ભાલબારા પ્રદેશમાં સર્જાયું શિક્ષણનું એક ઉપવન - Sandesh
  • Home
  • Columnist
  • ભાલબારા પ્રદેશમાં સર્જાયું શિક્ષણનું એક ઉપવન

ભાલબારા પ્રદેશમાં સર્જાયું શિક્ષણનું એક ઉપવન

 | 2:47 am IST

અધ્યાપનના તીરેથી : પ્રા. મહેન્દ્ર જે. પરમાર

૫ સપ્ટેબરનો આજનો દિવસ શિક્ષકો માટે આત્મચિંતન અને આત્મદર્શનનો છે. કોઈપણ રાષ્ટ્રની ચડતી-પડતીનો આધાર એના શિક્ષણ પર અવલંબે છે. શિક્ષણ કથળે તો આખો દેશ કલ્પના ન કરી હોય તે રીતે ઝડપથી નાશ પામે છે. શિક્ષણનું પતન એટલે રાષ્ટ્રનું પતન. શિક્ષણમાં પ્રવેશી ગયેલા ખાનગીકરણે મચાવેલ ઉત્પાત દેશ નિહાળી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓનું નફાલક્ષી પ્રભુત્વ જામ્યું છે. શિક્ષણક્ષેત્રના ઊંચા હોદ્દાઓ રાજકારણના રંગે રંગાઈ રહ્યા છે. આ બધામાં સંનિષ્ઠ અને સાચો શિક્ષક ખોવાઈ ગયો છે.

આજે વાત કરવી છે ૮૨ વર્ષીય ગાંધીમૂલ્યોને વરેલા એક આજીવન શિક્ષકની. શિક્ષક આજીવન શિક્ષક જ રહે છે. શિક્ષકનો સમાજજીવન અને રાષ્ટ્રજીવન પર ઊંડો પ્રભાવ રહેલો છે. શિક્ષકના વાણી-વહેવાર વર્તનની નોંધ સમાજ લેતો હોય છે. સમાજને શિક્ષક પર ઊંડી શ્રદ્ધા હોય છે. તેનાથી એક નાનકડી ભૂલ કે અયોગ્ય વર્તન સમાજમાં ખળભળાટ મચાવે છે. સમાજની આસ્થા અને શ્રદ્ધાનું તે કેન્દ્ર છે. શિક્ષકનું એક એક કદમ પૂરી સભાનતા અને ગંભીરતા સાથે જોડાયેલું છે. તેનું બેજવાબદાર વર્તન સમાજ અને રાષ્ટ્રને પણ મોંઘું પડતું હોય છે.

તાજેતરમાં ખંભાત તાલુકાના ભાલ પ્રદેશના દહેડા ગામમાં જવાનું થયું. દહેડાથી નગરા તરફ પરત ફરતાં માર્ગમાં પ્રકૃતિની ગોદમાં વિહરતું શિક્ષણનું ઉપવન નિહાળતાં જ તે તરફ પ્રયાણ કર્યું. પ્રવાસમાં ભૂતપૂર્વ આચાર્ય જીવણભાઈ પટેલ અને ઘનશ્યામભાઈ પટેલ જોડાયા. ૧૬ ધોરીમાર્ગ પર ખંભાતથી ઉત્તરે તારાપુર જતાં રોડ પર ૧૦ કિ.મી.ના અંતરે પૂર્વ દિશાએ ૨૨-૨૪ ઉ. અક્ષાંશ અને ૭૨-૭૬ પૂર્વ રેખાંશ ઉપર જીણજ ગામ વસેલું છે. લોકવાયકા મુજબ આજથી ૧,૧૦૦ વર્ષ પહેલાં જીણાભાઈ ભરવાડે ગામ વસાવ્યું હતું. તેમના નામ પરથી ગામનું નામ જીણજ પડેલું છે. ૪,૦૦૦ની વસતી ધરાવતા ગામમાં ૧૨૫ વર્ષ જૂની પ્રાથમિક શાળા,ગ્રામીણ કક્ષાની પ્રથમ નંબરની કોર્પોરેશન બેન્ક, ટેલિફોન એક્સ્ચેન્જ, પોસ્ટઓફિસ, સાર્વજનિક પુસ્તકાલય, દૂધ ઉ.સ.મંડળી અને સેવા સહકારી મંડળી જેવી સંસ્થાઓ વિદ્યમાન છે. ગામના વિકાસમાં તેમનો ફાળો અનન્ય છે.

જીણજ અને તેની આજુબાજુના ૧૩ ગામેા ઉપરાંત અન્ય ૨૮ ગામો મળી કુલ ૪૧ ગામોના વિદ્યાર્થી-વિધાર્થિનીઓને ધો. ૧થી ૧૨નું શિક્ષણ આપતું વિદ્યામંદિર ભાલબારા પ્રદેશના ૯૦ ટકા ગરીબ બાળકોના શિક્ષણ માટેનું હબ બન્યું છે. બુનિયાદી શિક્ષણ આપતી સંસ્થા ન હોવા છતાં મહાત્મા ગાંધીની નઈ તાલીમના પાયા પર વિદ્યાર્થીએાની દિનચર્યા, શિક્ષણ, સમૂહજીવન અને પ્રાર્થના ગોઠવાયેલા છે. કડવા પાટીદાર સમાજના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત વિદ્યામંદિરમાં કુલ ૭૨૧ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૩૦ વિદ્યાર્થીઓ પાટીદાર સમાજમાંથી આવે છે. મહુદંશે કોળી પટેલ, ભરવાડ, દેવીપૂજક, ઠાકોર, રાજપૂત, દરબાર, મુસ્લિમ, વણકર, રોહિત, વાલ્મીકિ, બ્રાહ્મણ, પંચાલ, પ્રજાપતિ અને વાળંદ જેવી ઇતર કોમોમાંથી આવતા વિદ્યાર્થીઓ શાળાના એક છત્ર નીચે આનંદ ઉલ્લાસ સાથે હળીમળીને અભ્યાસ કરે છે. કોમકોમ વચ્ચે કડવાશ અને સાંપ્રદાયિક તનાવના વકરતા જતા માહોલની વચ્ચે વિવિધતામાં એકતાના દર્શન કરાવતું વિદ્યામંદિર અન્ય સંસ્થાઓ માટે દીવાદાંડીરૂપ છે.

આચાર્યખંડની બાજુના ખંડમાંથી બહાર આવી રહેલા સફેદ ખાદીના વસ્ત્રોમાં સજ્જ, ખડતલ શરીર અને મજબૂત મનોબળ ધરાવતા ૮૨ વર્ષીય છોટાભાઈ ગાંડાભાઈ પટેલને નિહાળતાં જ કેળવણીના એક તેજસ્વી તપસ્વીના દર્શન થયા હોય તેવી અનુભૂતિ થઈ. તેમના જીવનની અંતરંગ ઘટનાએ કેવાં સુખદ વળાંકો સર્જ્યા તેની રોમહર્ષક કહાણી તેમના મુખેથી સાંભળી ધન્યતા અનુભવી. ગરીબ પરિવારમાં જન્મ, દારુણ ગરીબાઈ પીછો છોડે નહીં, માતા ‘દિવાળીબા’ ને પુત્રને ભણાવવાના કોડ, પણ નાણાંના અભાવે લાચાર, રૂ.૧૦૦ માટે ઘરેઘરે ભટકતાં.પણ જાકારો મળતેા, નાણાંની ત્રેવડ નથી ને ભણાવવા નીકળ્યા છો ! સઘળાં મહેણાં-ટહોણાં સહન કરીને, કારમી ગરીબાઈના ઘા હસતાં  મોઢે ઝીલી, પેટે પાટા બં।ધી માતા પુત્રને ભણાવે છે. છોટુના બાળ માનસ પર તેની ઘેરી અસર થાય છે. જે આગળ જતાં આર્થિક રીતે ગરીબ બાળકેાના શિક્ષણ પાછળ આખું જીવન સમર્પિત કરી દે છે.

ગરીબાઈમાં જન્મ્યા, ગરીબાઈમાં ઉછર્યા,ગરીબાઈમાં જ ભણ્યા અને અંતે શિક્ષક બન્યા. સરકારી શાળામાં ભણ્યા હોવા છતાં બુનિયાદી શિક્ષણના રંગે રંગાયા. પ્રમાણિકતા, કર્તવ્યનિષ્ઠા, ઇમાનદારી, સમભાવ, સદાચાર, સાદાઈ, કોમી એકતા જેવા ગાંધીમૂલ્યોથી તેમનું જીવન ભર્યું ભર્યું છે. એક સાચા લોકસેવક તરીકે જાગ્રત પ્રહરી બનીને ભાલપંથકમાં શિક્ષણના પ્રચારનું ઉમદા કાર્ય આરંભ્યું. ગાંધીમાર્ગે પદયાત્રાઓ યોજીને ભાલપ્રદેશમાં સામાજિક જાગ્રતિ લાવીને સમાજને શિક્ષણની ભૂખ જગાડી.

આ લેખક જીણજની નજીકમાં આવેલ દહેડા પ્રા.શાળામાં શિક્ષક તરીકે નવા-સવા જોડાયેલા હતા. તેમના શિક્ષણ જાગ્રતિ અભિયાનથી ઘણા પ્રભાવિત થયા હતા. તેઓ સાચા અર્થમાં ગાંધીમૂલ્યોને વરેલા શિક્ષક હતા. નામની પ્રસિદ્ધિ કે બહોળો પ્રચાર કર્યા વગર ખડા અને તેની આજુબાજુના ગામડાંઓના ગ્રામ્યજીવનમાં શિક્ષણ દ્વારા અજવાળાં પાથરવાનું પવિત્ર કાર્ય તેમના હાથે પુરજોશમાં ચાલી રહ્યું હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અપાર લોકચાહના ચરમસીમાએ હતાં. ત્યાં અચાનક ‘મધદરિયે વહાણ ડૂબી જાય’ તેવી એક ઘટના આકાર પામી, વડતાલ સ્વામિનારાયણ મંદિરમાંથી એક પોસ્ટકાર્ડ આવે છે. ”નોકરી ઘણી કરી! હવે ભગવાનની સેવા કરવા અહીં આવી જાવ!” તેવો સંદેશો તેમાં હતો. પોતાના પ્રિય ગુરુનો આદેશ પૂરા આદર સાથે માથે ચડાવી ક્ષણનોય વિલંબ કર્યા સિવાય નોકરી છોડી દીધી. અણધાર્યા નિર્ણયથી પરિવારમાં ભૂકંપ સર્જાયો. ગ્રામજનોએ ઊંડેા આંચકો અનુભવ્યો. સમગ્ર ભાલ વિસ્તારમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા. એક સંનિષ્ઠ સેવાભાવી શિક્ષકને ગુમાવ્યાનો ભારે રંજ હતો. રાજીનામું પાછું ખેંચવાનું પ્રચંડ દબાણ ઊભું થયું. આ કોલમ લેખકે પણ તે સમયે શિક્ષક તરીકે પાછા ફરવા હૃદયસ્પર્શી અપીલ કરી હતી, પણ મક્કમ રહ્યા.

ખડાની પ્રાથમિક શાળામાં ૨૮ વર્ષની શિક્ષક તરીકેની યશસ્વી કારકિર્દી પૂર્ણ કર્યાના સંતોષ સાથે તા. ૨૧-૫-૮૫ના રોજ વડતાલની વાટ પકડી. સ્વામિનારાયણ મંદિરમાં સ્થિર થયા. પણ લગાવ ગામડાંના શિક્ષણ સાથે અતૂટ રહ્યો. એક નવું જ આધ્યાત્મિક જીવન. પ્રભુસેવાની સાથે જનસેવાના કાર્યમાં ખંપી ગયા. ૩૦ વર્ષ સુધી પ્રવૃત્ત રહીને માદરે વતન જીણજમાં પરત ફર્યા. પરત ફરતાંની સાથે જ શિક્ષણયજ્ઞામાં જોડાઈ ગયા. કેળવણી મંડળમાં કોઈ હોદ્દા પર નથી,માત્ર કારોબારી સભ્ય તરીકે અને તે પણ આઠમા ક્રમે નામ. કોઈપદની લાલસા વગર નિઃસ્વાર્થ ભાવે પૂ. રવિશંકર મહારાજની જેમ મૂકસેવક બનીને વિદ્યામંદિરના વિકાસમાં અદમ્ય ઉત્સાહથી નિરંતર સેવા આપી રહ્યા છે.

ગામમાં રહેવા મકાન, જમીન,પરિવાર બધું જ છે. છતાં વિદ્યામંદિરને નિવાસ સ્થાન બનાવી વિદ્યાર્થીઓની વચ્ચે રહી શ્રેષ્ઠ જીવન ઘડતર કરે છે. બે ટાઇમ જમવાનું ટિફિન અને પીવાનું પાણી સુદ્ધાં પોતાના ઘેરથી આવે છે. વિદ્યામંદિર જ પોતાની કર્મભૂમિ બનાવી છે.તેમાં ભણતાં વિદ્યાર્થીઓ એ જ તેમની સંપત્તિ છે. વહાલસોયા દાદાની ભૂમિકામાં બાળકેાને પ્રેમથી સાચવે છે. જીવનમૂલ્યોના પાઠ આચરણ દ્વારા શીખવી સંસ્કાર ઘડતર કરે છે. ગરીબ બાળકો માટે ઊભું કરાયેલ સરદાર પટેલ વિદ્યાર્થી રાત્રિ અભ્યાસગૃહ એ તેમની નીપજ છે. ગામના બાળકો સાંજે વાળું કરીને વાંચવા આવે છે. રાતવાસો અહીંયાં જ કરે છે. સવારે ઘરે જાય છે. સમાજના કચડાયેલા દબાયેલા વર્ગો પ્રત્યે અપાર અનુકંપા અને સંવેદના અનુભવે છે.

આણંદ,ખેડા,અમદાવાદ અને બોટાદ જિલ્લાના ખંભાત, તારાપુર, માતર, ખેડા, ધોળકા, ધંધૂકા, ધોલેરા અને બરવાળાના ૮ તાલુકાના ભાલબારા પ્રદેશમાં અંદાજિત ૪૦૦ ગામો આવેલા છે. કોળી પટેલ, ભરવાડ, દેવીપૂજક અને ઠાકોર ક્ષત્રિયની ૯૦ % બક્ષીપંચ અને ૮થી ૯% રાજપૂત, દરબાર અને માંડ ૧%થી પણ ઓછી પાટીદાર સમાજની વસતી ધરાવતા આ પ્રદેશમાં એક પણ વિજ્ઞા।નપ્રવાહની શાળા ન હતી. વર્તમાન સમયમાં વિજ્ઞા।ન પ્રવાહની શાળા શરૂ કરવી તે લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. અદ્યતન ભૈાતિક સુવિધાઓ સાથે ખૂબ મોટું નાણાકીય ભંડોળ જોઈએ.૫૦ લાખ રૂપિયાની ડિપોઝિટ કરવી પડે. આટલી મોટી માતબર રકમ ભેગી કરવાનો સંસ્થા સામે મોટો યક્ષ પ્રશ્ન. ઘણી જહેમતના અંતે એક શિક્ષણપ્રેમી, સેવાભાવી ડોક્ટર રૂ.૫૦ લાખ આપવા તૈયાર થયા. બોર્ડની મંજૂરી મળે તો આ રકમ સંસ્થાને અર્પણ. ન મળે તો બેન્કરેટ પ્રમાણે વ્યાજ સાથે રકમ પરત કરવાની શરત રખાઈ.

યોગાનુયોગ કોઈપણ જાતના પ્રયત્નો વગર સાયન્સ પ્રવાહની મંજૂરી મળી. ‘નંદ ઘેર આનંદ ભયો’ સર્વત્ર આનંદની લાગણી છવાઈ. જૂન-૨૦૧૫થી શ્રી અકેશ એમ. પટેલ ઉચ્ચત્તર માધ્યમિક (ધો. ૧૧-૧૨) વિજ્ઞા।ન પ્રવાહનો વિધિવત્ પ્રારંભ થયો. ભાલ પ્રદેશના તેજસ્વી ગરીબ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ઉત્તમ સુવિધાઓ સાથે ઉત્તમ શિક્ષણની સુંદર વ્યવસ્થા આકાર પામી છે. વિદ્યામંદિરનું આખુંય કેમ્પસ હર્યું – ભર્યું નંદનવન સમું ભાસી રહ્યું છે. વિદ્યામંદિરની સુવાસ ચૌમેર પ્રસરતાં આર્થિક દાનની અવિરત ગંગા સતત વહી રહી છે. દાનવીરો પણ કેવા મળે છે ! રૂ. ૧ કરોડનું દાન આપનાર દાતા નામને બદલે ‘પ્રકૃત્તિએ આપ્યું પ્રકૃત્તિએ લીધું’ લખે છે. આસમાને આંબી જઈ રહેલા ભાવ અને સોનાની લગડી ગણાતી ૩૬ ગુંઠા જમીન શિક્ષણતીર્થ (આઈટીઆઈ)માટે આપનાર દાતા બબુભાઈ સવાભાઈ વણકરનું યોગદાન સરાહનીય છે. સમરસ સમાજના નિર્માણનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભાલબારા પ્રદેશના ગાંધી તરીકે ગાંધીનો પડછાયો બનીને ભાલબારા પ્રદેશમાં શિક્ષણનો નવસંચાર કરી સામાજિક જાગ્રતિ સાથે નવજાગ્રતિનો પ્રકાશ ફેલાવવામાં છોટાભાઈ પટેલનું યોગદાન સદાકાળ ચિરસ્મરણીય બની રહેશે.