રિટેઇલ ચેઇન Future Group એક નવી ઓફર લઈને આવ્યું છે. આ ઓફર અંતર્ગત કંપની ટ્વિટર મહિનામાં બે વખત પોતાની કેટલીક પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ જાહેર કરશે. ડિસ્કાઉન્ટ કેટલું હશે એ વાતનો આધાર આ જાહેરાતને કેટલી વખત રિટ્વિટ કરવામાં આવશે એની પર આધાર રાખશે. Future Group બિગ બઝાર અને ઇઝી ડે જેવા અનેક રિટેલ સ્ટોર્સ ચલાવે છે.

ટ્વિટર પર દર પંદર દિવસે આવતા ગુરુવારે Future Group ‘DecideYour Price’ અભિયાન ચલાવે છે. આ અભિયાનમાં ગ્રૂપ સાંજે 6 કલાકે એક બ્રાન્ડેડ પ્રોડ્કટની ઓફર લાવે છે અને રાતના 10 વાગ્યા સુધી આ ઓફર જેટલીવાર રીટ્વિટ થાય છે એટલી વખતે એની કિંમતમાં એક-એક રૂ. ઘટે છે. આ ટ્વિટર અભિયાન પછી પ્રોડક્ટની જે કિંમત નક્કી થશે એ  કિંમત પર એ અઠવાડિયાના શનિવાર અને રવિવારના દિવસે આ પ્રોડક્ટ આખા દેશના બિગ બઝાર શો પર ઉપલબ્ધ હશે.

આ ઓફર વિશે Future Groupના એક ટોચના અધિકારીએ માહિતી આપી છે કે અત્યાર સુધી આ ઓફરના બે રાઉન્ડ થઈ ચૂક્યા છે અને લોકોએ ભારે ઉત્સાહથી પ્રતિભાવ આપ્યો છે. આ ડિસ્કાઉન્ટ મેક્સિમમ રિટેલ પ્રાઇસ પર નહીં પણ સ્ટોરમાં પ્રોડક્ટના સેલિંગ પ્રાઇસ પર આપવામાં આવશે. જોકે પ્રોડક્ટ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે એ લિમિટ કંપની નક્કી કરશે. ડિસેમ્બર મહિનામાં યોજાયેલા આવા પહેલાં સેલમાં 1999 રૂ.ની કિંમતની લેપટોપ બેગને વેચાણમાં મૂકવામાં આવી હતી. આ બેગની બિગ બઝાર 999 રૂ. ઓફર કિંમત છે અને શનિવાર તેમજ રવિવારે એને ડિસ્કાઉન્ટ સાથે 403 રૂ.માં વેચવામાં આવી છે. બિગ બઝારે આ બે દિવસોમાં 10,000 બેગ વેચી હતી જે અઠવાડિયાના બીજા દિવસોમાં માત્ર 250 નંગ જ વેચાઈ હતી.