આગ અને ધુમાડા વચ્ચે હું ૧૦ ફૂટ ઊંચેથી વિમાનમાંથી કૂદી પડયો... - Sandesh
  • Home
  • World
  • આગ અને ધુમાડા વચ્ચે હું ૧૦ ફૂટ ઊંચેથી વિમાનમાંથી કૂદી પડયો…

આગ અને ધુમાડા વચ્ચે હું ૧૦ ફૂટ ઊંચેથી વિમાનમાંથી કૂદી પડયો…

 | 1:06 am IST

। કરાચી ।

કરાચીમાં શુક્રવારે સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં મોતને માત આપીને બચી જનાર પ્રવાસી ઝુબેરે ઘટનાનું કાળજું કંપાવી દે તેવું ખોફનાક વર્ણન કર્યું હતું. આ વિમાન દુર્ઘટનામાં ૯૭નાં મોત થયા હતા જ્યારે ૨ પ્રવાસીઓનો અદ્ભુત બચાવ થયો હતો. મૃતકો પૈકી ૧૯ની ઓળખ થઈ છે. અન્યોનાં ડીએનએ ટેસ્ટ કરાઈ રહ્યા છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું વિમાન લાહોરથી ઊપડયા પછી કરાચીનાં ઝીણા એરપોર્ટ નજીક ગીચ વસતી ધરાવતા રહેણાક વિસ્તારમાં તૂટી પડયું હતું જેમાં ચમત્કારિક રીતે બચી જનાર ૨૪ વર્ષનાં ઝુબેરે ઘટનાનો ચિતાર આપતા કહ્યું કે વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાયા અને એન્જિનમાં આગ લાગ્યા પછી તે એકદમ જમીન તરફ સરકવા લાગ્યું હતું. વિમાનમાં તમામ પ્રવાસીઓ મોતને નજીકથી નિહાળી રહ્યા હતા. સૌના ચહેરા પર મોત નજીક આવી રહ્યું હોવાનો ડર હતો. વિમાન એક વખત રનવેને સ્પર્શીને ફરી ઉપર જવા લાગ્યું હતું. લેન્ડિંગનો પહેલો પ્રયાસ નિષ્ફ્ળ જતા સૌ કલમા પઢવા લાગ્યા હતા. આકાશમાં ૧૦ મિનિટ ચક્કર માર્યા પછી પાઇલટે ફરી લેન્ડિંગ કરવાનાં પ્રયાસની જાહેરાત કરી ત્યારે જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બની ગયું હતું.

મેં ચારે તરફ જોયું તો આગ અને ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. મને ફક્ત પ્રવાસીઓની ચીસો સાંભળવા મળતી હતી. ધુમાડા સિવાય કશું દેખાતું ન હતું. ઝુબેરે કહ્યું કે પહેલીવાર લેન્ડિંગ વખતે વિમાનમાં બે ત્રણ આંચકા લાગ્યા હતા. વિમાન ક્રેશ થયા પછી થોડો સમય હું ભાન ગુમાવી બેઠો હતો પણ તરત જ મેં સીટ બેલ્ટ ખોલ્યો હતો. મને થોડો પ્રકાશ દેખાયો એટલે હું લાઇટની તરફ આગળ વધ્યો હતો. સળગતા વિમાનમાંથી હું ૧૦ ફૂટ ઊંચેથી કૂદી પડયો હતો.

અલ્લાહ કા શુક્રિયા : ઝફર મસૂદ 

દુર્ઘટનામાં બચી ગયેલા બેન્ક ઓફ પંજાબનાં અધ્યક્ષ ઝફર મસૂદે સૌથી પહેલી પ્રતિક્રિયા આપી હતી કે, અલ્લાહ કા શુક્રિયા. મસૂદનો જીવ બચાવનાર અમજદે કહ્યું કે એક પ્રવાસી ઇમરજન્સી દરવાજા પાસે નીકળવાની કોશિશ કરતો હતો તેણે મને બચાવવાની અપીલ કરી હતી. મેં તેને ખેંચવાની કોશિશ કરી પણ તેનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો. આ પછી રાહત ટુકડીએ તેને કાઢયો હતો.

ઘવાયેલાઓમાં સૌથી વધુ મહિલાઓ : હોસ્પિટલમાં સારવાર  

સત્તાવાળાઓએ કહ્યું કે દુર્ઘટનામાં બચી ગયેલા બંને પ્રવાસી દાઝી ગયા છે અને તેમની સ્થિતિ સ્થિર છે. વિમાન રહેણાક વિસ્તારમાં તૂટી પડતાં ૨૫થી વધુ મકાનોને નુકસાન થયું હતું. આ મકાનોમાં રહેતી ૧૧ મહિલાઓને વધારે ઈજા થઈ હતી જેને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા ઝફર મસૂદનો પાકીઝાનાં નિર્માતા કમાલ અમરોહીનાં સગા થાય છે  

વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા ઝફર મસૂદ ફિલ્મ પાકીઝાનાં નિર્માતા કમાલ અમરોહીનાં સગા થાય છે. ૧૯૫૨માં મસૂદનો પરિવાર મુંબઈથી કરાચી ચાલ્યો ગયો હતો અને ત્યાં કાયમી વસવાટ કર્યો હતો. મસૂદનો પરિવાર યુપીનાં અમરોહા ગામમાં સદ્દો મહોલ્લામાં રહેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન