બેલ્જિયમને બહાર કરી ફ્રાન્સ ફાઇનલમાં - Sandesh
  • Home
  • Sports
  • Football
  • બેલ્જિયમને બહાર કરી ફ્રાન્સ ફાઇનલમાં

બેલ્જિયમને બહાર કરી ફ્રાન્સ ફાઇનલમાં

 | 4:48 am IST

સેન્ટ પીટર્સબર્ગ :

ડિફેન્ડર સેમ્યુઅલ ઉમ્ટિટી દ્વારા બીજા હાફમાં ૫૧મી મિનિટે કરાયેલા નિર્ણાયક ગોલની મદદથી ૧૯૯૮ની ચેમ્પિયન ફ્રાન્સે બેલ્જિયમને સેમિફાઇનલમાં ૧-૦થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ફ્રાન્સની ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે. આ પહેલાં ૨૦૦૬માં પણ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ રનર અપથી સંતોષ માનવો પડયો હતો. ફ્રાન્સની ટીમ હવે ૧૫ જુલાઈએ યોજાનાર ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે જીતનાર ટીમ સામે ટકરાશે.

બેલ્જિયમ સામે વર્લ્ડ કપની ત્રણ મેચમાં ફ્રાન્સની આ ત્રીજી જીત છે. આ પહેલાં ફ્રાન્સે ૧૯૩૮માં પ્રથમ રાઉન્ડના મુકાબલામાં ૩-૧થી જીત મેળવી હતી જ્યારે ૧૯૮૬માં પ્લેઓફના મુકાબલામાં ૪-૨થી હાર આપી હતી. આ હાર સાથે બેલ્જિયમનું સતત ૨૪ મેચમાં અપરાજેય રહેવાના અભિયાનનો પણ અંત આવ્યો હતો. આ દરમિયાન તેઓએ ૭૮ ગોલ કર્યા હતા પરંતુ આ મેચમાં એક પણ ગોલ કરી શકી નહોતી. બેલ્જિયમે જોકે, આ વર્લ્ડ કપમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં વિદાય લીધી અને પોતાના પ્રદર્શનથી લોકોનું દિલ જીતવામાં પણ સફળ રહી હતી.

બેલ્જિયમ માટે ડાબી તરફથી એડન હેઝાર્ડે ઘણા મૂવ બનાવ્યા હતા પરંતુ ટીમના જમણી બાજુ પર રોમેલુ લુકાકુની નિષ્ફળતાનું નુકસાન ટીમને ભોગવવું પડયું હતું. ફ્રાન્સના સ્ટ્રાઇકર ઓલિવર ગિરાઉડ પણ ઘણી વખત સારા મૂવને ફિનિશ કરવામાં નિષ્ફળ ગયો હોત પરંતુ ઉમ્ટિટીએ ટીમને મુશ્કેલીમાં ફસાયેલી ફ્રાન્સને બચાવી લીધી હતી.

પ્રથમ હાફમાં બંને ટીમોની આક્રમક રમત

બંને ટીમોએ મેચમાં સતર્કતા સાથે શરૂઆત કરી હતી. બેલ્જિયમની ટીમ જોકે, શરૂઆતમાં વધુ સારી જણાઈ રહી હતી. ટીમે પાંચમી મિનિટે સારો મૂવ બનાવ્યો અને બોલ ડાબી તરફ હેઝાર્ડ પાસે પહોંચ્યો પરંતુ તેના ક્રોસને ફ્રાન્સના ડિફેન્ડરોએ બહાર કરી દીધો હતો. ફ્રાન્સે બે મિનિટ બાદ પલટવાર કર્યો પરંતુ યુવા કેલિયન મેબાપે બોલ સુધી પહોંચે તે પહેલાં ગોલકીપર થિબાટ કોર્ટોઇસે બોલ પોતાની પાસે લઈ લીધો હતો.   બેલ્જિયમે ડાબી તરફથી સતત આક્રમણ કર્યું હતું પરંતુ તેના ખેલાડી ફ્રાન્સના ડિફેન્સને ભેદવામાં નાકામ રહ્યા હતા. કેવિન ડી બ્રૂનના ક્રોસથી બોલ હેઝાર્ડ પાસે પહોંચ્યો હતો પરંતુ તેનો દમદાર શોટ ગોલ પોસ્ટની બહાર જતો રહ્યો હતો. પ્રથમ હાફ સુધી બંને ટીમો દ્વારા આક્રમક રમત દર્શાવાઈ પરંતુ ગોલ કરવામાં સફળતા ન મળતાં પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો હતો.

૫૧મી મિનિટે ઉમ્ટિટીએ ગોલ કર્યો

બીજા હાફમાં ફ્રાન્સે સારો મૂવ બનાવ્યો હતો પરંતુ ગિરાઉડના શોટને બેલ્જિયમના ડિફેન્ડરે બહાર કરી દીધો હતો જેથી ટીમને કોર્નર કિક મળી. ગ્રિએઝમાન દ્વારા કોર્નર કિક પર ઉમ્ટિટીએ ફેલાનીને પાછળ રાખતાં હેડર દ્વારા ગોલ કરી ટીમને ૫૧મી મિનિટે લીડ અપાવી હતી. તે પછી અંતિમ મિનિટો સુધી લીડ જાળવી રાખી મેચ જીતી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

મેચની મહત્ત્પૂર્ણ બાબતો

  • બેલ્જિયમની ટીમે થોમસ મ્યુનિએર પર પ્રતિબંધ હોવાને કારણે તેના સ્થાને મૂસા ડેમ્બલેનો સમાવેશ કર્યો હતો જ્યારે ફ્રાન્સે પ્રતિબંધ બાદ વાપસી કરી રહેલાબ્લેસ મતૌદીને કોરેનટિન ટોલિસોના સ્થાને શરૂઆતની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો હતો.
  • બંને ટીમોએ ૧૦૨-૧૦૨ કિમીનું અંતર મેચ દરમિયાન કાપ્યું હતું.
  • બેલ્જિયમે ૫૬૫ અને ફ્રાન્સે ૨૯૪ પાસ કમપ્લિટ કર્યા હતા.
  • બેલ્જિયમના ત્રણ અને ફ્રાન્સના બે ખેલાડીઓને યલો કાર્ડ અપાયા હતા.
  • બેલ્જિયમે ૧૬ અને ફ્રાન્સે છ ફાઉલ કર્યા હતા.

ફ્રાન્સ જશ્નમાં ડૂબ્યો

ફ્રાન્સે બેલ્જિયમ સામે વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ મેળવતાં જ અહીં સડકો પર ફ્રાન્સના રાષ્ટ્રગીત લા માર્શેલેસ વી આર ઇન ધ ફાઇનલ સાથે લોકો જશ્નમાં ડૂબી ગયા હતા. પેરિસના ઐતિહાસિક ટાઉનહોલ પાસે મોટા સ્ક્રીન પર મેચ જોવા ઊમટેલા ૨૦,૦૦૦ ફૂટબોલ પ્રેમીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.