ભરૂચ: પત્ની અને બે બાળકોની હત્યા કરી પતિએ પણ કર્યો આપઘાતનો પ્રયાસ - Sandesh
  • Home
  • Bhuj
  • ભરૂચ: પત્ની અને બે બાળકોની હત્યા કરી પતિએ પણ કર્યો આપઘાતનો પ્રયાસ

ભરૂચ: પત્ની અને બે બાળકોની હત્યા કરી પતિએ પણ કર્યો આપઘાતનો પ્રયાસ

 | 11:01 pm IST

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં પતિએ પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કરી પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ રંગકૃપા સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વરની ખાનગી કંપનીમાં નોકરી કરતા જગદીશ સોલંકી છેલ્લા એક વર્ષથી ભાવનગરથી ભરૂચ રહેવા આવ્યા હતા. આજ રોજ બપોરના અરસામાં તેઓ પોતાના ઘરે પત્ની અને સંતાનો સાથે હતા. દરમિયાન જગદીશ સોલંકીએ પોતાની પત્ની વંદના, સાત માસની બાળકી રૂપાલી અને બે વર્ષના બાળક વેદાંતને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ પોતે પણ ગળે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ આસપાસના રહીશોને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી અને ગંભીર રીતે ઘવાયેલ જગદીશને પ્રથમ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પત્ની અને બે માસુમ બાળકોને મોતને ઘાટ ઉતારી દેનાર જગદીશ હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે જો કે જગદીશ છેલ્લા કેટલાક સમયથી ચિંતા ગ્રસ્ત રહેતો હોવાનું પણ લોકોમ ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ અત્યાર સુધી આ પગલું ભરવા પાછળનું ઠોસ કારણ જાણવા મળી શક્યું નથી જે કદાચ જગદીશના સાજા થઇ ગયા બાદ જાણવા મળી શકે. હાલ તો પોલીસે બનાવ અંગે હત્યા અને આત્મહત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.