિઓ-રાહતો મળી શકશે નહીં ?

 • કલમ ૧૧૫બીએસી હેઠળના રાહતકારક આવકવેરા દરનો લાભ લેવા ઇચ્છતા વ્યક્તિ તેમજ એચ.યુ.એફ., રહીશ કે બિનરહીશ હોય તેવા તમામ કરદાતાઓને, તેમની કુલ કરપાત્ર આવકની ગણતરીના હેતુસર, નીચે જણાવેલી કરમુક્તિ, કપાત કે રાહતોના લાભ મળી શકશે નહીં :
 • પગારદાર કરદાતાના કેસમાં, કલમ ૧૦ (૫) હેઠળ લીવ ટ્રાવેલ કન્સેશન (LC), કલમ ૧૦ (૧૩એ) હેઠળ હાઉસ રેન્ટ અલાવન્સ (HRA), કલમ ૧૦ (૧૪) હેઠળ નોકરીને સ્પર્શતા નિર્દિષ્ટ ભથ્થાંને લગતી કરમુક્તિઓ તેમજ કલમ ૧૬ હેઠળ મળવાપાત્ર કપાતો, જેમ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન અને પ્રોફેશનલ ટેક્સ તથા કોઈપણ કાયદા હેઠળ મળવાપાત્ર કરમુક્તિ કે કપાતને પાત્ર ભથ્થું (Allowance) કે સવલત (Perquisite).
 • કલમ ૧૦ (૧૭) હેઠળ સંસદ સભ્ય કે વિધાનસભાના સભ્યને મળતા ભથ્થાં.
 • સગીર વયના બાળકની ક્લબિંગને પાત્ર આવકમાંથી, કરદાતાને બાળકદીઠ કરમુક્ત મળવાપાત્ર કલમ ૧૦ (૩૨) હેઠળ નિયત રૂ. ૧,૫૦૦ની રકમ.
 • અંગત ઉપયોગના રહેઠાણ માટેની મકાન મિલકત જેનું વાર્ષિક મૂલ્ય શૂન્ય ગણવામાં આવે છે તેના સંદર્ભમાં, કલમ ૨૪ હેઠળ મળવાપાત્ર રૂ. ૨ લાખ સુધીના હાઉસિંગ લોન ઉપર ચૂકવવા પાત્ર વ્યાજ.
 • કલમ ૫૭ હેઠળ ફેમિલી પેન્શન મેળવવાને હક્કદાર કરદાતાના કેસમાં મળવાપાત્ર સ્ટાન્ડર્ડ ડિડક્શન.
 • આવકવેરાના કાયદાના Chapter VI-A હેઠળ કુલ ગ્રોસ આવકમાંથી કલમ ૮૦ની શ્રેણી હેઠળ મળવાપાત્ર વિવિધ કપાતો. આ યાદીમાં સમાવેશ થતી નોંધપાત્ર કપાતોમાં, કલમ ૮૦સી હેઠળ નિયત રોકાણ કે ખર્ચ, કલમ ૮૦ડી હેઠળ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી કે તબીબી સારવાર ખર્ચ, કલમ ૮૦ઇ કે ૮૦ઇઇએ હેઠળ ઉચ્ચ શિક્ષણ કે હાઉસિંગ માટે લોન સંબંધી વ્યાજની ચુકવણી, કલમ ૮૦જી કે ૮૦જીજીએ હેઠળ નિયત દાન, કલમ ૮૦જીજી હેઠળ ભાડાની ચુકવણી, કલમ ૮૦ટીટીએ કે ૮૦ટીટીબી હેઠળ નિયત બેન્ક વ્યાજ તેમજ કલમ ૮૦ડીડી કે ૮૦ ડીડીબી હેઠળ શારીરિક કે માનસિક રીતે અશક્ત કે ગંભીર રોગ કે બીમારીથી પીડિત કરદાતા કે તેના આશ્રિતોની સારવાર સંબંધી ખર્ચ તથા કલમ ૮૦યુ હેઠળ દિવ્યાંગોને મળતી કપાત, વગેરેનો સમાવેશ કરાયો છે.
 • Chapter VI-A હેઠળ નહીં મળી શકતી કલમ ૮૦ની શ્રેણી હેઠળની ઉપરોક્ત કપાતોના સંદર્ભમાં અપવાદ કરીને, નીચે જણાવેલી બે કપાતો નવી યોજના હેઠળ પણ મળી શકશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે :
 • કલમ ૮૦સીસીડી (૨) અન્વયે કર્મચારીના માલિક દ્વારા કર્મચારીના NPS ખાતામાં જમા કરાતા ફાળાને નિયત મર્યાદામાં આવકવેરાને પાત્ર ગણવામાં આવતી નથી, તે પ્રવર્તમાન જોગવાઈ ચાલુ રહેશે.
 • જો વ્યક્તિ કે એચ.યુ.એફ. દ્વારા સ્વમાલિકીના ઔદ્યોગિક એકમમાંથી નફો દર્શાવાતો હોય, તો તેવા કેસમાં ૮૦જેજેએએ અન્વયે નવા ઔદ્યોગિક કામદારોને રોજગાર સંબંધી વિશિષ્ટ કપાતનો મળવાપાત્ર લાભ પણ મળી શકશે.
 • ધંધા-વ્યવસાયની આવક મેળવતા કરદાતાના કેસમાં કલમ ૩૨ હેઠળ મળવાપાત્ર વધારાના ઘસારા (Additional Depreciation), કલમ ૩૫એડી હેઠળ નિયત ધંધા (Specified Business) માં કરાતા રોકાણ સંબંધી તેમજ કલમ ૩૨એડી, ૩૩એબી, ૩૩એબીએ, ૩૫ (૧) (૨), (૨એ), (૩), (૨એએ) તથા ૩૫સીસીસી હેઠળ મળવાપાત્ર કપાતના લાભ મળી શકશે નહીં.
 • અગાઉના વર્ષ માટેનો એવો કોઈ Carried Forward Loss, જે ઉપરોક્ત કપાતોના કારણે ઉદ્ભવ્યો હોય, તેવા Loss સંબંધી Set-off નો કોઈ લાભ પણ મળી શકશે નહીં.
 • મકાન-મિલકતમાંથી આવકના શીર્ષક હેઠળ ઉદ્ભવતી નુકસાનની કોઈપણ રકમ અન્ય આવક સામે સેટ-ઓફ કરી શકાશે નહીં.
 • કરદાતાના સ્વમાલિકીના ધંધા વ્યવસાયના કેસમાં, અગાઉના કોઈ વર્ષ સંબંધી અસમાવિષ્ટ ઘસારા (unabsorbed Depreciation) ની રકમને, જે આકારણી વર્ષથી શરૂ કરીને કરદાતા કલમ ૧૧૫બીએસીના રાહતકારક આવકવેરાના દરનો લાભ લેવાની પસંદગી કરે, તે વર્ષ પૂર્વેના Block of Assetsની Written Down Value માં ઉમેરવામાં આવશે.
 • ઉપરોક્ત સંદર્ભમાં એ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે ઉપર જણાવ્યા મુજબના Loss સિવાયના,ધંધાકીય નુકસાન (Business Loss) સંબંધી, Set-off તેમજ Carry Forward and Set-off ના પ્રવર્તમાન લાભ લેવા અંગે કોઈ નિયંત્રણ મુકાયું નથી.
 • કલમ ૧૧૫બીએસીના હેતુસર, કલમ ૩૨ હેઠળ સામાન્ય ઘસારાનો લાભ મળી શકશે, પરંતુ કલમ ૩૨ (૧) (૨એ) હેઠળ વધારાના ઘસારા (Additional Depreciation) ની કપાત મળી શકશે નહીં.
 • આ ઉપરાંત મૂડી-નફાની આવક સામે નુકસાનના Set-off કે Carry Forward સંબંધી મળતા પ્રવર્તમાન લાભ ઉપર પણ કોઈ નિયંત્રણ મુકાયું નથી.

નવી યોજના હેઠળ પણ ક્યા કરમુક્તિ-કપાતના લાભ ચાલુ રહેશે ?

 • કલમ ૧૧૫બીએસી હેઠળ સ્પષ્ટતા કરાયા મુજબ કલમ ૮૦સીસીડી(૨) તેમજ કલમ ૮૦જેજેએએની વિશિષ્ટ કપાતોને અપવાદરૂપ ધોરણે રાહતને પાત્ર ગણવામાં આવશે.
 • Memorandum Explaining Provisions of the Finance Bill માં આ સંબંધી સ્પષ્ટતા કરાયા મુજબ કલમ ૧૦ (૧૪) હેઠળ નિયત નોટિફાઇડ કરમુક્ત ભથ્થાં પૈકી, દિવ્યાંગ કર્મચારીના કેસમાં રૂ. ૩,૨૦૦નું માસિક ટ્રાન્સપોર્ટ અલાવન્સ તેમજ કર્મચારીને તેની નોકરી પરની ફરજો બજાવવા માટે અપાતા કન્વેયન્સ, ટૂર-ટ્રાન્સફર તથા ડેઇલી અલાવન્સ સંબંધી કલમ ૧૧૫બીએસીનો લાભ લેવામાં આવ્યો હોય તેવા કેસમાં પણ કરમુક્તિના પ્રવર્તમાન લાભ મળી શકશે.
 • આ ઉપરાંત આવકવેરા કાયદા હેઠળ મળવાપાત્ર અન્ય કરમુક્તિ કે કપાત, જેમ કે ભાડાની આવકમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન, પગારદારને નિવૃત્તિ સમયે ગ્રેચ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ કે લીવ એન્કેશમેન્ટની મળતી કરમુક્ત રકમો, Tax Free Bond, PPF કે SSY ના કરમુક્ત વ્યાજ, ખેતીની આવક સંબંધી પ્રવર્તમાન કરમુક્તિઓ, મૂડી-નફા સંબંધી પ્રવર્તમાન કરમુક્તિઓ તથા કલમ ૮૭એ હેઠળ આવકવેરા રિબેટની રાહત વગેરેના લાભ, કલમ ૧૧૫બીએસીની નવી યોજનાની પસંદગી કરતા કરદાતાઓને મળી શકશે.

ધંધા-વ્યવસાયની આવક ન હોય તેવા કરદાતાને વર્ષો-વર્ષ પસંદગી કરવાની છૂટ !

કલમ ૧૧૫બીએસી હેઠળ કરાયેલ સ્પષ્ટતા અનુસાર, જે કરદાતાના કેસમાં ધંધા કે વ્યવસાયની આવક ન હોય, તેવા કરદાતા તેનું આવકવેરા રિટર્ન ભરવા માટેની નિયત તારીખ સમયે, આ કલમ હેઠળના લાભ લેવાની તેની પસંદગીનો હક્ક અખત્યાર કરી શકશે. આવી પસંદગી કરદાતા વર્ષો-વર્ષ, પોતાની ઇચ્છા અનુસાર બદલી પણ શકશે.

ધંધા કે વ્યવસાયની આવક મેળવતા કરદાતાના કેસમાં, એકવાર આ કલમ હેઠળના લાભની પસંદગી કરવામાં આવે તો ત્યારબાદ, માત્ર એકવારના અપવાદ સિવાય, તેણે કરેલ પસંદગીમાં કોઈ ફેરબદલ કરી શકાશે નહીં. અલબત્ત, ભવિષ્યમાં આવા કરદાતાની ધંધા-વ્યવસાયના શીર્ષક હેઠળ જ્યારે કોઈપણ આવક રહે નહીં તે સમયે, તેને વર્ષો-વર્ષ પસંદગી કરવાનો હક્ક પુનઃપ્રાપ્ત થશે.

નવી કલમ ૧૧૫બીએસી હેઠળ મહત્ત્વની જોગવાઈઓ

આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ માટે, નવી કલમ ૧૧૫બીએસી હેઠળ જો નિયત કરાયેલ નીચે જણાવેલી શરતો પરિપૂર્ણ થતી હોય તો, આ સાથેના ટેબલમાં દર્શાવેલ આવકવેરા સ્લેબ માટેના સંબંધિત રાહતકારક આવકવેરાના દરનો લાભ લઈ શકાશે :

 • જૂની યોજનાની પસંદગી કરાય તો પ્રવર્તમાન તમામ કરમુક્તિ, કપાત તેમજ રાહતોનો લાભ મળી શકશે.
 • જો નવી યોજના હેઠળના રાહતકારક દરનો લાભ લેવો હોય, તો કલમ ૧૧૫બીએસી હેઠળ નિયત કપાતો, કરમુક્તિઓ તેમજ નુકસાનના સેટ-ઓફના લાભ મળી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;