ભલાઇની વાત પછી, કમાણી પહેલાં ? - Sandesh

ભલાઇની વાત પછી, કમાણી પહેલાં ?

 | 5:37 am IST

રીવિલેશન :- અક્ષર વિદ્યાર્થી

અલબત્ત કમાણી કરવી એ દરેક મનુષ્યની જરૂરીયાત છે, માનવીને પોતાના ખર્ચ પુરા કરવા, પોતાનું પેટ ભરવા તેમજ પરિવારનું ભરણપોષણ કરવા કમાણી કરવી જ પડે છે તેમાં કોઇ મીનમેખ નથી જ. એમ કરવું ખરાબ પણ નથી. છતાં એક સમય આપણા દેશમાં જરૂર એવો હતો જ્યારે ભલાઇની વાત આવે ત્યારે લોકો પહેલાં ત્યાં પહોંચી જાય. એવે સમયે કમાણીના સો રસ્તા ખુલ્લા હોય તો પણ જો આપણી એક ભલાઇથી કોઇનું જીવન બચતું હોય, અથવા કોઇની તકલીફમાં રાહત થતી હોય તો માણસ પહેલા પોતાનો સ્વાર્થ બાજુ પર મુકીને જરૂરીયાતમંદને મદદ કરતો.

આ તે સમયની વાત છે જ્યારે આપણાં દેશમાં પ્રેક્ટિકાલીટીનો ફેલાવો બહોળા પ્રમાણમાં નહોતો થયો. આ તે સમયની વાત છે જ્યારે આપણા દેશમાં લોકો એટલા વિકાસશીલ નહોતા થયા કે આપણો સ્વાર્થ દરેક વસ્તુમાં પહેલાં જોવાનો પછી જ સામેવાળાની તકલીફ વિશે વિચારવાનું. તે જ સમયની વાત છે, હવે દેશ દુનિયામાં લોકોના વિચાર બદલાયા છે, લોકો હવે કહેવાતા વિચારશીલ તેમજ પ્રેક્ટીકલ થવા લાગ્યા છે જેમા સ્વના નફાની વાત પહેલાં આવે છે અને પછી જ બીજાની તકલીફને ધ્યાનમાં લેવામા આવે છે. હવે લોકો નાની નાની વાતમાં પણ જો પોતાને તે વાતથી લાભ અથવા કમાણી થતી હોય તો તેને પહેલું પ્રાધાન્ય આપે છે. નો ડાઉટ પોતાના વિશે વિચારવાનો હક તમામ લોકોને છે, પોતાના લાભ અંગે આપણે જ વિચારવું પડે, પરંતુ આપણે જ્યારે જાણીએ કે સામેવાળી વ્યક્તિની જરૂરીયાત આપણાં કરતાં ક્યાંય વધારે છે છતાં આપણે આપણા મનને સ્વકેન્દ્રીત થતાં રોકી નથી શકતાં.

અને આવું માત્ર અમુક સેક્ટરમાં જ નહી, કે વાત અહી માત્ર કોર્પોરેટ જગત કે કમાણી કરવાની જ નથી, વાત અહી મોટી મોટી હોસ્પીટલોની પણ છે. મેગા સીટી હોય કે નાનું એવું ગામ હાલના સમયે મેડીકલ ક્ષેત્રે પણ સરકાર ગરીબોને ફ્રીમાં ઉપાય માટેના મોટા મોટા નિવેદનો આપે છે, પરંતુ મોટી મોટી હોસ્પીટલમાં તપાસ કરવામા આવે તો જે લોકો પૈસા ખર્ચી જાણે છે તેમને સગવડતા અને ઇલાજ જલદી આપવામાં આવે છે, જ્યારે જે ગરીબ છે, જેમને ઇલાજ કરાવવો ફરજીયાત છે તેવા લોકોને આવી મોટી મોટી હોસ્પીટલમાંથી ધક્કા ખાઇને પાછા આવવું પડે છે, અથવા તો કલાકોના કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યાં પછી પણ યોગ્ય ઇલાજ નથી મળતો. અમુક જગ્યાએ સારવાર મળે તો તે પણ એ કક્ષાની તો નહી જ જે કક્ષાની સારવાર પૈસાદાર લોકોને મળતી હોય. જે લોકો પૈસા ખર્ચી જાણે છે તે લોકોની આસપાસ હોસ્પીટલના કેટલાંય સ્ટાફને લગાડવામા આવે છે, અને જે પૈસા નથી ખર્ચી સકતાં તેવા લોકોને હોસ્પીટલમાં સ્પેશીયલ બેડ પણ અલોટ કરવામાં નથી આવતો.

અરે કહેવાતી ચેરીટેબલ હોસ્પીટલો પણ હોસ્પીટલની વિશેષતાઓ બતાવવા ગરીબો માટેની સેવા કરવાના મોટા મોટા દાવા કરતી હોય છે, પરંતુ માહ્યલા ગુણ તો મહાદેવજી જ જાણે એ કહેવત મુજબ અંદરખાને આ ચેરીટેબલ હોસ્પીટલનું પણ મુખ્ય લક્ષ્ય તો પોતાના ખિસ્સાઓ ભરવાનું જ હોય છે. વળી સરકારી દવાખાનાની વાત લઇએ તો અહી સરકાર દ્વારા ભંડોળ તો ઘણો ફાળવવામાં આવતો હોય છે પરંતુ તે હોસ્પીટલની સફાઇ, હોસ્પીટલમાં જરૂરીયાતના સારા સાધનો વસાવવાને બદલે બીજા લોકોના ખિસ્સામાં જાય છે, પરિણામે ન તો લોકોના ઇલાજમાં પુરતું ધ્યાન અપાય છે, ન તો હોસ્પીટલની સ્વચ્છતામાં. પરીણામે દરદીઓ અહી આવ્યા પછી પોતાના રોગ સિવાય ઇન્ફેક્શનના પણ ભોગ બની શકે છે.

[email protected]