મોંઘવારીનો ફાયદો કોને? - Sandesh
NIFTY 10,817.00 +28.45  |  SENSEX 35,260.29 +178.47  |  USD 63.8300 -0.05
1.6M
1M
1.7M
APPS

મોંઘવારીનો ફાયદો કોને?

 | 3:50 am IST

સાંપ્રત । રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ

વિકાસના દુષ્ચક્રમાં ફસાયેલ પબ્લિક તેમ ફિલ કરી રહી છે કે, ખાવા કરતાં કમાવું કપરું છે અને કમાવાથી પણ કપરું છે વાપરવું… છે ને ચિત્ર-વિચિત્ર લોજિક. પણ સરકારની નવી નીતિઓ લોકોને કંઈક આવું જ ફિલ કરાવી રહી છે. કેમ કે, પહેલાં તો આજે પણ લાખો લોકો ભૂખ્યા ભટકે છે અને લાચારી અનુભવે છે અને તેનાથી આગળ પેટની આગ બુઝાવવા ગુનાખોરી આચરે છે. બીજું કે જે કોમ્પિટિશન અને સરકારની નીતિઓને લીધે સામાન્ય વેપારીઓ માટે રળવું ભારે દોહ્યલું બની રહ્યું છે અને લાસ્ટમાં જે લોકો પાસે નાણાં છે તેઓ વાપરવા ઈચ્છે તો તેમણે પાઈ પાઈનો હિસાબ આપવાનો છે. એટલે તેઓ પાસે પૈસા હોવા છતાં વાપરતાં કતરાય છે. હા, બની શકે કે તેઓ કરચોરો હોય કે તેમની પાસે બે નંબરી નાણું હોય. પણ બધા કેસમાં તેવુ ના પણ હોય. સુકા ભેગું લીલું પણ બળે. વેલ, અહીં આપણે અત્યારની પ્રજાલક્ષી નીતિઓની અને પરિસ્થિતિની સમીક્ષા કરવા માંગીએ છીએ.

કેમ કે, હાલમાં સોશિયલ મીડિયા પર વિકાસ ગાંડો થયો છે ના બહુ જોક્સ, કટાક્ષો, શાયરીઓ તેમ આવી રહ્યું હતું અને આની પાછળનું બહુ સ્પષ્ટ કારણ છે કે, લોકો બેફામ મોંઘવારી, ગરીબી, બેકારી, રોગચાળા, પ્રાથમિક સુવિધાનો અભાવ, કુદરતી પ્રકોપ, બેન્કોના ઘટેલા વ્યાજદર, મોંઘા મકાનો, ઊંચા ટેક્સ, સસ્તી મેડિકલ સારવાર જેવી અનેકાનેક સમસ્યાઓથી પીડાઈ જ નથી રહ્યાં બલકે તેના બોજમાં બોઝલ થઈ ચૂક્યા છે. કઈ સરકાર યોગ્ય અને કઈ ફાલતુ તેની વિમાસણમાં છે. કેમ કે, તેમની સમસ્યાઓ ઘટવાને બદલે વધી રહી છે.

દૂધ, શાકભાજી, ફળો, કરિયાણુ, પેટ્રોલ-ડિઝલ, રેડીમેડ કપડાં જેવી જીવન જરૂરી અનેક ચીજો ખૂબ જ મોંઘી થતી ચાલી છે. હાલમાં ફરી એકવાર ટમેટા રૂ.૧૦૦ની આસપાસ વેચાઈ રહ્યાં હતાં. ત્યારબાદ ડુંગળીઓની કિંમતે પણ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું અને આ જ સિલસિલો પાછલા કેટલાક સમયથી તેમની સાથે રીપીટ થઈ રહ્યો છે. ત્યારે લોકો જે વિકાસ નામની આશાનો આંખમાં સુરમો આંજી સપના જોઈ રહ્યા હતા તેમણે આ વિકાસે વિકાસના બદલે વિનાશકારી સ્વરૂપ લીધું હોય તેમ અનુભવ્યું.

વેલ, હમણાં ઓગસ્ટમાં જ કેન્દ્ર સરકારે સબસિડી વિનાના ગેસ સિલીન્ડરના ભાવમાં લગભગ રૂ.૮૬નો વધારો કર્યાે હતો અને આ ભાવ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારના ભાવોને જવાબદાર ઠેરવ્યા હતા. જો કે, સબસિડીવાળા રસોઈ ગેસ સિલીન્ડરમાં પણ મામુલી ૧૩ પૈસા જેટલા વધારીને ૪૩૪.૯૩ રૂપિયા જેટલા કરી નાંખ્યા હતા. આના પહેલા પણ તેમાં રૂ.૯ની વૃદ્ધિ કરવામાં આવી હતી. જો કે જાણકારોના મતે, અત્યાર સુધી આમાં ૮ વાર જેટલો વધારો થઈ ચૂક્યો છે. લ્યો બોલો ક્યા કહેના…

વિશેષમાં વાત આપણે વધતી મોંઘવારીની જ કરીએ તો ૨૦૧૪માં ૧ કિલો આટો દેશના વિભિન્ન શહેરોમાં રૂ.૧૭થી રૂ.૪૩ની વચ્ચે મળતો હતો. જ્યારે કે મે ૨૦૧૭માં આ જ આટો રૂ.૧૯થી ૫૦ની વચ્ચે મળતો હતો. તો ચોખાના ભાવ પણ ૪૦ રૂ.ની આસપાસના બદલે રૂ.૪૭ની આસપાસ છે. તો કેટલીય અલગ અલગ દાળો છેક રૂ.૨૦૦ની આસપાસ પહોંચી ગઈ હતી. તો દૂધની કિંમત પણ રૂ.૨૫થી રૂ.૪૬થી વધીને હવે રૂ.૨૮થી રૂ.૬૨ની આસપાસ પહોંચી ચૂકી છે. ખાંડ પણ ૩૧થી ૫૦ રૂ.ના બદલે રૂ.૧૮થી રૂ.૪૭ પહોંચી ચૂકી છે. કહેવાનો સ્પષ્ટ આશય છે કે, ખાવા-પીવાની મુખ્ય ચીજોના ભાવ ઘટવાને બદલે લગાતાર વધી રહ્યાં છે. ત્યારે લોકો માટે સમસ્યા એ છે કે તેઓ કયા મોરચે લડે ? અને શું ખાય-પીવે કે કેમ ગુજરાન ચલાવે ?

ત્યારે તે પણ જાણી લો કે, ઓગસ્ટમાં મોંઘવારીનો પારો વધુ ઊંચો પહોંચ્યો અને રિટેલ મોંઘવારી દર પણ જથ્થાબંધના દરની જેમ ટોપ પર પહોંચી ગયો. ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારીનો દર ૧.૮૮%થી વધીને ૩.૨૪% પહોંચી ગયો હતો. ઓગસ્ટ ૨૦૧૬માં જથ્થાબંધ મોંઘવારી સૂચકાંક ૧.૦૯% હતો. જથ્થાબંધ મોંઘવારી સૂચકાંકમાં આવેલ તેજીનું મુખ્ય કારણ શાકભાજીના ભાવમાં થયેલ વધારો છે. જુલાઈમાં શાકભાજીનો ભાવ દર્શાવનાર સૂચકાંકમાં ૨૧.૯૫%ની વૃદ્ધિ જોવા મળી હતી. પરંતુ ઓગસ્ટમાં આ વૃદ્ધિ એકાએક ૪૪.૯૧% એ પહોંચી ગઈ હતી અને આની પાછળનું સૌથી મોટું કારણ ડુંગળીના ભાવમાં થયેલા તોતીંગ ભાવ વધારો હતો. ડુંગળીની કિંમત ઓગસ્ટમાં ૮૮.૪૬%ના દરે વધવા પામી હતી. જે જુલાઈમાં ૯.૫૦%ના દરે હતી. તે સિવાય, આ દરમિયાન ફળો, બીજા શાકભાજી, મીટ, માછલીની કિંમતોમાં પણ વધારો નોંધાયો તેમજ નિષ્ણાતોના મતે, મોંઘવારીમાં આવેલ આ તેજી હકીકતમાં પેટ્રોલ-ડિઝલની અને ખાદ્ય પદાર્થાેમાં વધેલ ભાવ વધારાના લીધે છે.

વળી જાણકારો તેમ પણ કહી રહ્યાં છે કે આવનારા સમયમાં મોંઘવારી હજુ પણ વધી શકે તેમ છે. ત્યારે પ્રજા પાસે રાતા પાણીએ રોવા સિવાય કોઈ ઓપ્શન હોય તેવું લાગે છે ? વળી આ મોંઘવારી વિચિત્રપણે વધે છે તેમ કહી શકાય. કેમ કે, જે તેના દાતા છે તેમને આ ભાવ વધારાનો કોઈ લાભ મળતો નથી. ઊલટાનું તેમના મહેનત કે નાણાંનું વળતર પણ તેમને મળતું નથી અને દેવાના બોજ તળે દબાયેલા, કચડાયેલા ધરતીના તાત નિષ્ફળતાના કારણે મોતને વહાલું કરે છે. ત્યારે આ ખેલ કોણ પાડે છે તેનો જવાબ શું નિષ્ણાતો પાસે પણ છે ખરો ? અને વધતી મોંઘવારીમાં કોનો ફાયદો છુપાયો છે ? તેનો જવાબ પ્રજાને કોણ આપશે ???