બિટકોઈન કૌભાંડ: નલિન કોટડિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, મહારાષ્ટ્રથી કરાઇ હતી ધરપકડ

બિટકોઈન કૌભાંડ મામલે નલિન કોટડિયાની ધરપકડ કરાઇ હતી. CIDએ 10 દિવસના રિમાન્ડની માગ કરી છે. જેમાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નલિન કોટડિયાને સ્પે.કોર્ટમાં હાજર કરાયો હતો. નલિન કોટડિયાએ કોર્ટમાં દલીલ કરી હતી કે મને રાજકીય રીતે ફસાવાયો છે. મારી પાસે તમામ પ્રુફ છે. તેમજ મને ડાયાબિટીસ છે. ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રના ધૂલિયાથી નલિન કોટડિયાની ધરપકડ કરવામાં આવી હતી.ક્રાઈમ બ્રાંચે 41આઈ હેઠળ કોટડિયાની અટકાયત કરી હતી. તેમજ ક્રાઈમ બ્રાંચે કોટડિયાનો કબજો CID ક્રાઈમને સોંપ્યો છે.
સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને 12 કરોડના બિટકોઇન પડાવીને 32 કરોડ રૂપિયાના હવાલા પાડવાના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આખરે મોટી સફળતા મળી છે. છેલ્લાં પાચેક માસથી ગુજરાત પોલીસ સાથે સંતાકૂકડી રમતા અમેરલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા મહારાષ્ટ્રના ધુલિયાથી ઝડપાતા પોલીસે રાહતનો દમ લીધો છે.ઉલ્લેખનીય છે કે, સીઆઈડી ક્રાઇમે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે સીઆરપીસની કલમ 70નું વોરન્ટ લઈને દેશભરની પોલીસ અને એરપોર્ટ સત્તાવાળાઓને જાણ કરી હતી.બાદ કોટડિયાને સીઆરપીસીની કલમ 82 મુજબ ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.
12 કરોડ રૂપિયાના બિટકોઇન તોડ અને હવાલા મામલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને સીઆઈડી ક્રાઈમ છેલ્લા પાંચેક માસથી શોધતી હતી.સીઆઈડી ક્રાઈમે કોટડિયાને શોધવા માટે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાતમાં તપાસ કરી હતી.બાદ મુંબઈ અને દિલ્હી તપાસ કરાવતા મળી આવ્યા નહોતા. પછી સીઆઈડી ક્રાઈમે કોટડિયા સામે બિન જામીન લાયક વોરન્ટ મેળવીને મિલકતો જપ્તી સુધીની કાર્યવાહી કરી હતી. દરમિયાનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીને મળેલી ચોક્કસ બાતમીના આધારે શનિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના ધુલિયામાં એક ટીમ મોકલી દીધી હતી.
રવિવારે વહેલી સવારે નલિન કોટડિયાને ઊંઘતા જ પોલીસે ઝડપી લીધા હતા અને તેમને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ મોડી સાંજે અમદાવાદ આવી હતી. ત્યારબાદ સીઆઈડી ક્રાઈમે ક્રાઈમ બ્રાન્ચ પાસેથી કોટડિયાનો કબજો મેળવી લીધો હતો. સીઆઈડી ક્રાઈમ કોટડિયાને ધરપકડ કરી સોમવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે.
બિટકોઈનનો સમગ્ર કેસ શું છે?
સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગર નિધિ પેટ્રોલ પંપ અને રાજધાની હોટેલથી અપહરણ કરીને ચિલોડા પાસેના ફાર્મ હાઉસ લઈ ગયા હતા.ફાર્મ હાઉસ ઉપર શૈલેષ ભટ્ટને ઢોરમાર મારીને પી.ઉમેષ આંગડિયાના પ્રહલાદ પટેલ સાથે ગત તા. 11-2-2018ના રોજ શૈલેષ ભટ્ટને કુલ 19 વખત વાતચીત થઈ હતી.જેમાં 32 કરોડનાં હવાલા પાડવાનું નક્કી થયું હતું.જો કે, શૈલેષ ભટ્ટને મુક્ત કરતા તેને હવાલો રદ કર્યો હતો.જો કે, 12 કરોડના બિટકોઇન વોલેટમાંથી પડાવી લીધા હતા.જે બિટકોઇન બજારમાં વેચાણ કરીને આંગડિયામાં હવાલા પાડીને રોકડા કિરીટ પાલડિયા, જગદીશ પટેલે મેળવ્યા હતા.જેમાંથી કોટડિયાના ભાગે રૂ.66 લાખ આવ્યા હતા.અમરેલીના ધારીના પૂર્વ ધારાસભ્યએ બિટકોઇનની પતાવટ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમની સામે રૂ. 66 લાખ આંગડિયા મારફતે લેવાનો આરોપ છે.
નલિન કોટડિયા સામે પુરાવા શું છે ?
સુરતના શૈલેષ ભટ્ટનું અપહરણ થયું તે પહેલાં અને પછી પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ કિરીટ પાલડિયા, અમરેલીના એસપી જગદીશ પટેલ, એલસીબી પીઆઈ અનંત પટેલ,સુરતના પાલડિયા સાથે સંખ્યાબંધ વાર વાતો કરી હતી. આરોપી પીઆઈ અને એસપીએ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અપહરણ અને ખંડણી વસૂલીમાં સામેલ હોવાની કબુલાત કરી છે.નલિન કોટડિયાને બિટકોઇનમાં મળેલા નાણાં પૈકી 35 લાખ રાજકોટથી પોલીસે કબજે લીધા હતા.
CID ક્રાઇમે કોટડિયાને શોધવા કયા પ્રયત્નો કર્યા હતા
પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા આંગડિયા મારફતે 35 લાખ રૂપિયા આવ્યા હોવાના પુરાવા મળ્યા હતા.સીઆઈડી ક્રાઈમે આરોપી નલીન કોટડિયાને 3 અને 4 મેના રોજ CRPCની કલમ 160 મુજબ સમન્સ પાઠવ્યા હતા. કોટડિયાના ઘરે, ધારીના જંગલમાં આવેલા ફાર્મ હાઉસમાં તપાસ કરી હતી. નલિન કોટડિયાના મોબાઇલ નંબરની કોલ ડિટેલ્સના આધારે અમેરલી, સુરત ઝોન, જૂનાગઢમાં તપાસ કરી હતી.જો કે, તે મળી આવ્યા નહોતા.
કોણ છે નલિન કોટડિયા ?
નલિન કોટડિયા કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી મનુ કોટડિયાના ભત્રીજા છે. તેમને 1995માં સૌપ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. 2012માં જ્યારે કેશુભાઈ પટેલ ભાજપથી નારાજ થઈને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ત્યારે કોટડિયા જીપીપીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા.