ભારત બંધથી જનજીવન ખોરવાયું : અનેક રાજ્યોમાં હિંસા, આગચંપી - Sandesh
  • Home
  • India
  • ભારત બંધથી જનજીવન ખોરવાયું : અનેક રાજ્યોમાં હિંસા, આગચંપી

ભારત બંધથી જનજીવન ખોરવાયું : અનેક રાજ્યોમાં હિંસા, આગચંપી

 | 12:42 am IST

નવી દિલ્હી :

પેટ્રેલ-ડીઝલના ભાવમાં કમરતોડ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલાં ભારત બંધને કારણે અનેક રાજ્યોમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. કોંગ્રેસ સાથે ૨૧ જેટલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો પણ જોડાયા હતા. જો કે મહાગઠબંધનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા સપા-બસપાએ અંતર જાળવ્યું  હતું. કેટલાંક રાજ્યોમાં રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા રસ્તાઓ રોકીને વાહનોમાં તોડફોડ કરાઈ હતી અને ટાયરો સળગાવીને હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. કેટલાંક રાજ્યોમાં તોડફોડ અને હિંસા આચરવામાં આવી હોવાના અહેવાલો હતા. બંધને કેટલાંક રાજ્યોમાં મિશ્ર પ્રતિભાવ પણ મળ્યો હતો.

સવારથી જ સ્કૂલો-કોલેજો બંધ રહ્યાં હતાં. બજારો અને વેપારધંધા બંધ રહ્યા હતા. ક્યાંક વાહનોને રોકીને ચક્કાજામ કરવામાં આવતાં વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી. કાર્યકરોએ ભાજપ સરકારની નીતિના વિરોધમાં સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. કેટલાંક રાજ્યોમાં ટ્રેનો રોકવામાં આવી હતી. બસોને રોકીને આગ લગાડવાની ઘટનાઓ બની હતી. કેટલાંક રાજ્યોમાં બંધની આડમાં તોફાની તત્ત્વોએ લોકોને બાનમાં લીધાં હતાં. પોલીસે એક હજારથી વધારે વિરોધપ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. બંધને કારણે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, ઓડિશા, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા તેમજ પૂર્વોત્તર રાજ્યોમાં રસ્તા રોકો આંદોલન કરીને વાહનોની તોડફોડ કરાઈ હતી અને ક્યાંક વાહનોને સળગાવવામાં આવ્યાં હતાં.

બીજી બાજુ રાજસ્થાને રવિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચાર ટકા વેટ ઘટાડયા બાદ આંધ્ર પ્રદેશ પણ આ કવાયતમાં જોડાયું હતું. કેન્દ્ર દ્વારા કોઈ રાહત મળશે નહીં તેનાં એંધાણ આવતાં જ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. સોમવારે મધરાતથી આંધ્ર પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો.

એક્સાઇઝડયૂટીમાં કોઈ ઘટાડો નહીં થાય : સરકાર

કેન્દ્ર સરકારે આર્થિક સ્થિતિને આગળ ધરીને એક્સાઇઝડયૂટીમાં ઘટાડો કરવામાંથી હાથ ખંખેરી લીધા હતા. હવે રાજ્ય સરકારો દ્વારા કોઈ રાહત મળે તો જ જનતાનાં ખિસ્સાં ઉપરનો ભાર હળવો થાય તેમ છે. બે રાજ્યોએ તરત જ પ્રજાને રાહત આપી દીધી છે.