Jayanti Bhanushali Murder Case : Biggest Expose About Murderer
  • Home
  • Ahmedabad
  • જયંતિ ભાનુશાળી મર્ડર કેસમાં હત્યારાઓને લઇ સૌથી મોટો ખુલાસો

જયંતિ ભાનુશાળી મર્ડર કેસમાં હત્યારાઓને લઇ સૌથી મોટો ખુલાસો

 | 12:36 pm IST

ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસમાં અજાણ્યા શાર્પ શૂટરો દ્વારા ફાયરીંગ કરીને કરવામાં આવેલી હત્યાનું સસ્પેન્સ પરથી પડદો હટી જશે. જયંતિ ભાનુશાળીના હત્યારાઓ ઓળખાઇ ગયા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

જયંતિ ભાનુશાળીને 7-01-2019ના રોજ ભુજથી મુંબઈ જઈ રહેલી સયાજી નગરી એક્સપ્રેસમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારાઓ હત્યા બાદ ચેઈન પુલિંગ કરીને ભાગી ગયા હતા. હવે એવી માહિતી સામે આવી રહી છે કે હત્યા બાદ જયંતિ ભાનુશાળી સાથે મુસાફરી કરી રહેલી એક મુસાફરની બેગ લઈને ભાગેલા હત્યારાઓ એક જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જયંતિ ભાનુશાળીના હત્યારાની ઓળખ થઈ હોવાનો સુત્રો દાવો કરી રહ્યા છે. આજે મોડી રાત કે આવતીકાલે અથવા સવારે આ મર્ડર મિસ્ટ્રી પરથી ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. હાલમાં બે શખ્સોએ હત્યા કરી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, CCTV કેમેરા દ્ગારા હત્યારા ઓળખાયા હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. આ અંતર્ગત એક ટીમ હત્યારાને પકડવા રવાના કરાયાનો સૂત્રોનો દાવો છે.

સ્થાનિક ગુંડા હોવાનું SIT માની રહી છે

ભાનુશાલીની સયાજનગરી ટ્રેનમાં  હત્યા કરનાર સ્થાનિક ગુંડા હોવાનુ એસઆઈટીના અધિકારી માની રહ્યા છે. સૂત્રોએ જણાવ્યુ કે, ટ્રેનમાં હત્યા કરવા ૭.૬૫ એમએમના હથિયાર સ્થાનક ગુંડાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો.ઉચ્ચ અધિકારીઓ માની રહ્યા છે કે, પ્રોફેશનલ  શુટર મોટાભાગે ૯ એમએમના હથિયારનો ઉપયોગ કરતા હોય છે.

ટ્રેનનો ટીસી SITના સકંજામાં

ભાનુસાલીની સયાજનગરી ટ્રેનમાં  પોઇન્ટ બ્લેન્કથી હત્યા થયા બાદ SIT દ્વારા આ ટ્રેના ટીસીને તપાસ માટે લઈ ગયા હતા. આ ટ્રેનનો ટીસી એસઆઈટીના અધિકારીઓને ગોળ ગોળ નિવેદન આપી રહ્યો હોવાથી તેને ૪૦ કલાકથી નજર કેદમાં રાખવામાં આવ્યો છે. એસઆઈટીના અધિકારીઓ રેલ્વેના અધિકારીઓને ટીસીની બેદરકારી હોવા બાબતે લેખિતમાં રિપોર્ટ કરે તેવી શકયતા છે.

હત્યામાં બે હથિયારનો ઉપયોગ

ભાનુશાલી પર ફાયરિંગ કરવા માટે બે હથિયારનો ઉપયોગ થયો હતો.એસઆઈટીએ  ભાનુશાલીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મેળવ્યો હતો.જેમાં તેમનામાં શરીરમાંથી મળેલી ગોળીઓ સીધી અને સાઇડમાં વાગેલી ગોળીઓનુ પરિક્ષણ કર્યું હતુ. જેમાં બે હથિયારથી તેમની પર ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ. બીજી તરફ એસઆઈટીએ ફુટેલા કારતુસ અને છરા FSLમાં તપાસ માટે મોકલી આપવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલની તપાસ ચાલુ કરી

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા અંગે નોંધાયેલી ફરિયાદમાં દર્શાવવામાં આવેલા છ શકમંદોના મોબાઈલ નંબરો ક્રાઈમ બ્રાન્ચે મેળવ્યા હતા. આ મોબાઈલ નંબરો પરથી જયંતી ભાનુશાળીની હત્યા થઈ ત્યારે કોની સાથે વાતચીતો થઈ હતી તે શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. એટલું જ નહીં પરંતુ એક સપ્તાહ સુધી શકમંદોએ કોની કોની સાથે વાતચીતો કરી તેની વિગતો એકઠી કરીને એટીએસને આપી હતી. એટીએસના સર્વેલન્સ વિભાગે તે પૈકીના કેટલાક શકમંદને તપાસ માટે લાવી હતી.

મુસાફરોની માહિતી મેળવીને તપાસ

રેલ્વે પોલીસે ટ્રેનમાં કયા મુસાફરો મુસાફરી કરતા હતા તેની માહિતી રેલ્વે વિભાગ પાસેથી મેળવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી જે ડબ્બામાં મુસાફરી કરતા હતા તે ડબ્બો, તેમજ તેની આગળ અને પાછળના ડબ્બામાં મુસાફરી કરતા મુસાફરોની માહિતી મેળવીને SITને આપી છે. SITએ મુસાફરી કરી રહેલા મુસાફરોના નિવેદનો લીધા હતા. જો કે, હત્યારાઓએ ટિકિટ લીધી ન હોવાનું બહાર આવ્યું છે.

જયંતી ભાનુશાળીની હત્યા સંદર્ભે ગાંધીધામના શખ્સની પૂછપરછ

સયાજીનગરી એક્સ્પ્રેસ ટ્રેનમાં સવાર અબડાસાના પૂર્વ ધારાસભ્યની હત્યા મામલે  એટીએસે ગાંધીધામમાં પડાવ નાખ્યો છે અને ગુનામાં વપરાયેલું બાઈક મૂળ ગળપાદરના શખ્સનું હોવાના ઈનપુટ મળતાં તેની સઘન પૂછતાછનો દોર શરૂ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

હત્યારાએ બાઈકનો ઉપયોગ કર્યો હોવાની જાણ થતાં એટીએસની ટીમે ગાંધીધામમાં પડાવ નાખ્યો હતો અને મોટરસાઈકલ બાબતે ગળપાદરના શખસને ઉઠાવી તેની પૂછતાછનો દોર શરૂ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, પરંતુ ગળપાદરના યુવાને ત્રણેક વર્ષ અગાઉ આ બાઈક અન્ય એક ઈસમને વેચી માર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અલગ અલગ ટીમો તપાસ કરી રહી છેઃ રેલવે એસપી 

ભાજપના કદાવર નેતાની કરપીણ હત્યા મામલે એટીએસની ટીમે ગાંધીધામમાં તપાસ શરૂ કરી, ગળપાદરના ઈસમની પૂછતાછ કરી હોવા અંગે રેલવેના એસપી ભાવના પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, સીટની રચના કરાયા બાદ અલગ અલગ ટીમો તપાસ કરી છે, પરંતુ હાલના તબક્કે હું કંઈ કહી શકુ નહીં તેમ ઉમેર્યું હતું.

મનીષા ગોસ્વામી હત્યા પૂર્વે અને હત્યાના દિવસે કચ્છમાં હતી

ભાનુશાળીની હત્યામાં આરોપી તરીકે દર્શાવવામાં આવેલી મનિષા ગોસ્વામી હત્યાના દિવસે તેમજ હત્યા અગાઉના દિવસોમાં પણ કચ્છમાં જ હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે, ૧થી ૩ જાન્યુઆરી વચ્ચે કચ્છના એક આર્થિક કૌભાંડોમાં વગોવાયેલા કૌભાંડી નેતા સાથે પ્લેનમાં મુંબઈ ગઈ હતી અને મુંબઈમાં કેટલાંક લોકો સાથે બેઠક કરી હતી, જે બેઠકમાં એક પ્રૌઢ પત્રકાર પણ હાજર હોવાનું ચર્ચામાં કહેવાય છે. ભુજ આવીને તે પરત વાપી ગઈ હતી અને વાપીથી પાછી ભુજ આવી હોવા સહિતની ચર્ચા છે.

રેલવેના કર્મચારીની સંડોવણીની શંકા

પૂર્વ ધારાસભ્યની હત્યારાઓને રેલ્વેનો કર્મચારીએ મદદ કરી હોવાનું બહાર આવ્યુ છે. ટ્રેનના ડબ્બા બંધ હોય તો ખોલ્યા કોણે ?  હત્યારા અંદર પ્રવેશી ભાનુસાળી સુધી પહોંચવામાં અને ચેઈન પુલીંગ કરી નીચે ઉતારવામાં રેલ્વે કર્મીની સંડોવણી માનવામાં આવી રહી છે.

બીજા એજન્ટ પાસે ટિકિટ કરાવી હતી

પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલી રેલ્વેમાં મુસાફરી કરે ત્યારે એક જણા સામે ટિકીટ કરાવતા હતા. આ વખતે રેલ્વમાં મુસાફરી કરવા માટે અન્ય એજન્ટ પાસે ટિકીટ કરાવી હતી. એસઆઈટીના અધિકારીઓ દ્વારા જે એજન્ટ પાસે ટિકીટ કરાવી હતી તેની પુછપરછ કરવામાં આવી છે.

બાજુના રોડ પરથી શૂટર બીજું વાહન લઇને ભાગી ગયા  

સયાજનગરી ટ્રેનમાં જયંતી ભાનુશાળી ઉપર ફાયરિંગ કરી શુટરો ચેઈન પુલીંગ કરીને નીચે ઉતરીને ત્યાંથી જ બીજા વાહનમાં નાસી ગયા હતા. હત્યારા નવ કિલોમીટીર સુધીના રોડથી હાઇવે તરફ ભાગી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.