ભવનાથનો મેળો મિની કુંભ જાહેર, દિગંબર સાધુઓની રવેડીના દર્શનથી લાખો ભાવિકો ભાવવિભોર - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ભવનાથનો મેળો મિની કુંભ જાહેર, દિગંબર સાધુઓની રવેડીના દર્શનથી લાખો ભાવિકો ભાવવિભોર

ભવનાથનો મેળો મિની કુંભ જાહેર, દિગંબર સાધુઓની રવેડીના દર્શનથી લાખો ભાવિકો ભાવવિભોર

 | 9:43 am IST

છેલ્લા પાંચ દિવસથી ગરવા ગિરનારના સાનિધ્યે યોજાયેલ જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રિના મેળામાં જાણે કે માનવ મહેરામણ ઘુઘવાયો હોય તેવો માહોલ રચાયો હતો. છ લાખ જેટલા ભાવિકો મેળો માણવા અને આ મેળાના ખાસ આકર્ષણ એવા રવેડી સરઘસના દર્શન કરવા ઉમટી પડયા હતાં. મધરાત્રે નિકળેલી દિગમ્બર સાધુઓની રવેડી નિહાળી હજ્જારો શ્રધ્ધાળુઓએ ભાવવિભોર બની ધન્યતાની લાગણી અનુભવી હતી. રવેડીના રૃટ ઉપર બન્ને ભાગે ચિક્કાર મેદની છલોછલ જોવા મળી હતી. ભવનાથ મંદિરે મહાઆરતી બાદ મેળો પુરો થતા જ ભાવિકોના મોટા પ્રવાહે પરત પોતાના વતનની વાટ પકડી હતી.

જૂનાગઢના મહાશિવરાત્રિના મેળાના મંગળવારે અંતિમ દિવસે આખો દિવસ દરમિયાન હજ્જારો શ્રદ્ધાળુઓની આગમન થયું હતું. શહેરના ગિરનાર દરવાજાથી તળેટી સુધીના માર્ગોની બન્ને તરફ શ્રધ્ધાળુઓના એકધારા પ્રવાહની આવક-જાવક થતી રહી હતી. ભવનાથ તળેટી તો ઠીક માર્ગો ઉપર પણ પગ મુકવાની જગ્યા રહી નહોતી. સાંજ પડતા જ મેળો તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. સાધુ-સંતો દ્વારા યોજાતી રવેડી નિહાળવા માટે રૃટની બન્ને તરફ ચિક્કાર જનમેદની બપોરથી જ ગોઠવાઈ ગઈ હતી. ભાવિકોની પ્રતિક્ષાના અંતે મધરાત્રે જૂના, આવાહન અને અગ્નિ અખાડાના સાધુ-સંતોના દેવી દેવતાઓની પાલખીયાત્રા સાથે દિગમ્બર સાધુઓની રવેડી શરૃ થઈ હતી. જેમાં આ ત્રણેય અખાડાના વરિષ્ઠ સંતોએ બગીમાં બેસી રવેડી સરઘસની આગેવાની કરી હતી. ગિરનાર તળેટીના જૂના અખાડા ખાતેથી શરૃ થયેલી રવેડી રૃપાયતનના પાટીયા પાસેથી ભારતી આશ્રમ થઈ ભવનાથ મંદિરે પરત ફરી હતી. અહી પહોંચ્યા બાદ સાધુ-સંતોએ ભવનાથ મંદિરના પૌરાણિક મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. ત્યાર બાદ ભવનાથ મંદિરમાં દેવાધિદેવ મહાદેવની મહાઆરતી થઈ હતી. આ મહાઆરતી પૂર્ણ થવા સાથે જ છેલ્લા પાંચ દિવસથી ચાલતા ગિરનાર તળેટીના શિવરાત્રિના મેળાની પૂર્ણાહુતિ થઈ હતી. મોડી રાત્રે મેળો પુરો થતા જ શ્રદ્ધાળુઓ પરત ફરવા માંડયા હતાં.

ભવનાથનો મેળો મીની કુંભ જાહેર
આ મેળામાં ભગવાન શિવ સમક્ષ શિશ નમાવતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ શિવરાત્રીના મેળાને મીની કૂંભ મેળો જાહેર કર્યો છે. વિજયભાઈ રૃપાણીએ શિવ મંદિરે મહાપુજા કર્યા બાદ ભરચક પત્રકાર પરિષદમાં ઉપરોકત જાહેરાત કરી હતી. ગઈકાલે સાંજે પ વાગ્યે કેશોદ એરપોર્ટ પરથી મોટરમાર્ગે જૂનાગઢ પહોંચી ભવનાથ મેળામાં શિવદર્શને તથા વરિષ્ઠ સાધુ-સંતોના મિલન સમારોહમાં પહોંચેલા વિજયભાઈ રૃપાણીએ જણાવ્યું હતું કે ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચનામાં સાધુ-સંતોને મહત્વનું સ્થાન આપવામાં આવશે. ગિરનારની સીડીના રીપેરીંગ તથા કાયમી સાફ સફાઈ માટે અલગ ગ્રાંટ ફાળવવામાં આવશે. મુખ્યમંત્રીની આ જાહેરાતને લાખ્ખો શ્રધ્ધાળુઓએ વધાવી લીધી હતી. મુખ્યમંત્રીએ ગિરનાર તિર્થ પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર જરૃરીયાત મુજબનો તમામ ખર્ચ કરશે તેમ જણાવ્યું હતું અને તળેટી સ્થિત પંચદશનામ જૂના અખાડાની વર્ષો જુની જગ્યાની જમીનને નિયમીત કરવાની જાહેરાત કરી તે અંગેનો હુકમ અખાડાના સંતોને અર્પણ કર્યો હતો.

રવેડીમાં દિગંબર સાધુઓના અનેક કરતબોથી રોમાંચિત શ્રધ્ધાળુઓ બન્યા ભાવવિભોર
શિવરાત્રી મેળામાં જેનું વિશેષ મહત્વ હોય છે તે સાધુ-સંતો ના રવેડી સરઘસના રૃટમાં આ વર્ષે થોડો ફેરફાર કરાયો હતો અને જૂના અખાડાથી શરૃ થયેલ રવેડી તળેટીના રૃપાયતન પાસે થઈ ભારતી આશ્રમ થઈને ભવનાથ મંદિર ખાતે પહોંચી હતી. રવેડીમાં પ્રથમ જુના અખાડાના સાધુ-સંતો અખાડાના ઈષ્ટદેવ દતાત્રેયજીની પાલખી સાથે બાદમાં આવાહન અખાડાના સાધુઓ સિધ્ધ ગણેશજીની પાલખી સાથે અને બાદમાં અગ્નિ અખાડાના સાધુઆએ ગાયત્રી માતાજીની પાલખી સાથે રવેડીની આગેવાની કરી હતી. સમગ્ર રવેડીમાં દિગંબર સાધુઓએ વિશેષ આકર્ષણ જન્માવ્યું હતું. હર હર મહાદેવ અને જય ગિરનારીના ગગનભેદી નારા સાથે તલવાર, ભાલા વગેરે શસ્ત્રોના વિવિધ દાવોથી તેમજ શારિરીક કરતબો બતાવતા શક્તિ પ્રદર્શનો દર્શાવતા દિગંબર સાધુઓથી હજ્જારો શ્રધ્ધાળુઓ તેમજ વિદેશો પર્યટકો પણ ભાવિભોર થઈ ભારે પ્રભાવિત થયા હતાં.