બંગાળમાં રાજકીય હિંસાનો ભોગ નિર્દોષ બની રહ્યાં છે - Sandesh
  • Home
  • Columnist
  • બંગાળમાં રાજકીય હિંસાનો ભોગ નિર્દોષ બની રહ્યાં છે

બંગાળમાં રાજકીય હિંસાનો ભોગ નિર્દોષ બની રહ્યાં છે

 | 3:02 am IST

ઓવર વ્યૂ

ગત શનિવારથી ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બશીરહાટ વિસ્તારમાં બંને  પક્ષો વચ્ચે થયેલી હિંસામાં આઠ લોકોનાં મોત બાદ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કાનૂન વ્યવસ્થાની સ્થિતિ સુધારવાની સલાહ આપી છે અને હિંસા પર રિપોર્ટ માગ્યો છે. બંને પક્ષો હિંસા માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યાં છે. હિંસા બાદ ભારે તણાવને ધ્યાનમાં રાખીને બશીરહાટમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ભાજપે વિસ્તારમાં ૧૨ કલાક બંધનું આયોજન કર્યું છે. પાર્ટી સમર્થકોએ ઘણી જગ્યાએ ટ્રેનો રોકી હતી. રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પણ દિલ્હીમાં વડા પ્રધાન અને ગૃહમંત્રીની મુલાકાત કરીને તેમને મહત્ત્વની બાબતોથી વાકેફ કર્યા હતા.

ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બશીરહાટ વિસ્તારમાં ટીમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી હિંસામાં આઠ લોકોનાં મોત થયા હતા. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે લોહિયાળ રાજનીતિ વરવું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા પછી પણ રાજકીય હત્યાઓ અટકવાનું નામ લેતી નથી. તાજેતરમાં દમદમ અને કૂચબિહાર વિસ્તારોમાં તૃણમૂલ કોંગ્રેસના બે કાર્યકર્તાની હત્યા કરી નાખવામાં આવી છે. દમદમમાં તૃણમૂલ કાર્યકરની હત્યાના આરોપસર ભાજપના એક કાર્યકર અને એક સોપારી કિલરની ધરપકડ કરાઈ છે. તૃણમૂલ કાર્યકરોની હત્યાઓ બાદ આ વિસ્તારોમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણો જારી રહી છે. ગુરુવારે મમતા બેનરજીએ મૃતક તૃણમૂલ કાર્યકર્તાના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. કૂચબિહારમાં ટીએમસીના બૂથ મેમ્બર અજીજર રહેમાનની હત્યા કરી નાખવામાં આવી હતી. આરોપ છે કે ભાજપના કાર્યકર અજહર અલીએ બે લોકો સાથે મળીને રહેમાનની હત્યા કરી નાખી હતી. મંગળવારે રાત્રે દમદમમાં તૃણમૂલ નેતા નિર્મલ કુંડુની હત્યા કરી નાખવામાં આવી હતી.

બીજી બાજુ ઉત્તર ૨૪ પરગણા જિલ્લા અધ્યક્ષ અને ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિય મલ્લિકના નેતૃત્વમાં ટીએમસીની પાંચ સભ્યોવાળી ટીમે આ વિસ્તારનો પ્રવાસ કર્યો અને મૃત કાર્યકર ક્યુમ મોલાહના પરિજનો સાથે મુલાકાત કરી હતી. મલ્લિકનો આરોપ છે કે રાજ્યમાં સત્તા મેળવવા માટે ભાજપ આતંકની રાજનીતિનો સહારો લઈ રહ્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પર પણ પક્ષપાતનો આક્ષેપ કર્યો. મલ્લિકનો સવાલ છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ટીએમસી કાર્યકરની હત્યા કેસમાં કોઈ રિપોર્ટ માગ્યો નથી. અમિત શાહે એક વાત યાદ રાખવી જોઈએ કે તે દેશના ગૃહમંત્રી છે, ભાજપના નથી. ભાજપ નેતા અને સાંસદ દિલીપ ઘોષે આ હિંસા અને પાર્ટી કાર્યકરોની હત્યા માટે મુખ્યમંત્રી મમતા બેનરજીને જવાબદાર ઠેરવ્યાં છે. તેઓ કહે છે મમતા હવે હિંસાનો સહારો લઈ રહી છે. કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત થઈ ચૂકી છે. પાર્ટી નેતા મુકુલ રોયે પણ આ આરોપ લગાવ્યો હતો.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ટીમસી અને ભાજપ વચ્ચે રાજકીય હિંસામાં એક ડઝન કરતાં પણ વધારે લોકોનાં મોત થયા છે. તેમાં બે પક્ષોના લોકો સામેલ છે. આ હત્યાઓ બાદ રાજ્યમાં સિયાસી માહોલ લગાતાર ગરમ રહ્યો છે. બંને દળોના નેતા આ હિંસા માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યાં છે. પરંતુ હકીકત એ છે કે પોતાની જમીન બચાવવા અને મજબૂત કરવાની આ કવાયતમાં જેની લાઠી તેની ભેંસને કહેવતની જેમ કોઈ પીછહેઠ કરવાનું નામ લેતું નથી. રાજકીય હત્યાઓનો આ સિલસિલો ૨૩ મેના રોજ પરિણામ આવ્યા બાદ શરૂ થયો હતો. પરિણામોના આગળના દિવસે ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ભાજપના કાર્યકરનું મોત થયું હતું. મેના અંત સુધીમાં ૬ લોકોનાં મોત થયા હતા.

તાજા હિંસા બાદ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને મોકલેલા પત્રમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ પર ઘેરી ચિંતા વ્યક્ત કરીને સરકારને હાલત પર કાબૂ મેળવવાનું જણાવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની નિષ્ફળતા ગણાવી હતી. તેના જવાબમાં રાજ્યના મુખ્ય સચિવ મલયે કહ્યું કે ચૂંટણી પરિણામો બાદ હિંસા થઈ હતી પરંતુ તમામ મામલોમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે અને હવે પરિસ્થિતિ કાબૂ હેઠળ છે. રાજકીય પર્યવેક્ષક વિશ્વનાથ પંડિત કહે છે કે વર્ચસ્વની લડાઈને કારણે આ હિંસા હાલ પૂરતી અટકવાનું નામ લેતી નથી. લોકસભાની ૧૮ બેઠકો જીત્યા બાદ ભાજપના હોંસલા બુલંદ છે અને ભાજપની નજર હવે બે વર્ષ પછી થનાર વિધાનસભાની ચૂંટણીઓ પર છે. બીજી બાજુ ટીએમસી પણ કોઈ પણ ભોગે ભાજપને બઢત આપવા માગતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન