Bharoda mysterious murder case, lent money to a friend and died
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ભરોડા રહસ્યમય હત્યા પરથી પડદો ઊંચકાયો, મિત્રને ઉછીના નાણા આપ્યા અને મોત મળ્યું

ભરોડા રહસ્યમય હત્યા પરથી પડદો ઊંચકાયો, મિત્રને ઉછીના નાણા આપ્યા અને મોત મળ્યું

 | 6:29 pm IST
  • Share

ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે આવેલી પ્રાથમિક શાળાની મધ્યાહન ભોજનની ઓરડી પાસે ગત 26મી તારીખના રોજ રાત્રિના સુમારે 29 વર્ષીય યુવકની હત્યા થઇ હતી, જેનો ભેદ તપાસ કરતી ખંભોળજ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાંખ્યો છે. હત્યાની આ ઘટનામાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

ભરોડા ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં આવેલા મધ્યાહન ભોજનની ઓરડી પાસેથી ગામના શ્રવણકુમાર ભોઈની હત્યા કરાયેલી લાશ મળી આવતાં આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને ખંભોળજ પોલીસે તપાસ હાથ ધરી હતી. 26મીની રાત્રિના સુમારે શ્રવણ તેના મિત્ર કિરિટભાઈ શનાભાઈ ભોઈ સાથે હતો, જેથી પોલીસે સરકારી દવાખાનાની બાજુમાં આવેલા વડ પાસેથી કિરિટ ભોઈને ઝડપી પાડીને પોલીસ મથકે લઈ જઈ તેની પૂછપરછ કરતાં તેણે પોતાના સાગરિતો શૈલેષભાઈ ઉર્ફે ચેટી નટુભાઈ ભોઈ, જય ઉર્ફે જલો હર્ષદભાઈ ભોઈ અને પ્રતિકકુમાર ઉર્ફે શંભુ રમેશભાઈ ભોઈ સાથે મળીને શ્રવણકુમારની પૈસાની લેતીદેતીમાં ઝઘડો કરીને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે શૈલેષ, જય ઉર્ફે જલો અને પ્રતિક ઉર્ફે શંભુને પણ ઝડપી પાડીને ચારેયની અલગ-અલગ પુછપરછ કરતાં શ્રવણકુમારે પોતાના મિત્ર કિરિટભાઈને પૈસા ઉછીના આપ્યા હતા. જે પૈકી કેટલાક આપી દીધા હતા. બાકીના પૈસા બાબતે શ્રવણકુમાર વારેઘડીએ કિરિટભાઈ પાસે ઉઘરાણી કરતો હતો.

હત્યાના બનાવની 26મી તારીખના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે કિરિટ પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે ભરોડા ગામની પ્રાથમિક શાળાએ બેઠો હતો. ત્યારે શ્રવણકુમાર આવી પહોંચ્યો હતો અને કિરિટ પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી બન્ને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થવા પામી હતી. બન્નેએ એકબીજાની ફેંટ પકડી લીધી હતી. દરમ્યાન કિરિટનું ઉપરાણું લઈને ત્રણેય શખ્સોએ માર મારી શ્રવણને ધક્કો મારતાં તે આરસીસી સીમેન્ટના ઓટલા ઉપર પછડાતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. આ સાથે જ શ્રવણકુમારનું ગળુ દબાવવાની કોશિષ કરી હતી. જેમાં શ્રવણે બચવા ધમપછાડા કરતા પગની બન્ને પીંડીઓ ઉપર ઈજાઓ થવા પામી હતી. શ્રવણકુમાર તરફડીને મોતને ભેટ્યા બાદ ચારેય જણાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આમ, પોલીસે ભરોડાના રહસ્યમય હત્યાકાંડ પરથી ગણતરીના કલાકોમાં જ પડદો ઊંચકીને ચારેય શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો