ભીલડી પાસે કેદીઓને લઈ જતી પોલીસ વાન પલ્ટી : પોલીસ-કેદીઓ સહિત આઠને ઈજા

500

પાલનપુર સબજેલમાંથી કેદીઓનો જાપ્તો લઈ દિયોદર કોર્ટમાં જવા નીકળેલ સરકારી પોલીસ વાન ભીલડી નજીક હાઈવે રોડ પરથી પસાર થઈ રહી હતી તે વખતે અચાનક વાનની આગળ એક્ટીવા ચાલક આવી જતા તેને બચાવવા પોલીસ વાનના ડ્રાઈવરે બ્રેક મારતા પાછળથી આવી રહેલ એક ટ્રેલરે ધડાકાભેર ટક્કર મારતા પોલીસવાન ડીવાઈડર સાથે અથડાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં સવાર કેદીઓ અને પોલીસકર્મીઓ સહિત આઠને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

police van accident (3)

બનાવ સંદર્ભે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહીતી અનુસાર પાલનપુર હેડકવાટર્સથી દિયોદર કોર્ટમાં કેદી જાપ્તો લઈ જવાનો હોઈ પોલીસ વાનના ડ્રાઈવર એમ.ટી.શાખામાંથી સરકારી વાહન લઈ પાલનપુર સબજેલ ખાતે પહોંચ્યા હતા. આજે સવારે નવેક વાગ્યાના સુમારે સરકારી વાહનમાં જી.આર.ડી.પી.એસ.આઈ.યાદવ તથા પાલનપુર હેડકવાટર્સના એ.એસ.આઈ ભીખાભાઈ, સીકંદરખાન, માઉન્ટેડ શાખાના પો.કો.શામળભાઈ, કમલેશકુમાર, મફતલાલ, મુકેશકુમાર, વિક્રમભાઈ, જીતેન્દ્રકુમાર સહિતના પોલીસકર્મીઓ છ કેદીઓ સાથે સરકારી વાહનમાં દિયોદર કોર્ટમાં કેદીઓને જાપ્તમાં લઈ જઈ રહ્યા હતા.

police van accident (1)

દરમિયાન ભીલડી નજીક એક એક્ટીવા ચાલક અચાનક પોલીસ વાન આગળ આવી જતા વાનના ચાલકે એક્ટીવા ચાલકને બચાવવા ગાડીને બ્રેક મારતા પાછળ આવી રહેલ ટ્રેલરના ચાલકે ધડાકાભેર પોલીસવાનને ટક્કર મારતા પોલીસવાન ડીવાઈડર પર ચડી ગઈ હતી અને પલ્ટી ખાઈ જતા વાનમાં સવાર પોલીસકર્મીઓ અને કેદીઓ પૈકી છ કેદીઓ અને બે પોલીસકર્મીઓને ઈજા થવા પામી હતી તે મુજબની ફરીયાદ પોલીસ વાહનના ડ્રાઈવર રમેશભાઈ વાઘાભાઈએ ભીલડી પોલીસ મથકે નોંધાવી છે. જેમાં ટ્રેલરના ચાલકે ટક્કર મારતા તેમનું વાહન ડીવાઈડર પર ચડી જતા ગાડીના ટાયર તેમજ કાચ સહિત ૧.૩૦ લાખનું નુકશાન થયુ હોવાની અને ટ્રેલરે પણ નુકશાન થયાની તેમજ અંદર બેઠેલ કર્મચારી તથા કેદીઓને ઈજાઓ થઈ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.