Bharat Bandh : 2 Year Old Girl Died Due Traffic Jam in Bihar
  • Home
  • Featured
  • ભારત બંધ : ટ્રાફિક જામમાં 2 વર્ષની માસૂમ બાળકીનું મોત, BJPએ કોંગ્રેસનો ઉધડો લીધો

ભારત બંધ : ટ્રાફિક જામમાં 2 વર્ષની માસૂમ બાળકીનું મોત, BJPએ કોંગ્રેસનો ઉધડો લીધો

 | 2:22 pm IST

બિહારના જહાનાબાદમાં ભારત બંધના કારણે ભિષણ ટ્રાફિક જામ સર્જાયો છે. જ એમાં બિમાર એવી 2 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી પરંતુ રસ્તામાં સર્જાયેલો ટ્રાફિક દૂર ન થતા માસૂમ બાળકીએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો. આ મામલે હોબાળો મચી જવા પામ્યો છે.

આ મામલે જહાનાબાદના એસડીઓનું કહેવું છે કે, બાળકીના પરિજનો ઘરેથી હોસ્પિટલ લઈ જવામાં જ મોડું કરી દીધું હતું, જેના કારણે બાળકીનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત બંધના કારણે બિહારમાં ભારે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે. વિરોધ પક્ષોએ અનેક જગ્યાએ ચક્કાજામ કર્યો છે અને ટ્રેનો રોકી છે. પટના સહિત અનેક વિસ્તારોમાં વિરોધ પક્ષના કાર્યકર્તાઓનું આ પ્રદર્શન ઉગ્ર સ્વરૂપ ધારણ કરતુ નજરે પડે છે.

બાળકીના મોતને લાઈને ભાજપની કોંગ્રેસ પર પસ્તાળ

બાળકીના મોતને લઈને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, હિંસા અને મોતના આ ખેલ માટે કોણ જવાબદાર? કોઈ પણ બંધ દરમિયાન દવાની દુકાન અને એમ્બુલન્સને ના અટકાવી શકાય. પરંતુ બિહારના જહાનાબાદમાં કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ એમ્બ્યુલન્સને માર્ગ ના આપ્યો. જેના કારણે એક નાની માસૂમ બાળકીનો જીવ ગયો. આ માટે કોણ જવાબદાર? હિંસાનો આ ખેલ બંધ થવો જોઈએ. પ્રસાદે કહ્યું હતું કે, દેશમાં ભયનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. જનતાનું સમર્થન નથી મળતું ત્યારે આ પ્રકારે ઉગ્રતાથી પ્રદર્શન કરીને બંધ સફળ કરાવવાના પ્રયાસ કરવામાં આવે છે. અમે લોકોની મુશ્કેલીઓની સાથે છીએ. અમે તેનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને કાઢીશું પણ.

પટનામાં પણ વિરોધ પ્રદર્શન

રાજ્યના ગયા, પટના, ભોજપુર, દરભંગા સહિતના જુદા જુદા વિસ્તારોમાં બંધના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી રહ્યાં છે. બિહારમાં આ બંધમાં કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), જન અધિકાર પાર્ટી, હિંદુસ્તાન આવામ મોર્ચા, તમામ વામપંથી દળ સહિતની અન્ય વિરોધી પાર્ટીઓ સામેલ છે. રાજ્યમાં અનેક ઠેકાણે પ્રદર્શને હિંસક સ્વરૂપ પણ ધારણ કર્યું છે. બેગૂસરાય સ્ટેશન પર ટ્રેનો પણ અટકાવી દેવામાં આવી છે.