ભાવનગર પોલીસની મોટી સફળતા, 11 ચોરી કરીને તહેલકો મચાવનારી ગેંગ પકડી - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગર પોલીસની મોટી સફળતા, 11 ચોરી કરીને તહેલકો મચાવનારી ગેંગ પકડી

ભાવનગર પોલીસની મોટી સફળતા, 11 ચોરી કરીને તહેલકો મચાવનારી ગેંગ પકડી

 | 4:25 pm IST

ભાવનગર એલસીબી પોલીસને વણઉકેલ્યા 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જેમાં સિહોર પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી એલસીબીની ટીમે 9 વાહનચોરી તથા ધાડ, અને ભેંસ ચોરી મળી કુલ 11 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. અને ભતીયા ગેંગના ત્રણ શખ્સોને ત્રણ બોલેરો કાર અને ત્રણ બાઈક મળી કુલ રૂ.૧૪,૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પા્ડ્યા છે.

ભાવનગર તથા આસપાસના જિલ્લા અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાહનચોરીને અંજામ આપતી ભતીયા ગેંગના મુખ્ય સુત્રધાર સાથે ત્રણ લોકોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સિંહોર પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે સોનગઢ તરફથી ત્રણ બોલેરો કાર અને તેમાં ત્રણ બાઈક પણ ભરેલા હોય અને શંકાસ્પદ હોય તેવુ લાગી રહ્યું છે. જેથી આ બાબતે ભાવનગર એલસીબીને જાણ કરાતા એલસીબી પોલીસ દ્વારા સિંહોરમાં વોચ ગોઠવામાં આવી હતી. રાત્રિના અઢી વાગ્યાની આસપાસ આ ત્રણેય બોલેરો ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી હતી.

તપાસ કરતા આ તમામ બોલેરો કાર અને બાઈક ચોરીના હોવાનું જણાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે વધુ પૂછપરછ કરતા રાજ્યભરમાં વાહનચોરીને અંજામ આપતી ભતીયા ગેંગ હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં ઝડપાયેલા પૈકી ગેંગના મુખ્ય સુત્રધાર એવા જીતુભાઇ ઉર્ફે ભતીયો ભીમાભાઇ વાઘેલા તેમજ મહેબુબભાઇ ઇસ્માઇલભાઇ પઠાણ, રાજુભાઇ વાસુરભાઇ વાઘોશી હોવાનું જણાવ્યું હતું.

આ ત્રણેય ઇસમોની પુછપરછ કરતાં ઉપરોકત બોલેરો ગાડી ક્યાં ક્યાંથી ચોરી કરી હોવાની માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે ભેંસ અને કપાસની ચોરી પણ કબૂલી હતી. આઠેક મહિના પહેલાં સિંહોર તાલુકાનાં ઘાંઘળી ગામ પાસે આવેલ નવાગામ ગામેથી પાંચ ભેંસ તથા એક પાડીની ચોરી કરી હતી. તેમજ સણોસરા ગામ રાજકોટ હાઇ-વે પર મંદિરની નજીક આવેલ વાડીમાં ધાડ કરી કપાસની ચોરી કરી હતી.

આ અંગે વધુ તપાસ દરમિયાન તેઓએ ચોરી કરેલ અન્ય બોલેરો દારૂ સાથે પકડાઈ હતી. તેમજ બીજી બોલેરો જીતુ ઉર્ફે ભતીયાનાં ઘર પાસે બાવળની કાંટાળી ઝાડીમાંથી તેમજ એક મારૂતિ વાન રૂપાવટી રોડ ઉપરથી કબ્જે કરવામાં આવેલ છે.

આ આરોપીઓ પૈકી મહેબુબભાઇ પઠાણ ચોરી કરેલ બોલેરોમાં નંબર પ્લેટ તથા એન્જીન નંબર તથા ચેસીઝ નંબરમાં ફેરફાર કરી આપતો હતો. આ આરોપીઓ બોલેરો કારમાં જુની ચાવીઓ લગાડી વાહન ચોરી કરતા હતા. જ્યારે ચોરેલા આ તમામ વાહનો તેઓ ભાવનગર અથવા અમદાવાદ તરફ વેચાણ કરવા જતાં હોય ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા.