ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, સંપત્તિને લઈને થયો ચોંકાવનારો ખુલાસો - Sandesh
  • Home
  • Featured
  • ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, સંપત્તિને લઈને થયો ચોંકાવનારો ખુલાસો

ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, સંપત્તિને લઈને થયો ચોંકાવનારો ખુલાસો

 | 2:14 pm IST

આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઈને હવે એક નવો વળાંક આવ્યો છે. પોલીસને વધુ એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં ભૈયુજીએ તેમની સંપત્તિ તેમના સેવાદાર અને સૌથી નજીકના એવા વિનાયકના નામે કરી દીધી છે.

વિનાયક છેલ્લા 15 વર્ષોથી ભૈયુજી મહારાજની સાથે જ હતાં. તેમને ભૈયુજીની સૌથી નજીકના વ્યક્તિ માનવામાં આવતાં હતાં. સુસાઈડ નોટના બીજા પાને ભૈયુજીએ તેમના આશ્રમ, પ્રોપર્ટી અને નાણાંકિય શક્તિઓની તમામ જવાબદારી વિનાયકને સોંપી દીધી છે.

સુસાઈડ નોટમાં ભૈયુજી મહારાજે લખ્યું છે કે, હું વિનાયક પર વિશ્વાર રાખુ છું. માટે તેને આ તમામ જવાબદારીઓ સોંપુ છું. હું કોઈના પણ દબાણમાં આવ્યાં વગર આ લખી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, જ્યારે ભૈયુજીએ પોતાને ગોળી મારી ત્યારે વિનાયક પણ તેમના ઘરે જ હાજર હતા.

ભૈયુજી મહારાજે ગઈ કાલે બપોરે તેમના ઈંદોર ખાતેના નિવાસસ્થાને લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેઓ અનેક રાજકીય હસ્તીઓ સાથે સારા સંબંધો ધરાવતા હતાં. તેમની આત્મહત્યાથી દેશભરમાં સનસનાટી મચી જવા પામી હતી. ગઈ કાલે જ પોલીસને ભૈયુજીની સુસાઈડ નોટ મળી આવી હતી.

ડીઆઈસીએ હરિનારાયણાચારી મિશ્રએ કહ્યું છે કે, સુસાઈડ નોટમાં વિનાયકનો ઉલ્લેખ છે. આ વ્યક્તિ 15-16 વર્ષથી તેમની દેખરેખ કરતો હતો. તેમની સાથે જ રહેતો હતો. આ દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરશે. એવી પણ શક્યતા છે કે, તે વિનાયકને લઈને ભાવનાત્મક રીતે ખુબ જ નજીક રહ્યાં હશે માટે તેનું નામ લખવામાં આવ્યું છે.

પોલીસે ભૈયુજીના મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ ઉપરાંત રિવલ્વોર, મોબાઈલ, ટેબ, લેપટોપ, અને ફોન સહિતના 7 વસ્તુઓ કબજે લીધી હતી. આ મામલે તેમના પરિવાર અને આશ્રમ સાથે સંકળાયેલા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, ભૈયુજી મહારાજે જ્યારે આત્મહત્યા કરી ત્યારે ઘરમાં તેમની માતા, સેવક વિનાયક અને યોગેશ હતાં. ભૈયુજીની પત્ની ડૉ, આયુષી બહાર ગઈ હતી.

આ ઉપરાંત અન્ય બે સેવાદારો પણ ઘર પર હાજર હતાં જેમને સવારે 11 વાગ્યે જ બીજા માળેની નીચેના માળે મોકલી દેવામાં આવ્યાં હતાં. તેઓ પુનામાં રહીને અભ્યાસ કરતી દિકરી કુહૂના રૂમમાં જતા રહ્યાં હતાં.