Bharat Bandh : BJP Blam Congress
  • Home
  • Featured
  • કેન્દ્ર સરકારે હાથ ઉંચા કરી દીધા, પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાના કારણો ગણાવ્યા

કેન્દ્ર સરકારે હાથ ઉંચા કરી દીધા, પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાના કારણો ગણાવ્યા

 | 4:29 pm IST

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર કોંગ્રેસની આગેવાનીમાં વિરોધ પક્ષોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે જેને ભાજપે નિષ્ફળ ગણાવ્યું છે. ભાજપે કહ્યું છે કે, બંધ દરમિયાન થયેલી હિંસા કોંગ્રેસ અને વિરોધ પક્ષોની નિષ્ફળતા છે. સાથે જ ભાજપે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને લઈને પણ સ્પષ્ટિકરણ કર્યું હતું. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઈંધણના વધતા જતા ભાવો પર આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

ભાજપે હાથ ઉંચા કરી લેતા કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ ભાવ વધારા પાછળ સરકારનો કોઈ જ હાથ નથી. સાથે ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન તાકતા કહ્યું છે કે, રાહુલ ગાંધી બોલે ત્યારે જ દેશને ચિંતા થાય છે.

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, હિંસા અને મોતના આ ખેલ માટે કોણ જવાબદાર? કોઈ પણ બંધ દરમિયાન દવાની દુકાન અને એમ્બુલન્સને ના અટકાવી શકાય. પરંતુ બિહારના જહાનાબાદમાં કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ એમ્બ્યુલન્સને માર્ગ ના આપ્યો. જેના કારણે એક નાની માસૂમ બાળકીનો જીવ ગયો. આ માટે કોણ જવાબદાર? હિંસાનો આ ખેલ બંધ થવો જોઈએ. પ્રસાદે કહ્યું હતું કે, દેશમાં ભયનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. જનતાનું સમર્થન નથી મળતું ત્યારે આ પ્રકારે ઉગ્રતાથી પ્રદર્શન કરીને બંધ સફળ કરાવવાના પ્રયાસ કરવામાં આવે છે. અમે લોકોની મુશ્કેલીઓની સાથે છીએ. અમે તેનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને કાઢીશું પણ.

તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને જીએસટી અને નોટબંધી પર સંસદમાં ચર્ચા કરવાનો પણ પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું એક સામાન્ય કાર્યકર્તા છું અને મનમોહન સિંહને જીએસટી અને નોટબંધી પર ચર્ચા કરવાનો પડકાર ફેંકુ છું. તેઓ મોટા ગજાના અર્થશાસ્ત્રી છે. તથ્યો સાથે મારી સાથે ચર્ચા કરે. તેઓ મારી અપીલ સ્વિકારે.

રવિશંકરે જણાવ્યું કેમ વધે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

* ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોના કારણે ક્રુડ ઓઈલ વ્યવહારને અસર પહોંચી

* અમેરિકામં હાલ શેલ ગેસનું ઉત્પાદન શરૂ નથી થયું.

* ભારત ક્રુડ ઓઈલની આયાત પર નિર્ભર છે અને વૈશ્વિક બજારમાં તેલની અછત છે.

* ક્રુડ ઓઈલ ઉત્પાદક દેશોનો સમુહ ઓપેકે તેલનું ઉત્પાદન મર્યાદીત કરી નાખ્યું.

* ક્રુડ ઓઈલના ભાવ કેન્દ્ર સરકાર નક્કી નથી કરતી.

જનતાનો ટેક્ષ ક્યાં વપરાય છે તેનો આપ્યો જવાબ

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે જુદી જુદી યોજનાઓ પર દેશની સામાન્ય જનતા માટ્યે ટેક્ષમાંથી મળતી રકમ ખર્ચ કરે છે. રાઈટ ટૂ ફૂડ અને સસ્તા દરે ભોજન પુરૂ પડવામાં લગભગ 1 લાખ 62 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. મનરેગા મજૂરીની ચૂકવણી પર 7 હજાર કરોડ રૂપિયા. નેશનલ હાઈવે પ્રોગ્રામ પર પણ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. એક ગકરોડ ગ્રામીણ લોકોને આવાસ આપવામાં આવ્યાં, 18 હજાર ગામડાઓમાં વીજળી પહોંચાડવામાં આવી. આ ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 10 કરોડ પરિવારને વર્ષે 5 લાખ રૂપિયાનું વિમા કવર આપવામાં આવનાર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના લોકો પણ જાણે છે કે, પેટ્રોલ-ડીઝલના જે ભાવ વધ્યા છે તેમાં ભારત સરકારનો હાથ નથી. અને એટલે જનતા ભારત બંધથી અળગી રહી છે. તેમણે કહ્યું હતું કે, દેશની સામે એક સમન્વય જાણકારી આવવી જોઈએ. તેના પર એક સાર્થક ચર્ચાની જરૂર છે. અમારી સરકાર એક પરિવારની સરકાર નથી પણ અમારી સરકાર ગરીબો માટે પ્રામાણિકતાથી કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન