ભાજપના 7 સભ્યોનો પક્ષપલટો, ભાજપને વિપક્ષમાં બેસવાનો આવ્યો વારો - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાજપના 7 સભ્યોનો પક્ષપલટો, ભાજપને વિપક્ષમાં બેસવાનો આવ્યો વારો

ભાજપના 7 સભ્યોનો પક્ષપલટો, ભાજપને વિપક્ષમાં બેસવાનો આવ્યો વારો

 | 8:20 pm IST

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ગઢમાં જ ભાજપને ફટકો પડયો છે. ભાવનગર જિલ્લાના મહુવા અને પાલિતાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મહુવામાં ખુદ ભાજપના જ 3 મહિલા સહિત 7 સભ્યોએ ભાજપને મોટો આંચકો આપી પક્ષપલટો કરી વિરુદ્ધમાં વોટિંગ કરતા વર્ષોથી સત્તાનું સુકાન સંભાળનારી ભાજપને હવે વિપક્ષમાં બેસવાનો વખત આવ્યો છે. ભાજપના 7 સભ્યોએ અંદરખાને ઓપરેશન પાર પાડતાં મહુવા નગરપાલિકામાં અઢી વર્ષ માટે હવે કોંગ્રેસ શાસન સંભાળશે.

મહુવા નગરપાલિકામાં 23 સભ્યોની બહુમતી સાથે સત્તાપર પર બેસનાર ભાજપને પછડાટ આપી કોંગ્રેસ સત્તા પર આવી છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થતાં બીજી ટર્મ માટે સોમવારે મહુવા ન.પા.માં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના 13 સભ્યો અને ભાજપના 7 સભ્યોએ ભાજપ વિરોધી મતદાન કરી નગરપાલિકામાં સત્તા પલટાવી દીધી હતી.

જ્યારે બળવો કરી કોંગ્રેસને સત્તાનું સુકાન અપાવવા બદલ ભાજપના બે સભ્યને મુખ્ય હોદ્દા મળ્યા છે. કોંગ્રેસ સાથે હાથ મિલાવનાર મૂળ ભાજપના મંગુબહેન બારૈયાને પ્રમુખ અને શૈલેષ સેતાને ઉપપ્રમુખનો તાજ અપાયો હતો. આંતરિક વિવાદ અને મતભેદ તેમજ અસંતુષ્ટોએ ભાજપને મોટો આંચકો આપતાં મહુવા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.

ભાજપનાં આ પીઢ નેતાએ કોંગ્રેસને સત્તા અપાવી
(1) મંગુબહેન ડી. બારૈયા (5) દર્શનાબહેન ઝવેરી
(2) શૈલેષ સેતા (6) બિપીન સંઘવી
(3) અશોક વાઢેર (7) મધુબહેન ગુજરિયા
4) મહેશ વ્યાસ

બળવાખોરી પાછળ અસંતોષ જવાબદાર
મહુવા નગરપાલિકાની સત્તામાંથી ભાજપને સરકાવી કોંગ્રેસને સત્તાનું સુકાન સોંપવામાં ભાજપના 7 સભ્યોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બળવાખોર સાતેય સભ્યોના વિરુદ્ધમાં મતદાનથી વર્ષોથી શાસન ચલાવનાર ભાજપના શાસકો ચોંકી ઊઠયા છે. રાજકારણીઓમાં થતી ચર્ચા મુજબ ઘણાં સમયથી ભાજપમાં અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો હતો. ઘણી વાતને લઈ સભ્યોમાં જ અસંતોષની લાગણી હતી.